તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th September 2025
લોધીકાના હરિપર પાળથી શનિવારે ગૂમ થયેલા ૧૬ વર્ષના ધાર્મિકની અવધના ઢાળ નજીકની ખાણમાંથી લાશ મળી
પિતા અશોકગીરીએ મૃત્યુ અંગે શંકા દર્શાવતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ ન્હાવા જતાં ડૂબી જતાં સાથેના મિત્રો ગભરાઇને ભાગી ગયાની વિગતો ખુલીઃ જૂડવામાંથી એક દિકરો ગુમાવતાં ગોસ્વામી પરિવારમાં શોકની કાલીમા : પહેલા ઉઘાડા પગે ન્હાવા ગયા, કાંકરા લાગતાં બૂટ પહેરીને ગયાઃ ધાર્મિક ડૂબવા માંડતા સાથેના છાત્રો ગભરાઇને નીકળી ગયાનું ખુલ્યું: પીઆઇ સંજય શર્મા

રાજકોટ તા. ૮: લોધીકાના હરિપર પાળ ગામેથી શનિવારે ખીરસરા આઇટીઆઇ જવાનું કહીને હોન્ડા લઇને નીકળેલો ૧૬ વર્ષ ૮ મહિનાની ઉમર ધરાવતો ધાર્મિક અશોકગીરી ગોસ્વામી ગૂમ થતાં પિતાએ મેટોડા પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ગઇકાલે રવિવારે બપોર બાદ તેની લાશ કાલાવડ રોડ અવધના ઢાળ પાસે પાણીની ખાણમાંથી મળતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પિતાએ મૃત્યુ અંગે શંકા દર્શાવતા યુનિવર્સિટી પોલીસ અને મેટોડા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પિતાએ શંકા દર્શાવી હતી કે દિકરાની લાશ મળી ત્યારે બૂટ પહેરેલા હતાં, તેનું બાઇક લાશ મળી તે સ્થળથી પાંચેક કિ.મી. દૂરથી મળ્યું છે. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં આ છાત્ર ન્હાવા જતાં ડૂબી ગયાનું અને તેની સાથેના મિત્રો-છાત્રો ગભરાઇ જતાં ઘટનાની જાણ કર્યા વગર ભાગી નીકળ્યા હતાં. આ મિત્રોની પોલીસે પુછતાછ શરૂ કરી છે.
આ બનાવમાં મેટોડા જીઆઇડીસી પોલીસે જામનગરના ભાણવડ તાબેના હાથલા ગામના મુળ વતની અને હાલ લોધીકાના હરિપર પાળ ગામે રામાપીરના મંદિર પાછળ રીયલ રેસીડેન્સીમાં રહેતાં અને કુવાડવા જીઆઇડીસીમાં કારખાનામાં ઓપરેટર તરીકે નોકરી કરતાં અશોકગીરી રતિગીરી ગોસ્વામી (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી અજાણ્યા સામે અશોકગીરીના ૧૬ વર્ષના પુત્ર ધાર્મિકના અપહરણનો ગુનો નોંધ્યો હતો.
અશોકગીરીએ જણાવ્યું હતું કે મારે સંતાનમાં જોડીયા પુત્ર છે. મોટો ધ્રુવ છે. તે વેરાવળ નવોદય વિદ્યાલયમાં વચ્છરાજ હોસ્ટેલમાં રહી બારમુ ધોરણ ભણે છે. તેનાથી નાનો ધાર્મિક રાજકોટ સોૈરાષ્ટ્ર હાઇસ્કૂલમાં ધોરણ-૧૦ સુધી ભણ્યો છે. દસમામાં નાપાસ થયા બાદ ૧/૯/૨૫થી ખીરસરા આઇટીઆઇ ખાતે ઇલેક્ટ્રીકનો અભ્યાસ ચાલુ કર્યો હતો. તા. ૬/૯ના શવિનારે સવારે હું નવેક વાગ્યે નોકરીથી ઘરે આવ્યો ત્યારે ધાર્મિક ઘરે હતો અને કહેલુ કે ખીરસરા આઇટીઆઇ ખાતે ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે. તેમ કહી તે જીજે૩૭પી-૪૨૨૨ નંબરનું બાઇક લઇને આઇટીઆઇ જવાનું કહીને નીકળ્યો હતો.
સાંજના સાડા ચાર સુધી તે ન આવતાં મેં તેને ફોન જોડતાં ફોન સ્વીચ ઓફ આવતો હતો. એ પછી રાતના સાડા નવ સુધી અમે ફોન જોડવા ટ્રાઇ કરી હતી પણ સંપર્ક થઇ શક્યો નહોતો. એ પછી મારા પત્નિ વર્ષાબેન ટીંબડી ગામે સમારા સસરાની ખબર પુછવા ગયા હોઇ તેમને તથા મારા મોટા ભાઇ મહેશગીરીને મેં ધાર્મિક ગૂમ થયાની જાણ કરી હતી. બાદમાં અમે પોલીસને જાણ કરી હતી. સહિત પડોશીઓ, ધાર્મિકના મિત્રોને ફોન કરી તપાસ કરી હતી. મેટોડા પોલીસ સ્ટેશનના એએઅસાઇ એચ. એ. ખાખરે અપહરણનો ગુનો નોંધતાં પીઆઇ સહિતે તપાસ શરૂ કરી હતી.
દરમિયાન રવિવારે બપોરે પોણા ત્રણ આસપાસ કાલાવડ રોડ અવધના ઢાળ નજીક દિલ્હી પબ્લીક સ્કૂલ પાસેથી એક છોકરાની લાશ મળી આવી હતી. ફાયર બ્રિગેડના હરિヘંદ્રસિંહ જાડેજા, સંજયભાઇ ગોહેલ, લાલજીભાઇ સરવૈયા, શક્તિસિંહ ઝાલા, સંજય બેરા, નરેશ સુચર, રાહુલ કાલીયા, ગોકળ ગોલતર સહિતે લાશ બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. તપાસ થતાં આ લાશ લોધીકાના હરિપર પાળથી ગૂમ થયેલા ધાર્મિક ગોસ્વામીની હોવાનું ખુલતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ હીનાબેન મણવર સહિતે ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. જો કે પરિવાર દ્વારા મૃત્યુ મામલે શંકા દર્શાવાઇ હોઇ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. મૃત્યુ અંગે શંકા દર્શાવાઇ હોઇ મેટોડા પોલીસ મથકના પીઆઇ સંજય શર્મા અને ટીમે વધુ તપાસ હાથ ધરી છે. બનાવથી ગોસ્વામી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. (૧૪.૬)
ધાર્મિકના પિતાએ શંકાઓ દર્શાવતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ
ઞ્જમૃતક ધાર્મિકના પિતા અશોકગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે મારો દિકરો મારુ બાઇક લઇને આઇટીઆઇ જવાનું કહીને નીકળ્યા બાદ ગૂમ થયો હતો. શનિવાર રાત સુધી પત્તો ન મળતાં રવિવારે સવારે અમને માહિતી મળતાં અમે મારા દિકરાના મિત્રને મળી પુછતાછ કરી હતી પણ તેણે પોતાને કંઇ ખબર નહિ હોવાનું કહ્યું હતું. વધુ પુછતાં તેણે કબુલ્યું હતું કે અમે બધા કોલેજ ગયા હતાં પણ વરસાદને કારણે રજા હોઇ બાદમાં અમે અવધના ઢાળ પાસે ગયા હતાં. બાદમાં પોતાની બસ આવતાં પોતે નીકળી ગયો હતો. એ પછી બીજા ત્રણ છાત્રો-મિત્રો ધાર્મિક સાથે હતાં. પછી શું થયું તેની ખબર નથી. પોલીસે આ ત્રણ છાત્રોને પુછતાછ માટે બોલાવ્યા હતાં. અશોકગીરીએ કહ્યું કે મારા દિકરાની લાશ મળી ત્યારે તેણે પગમાં બૂટ પહેરેલા હતાં, બાઇક ઘટના સ્થળથી પાંચેક કિમી દૂરથી લોક કરેલુ મળ્યું હતું. બીજી તરફ મેટોડા પોલીસ અધિકારી શ્રી સંજય શર્માના કહેવા મુજબ કદાચ ખાણમાં કાંકરા હોઇ લાગે નહિ તે માટે બૂટ પહેરીને ન્હાવા ગયા હોઇ શકે. ધાર્મિક ન્હાતી વખતે ડૂબવા માંડતા સાથેના છાત્રો બચાવી શકે તેમ ન હોઇ ગભરાઇને નીકળી ગયાનું હાલ સામે આવ્યું છે. તેમજ વાહન પણ મિત્રએ જ ગભરાઇને દૂર મુકી દીધાનું ખુલ્યું છે. આમ છતાં અમે તપાસ યથાવત રાખી છે (૧૪.૬)
(10:54 AM IST)










