તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th September 2025
ઇનોવા પલ્ટી જતાં આર.કે. યુનિવર્સિટીના ૩ છાત્રોના મોત : જુઓ વિડિયો
આટકોટના જંગવડ પાસે મોડી રાતે જીવલેણ અકસ્માતઃ ૧૨ વિદ્યાર્થીઓ કારમાં હતાં: બે સારવારમાં: તેલંગણાના મોથેર હર્ષા મોથેર હન્માકોંડા, આંધ્રપ્રદેશના સૈયદ આફ્રીદ સૈયદ અહેમદના ઘટના સ્થળે અને આંધ્રપ્રદેશના કોડવતી નરેશ સુબ્બારાવનું રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુઃ બે વિદ્યાર્થી શેખ નેમાલીપુઇ યાસીન અને શેખ સોહેલ બાસા સારવાર હેઠળઃ કોમ્પ્યુટર એન્જિનીયરીંગનો અભ્યાસ કરતાં કુલ ૧૨ છાત્રો ફરવા જવાની મંજુરી મેળવી રોયલ ટ્રાવેલ્સની ઇનોવા કાર સેલ્ફ ડ્રાઇવમાં બૂક કરાવી જુનાગઢ, સોમનાથ, દિવ અને દ્વારકા ફરવા રવાના થયા હતાં: ૭નો બચાવઃ એસપી વિજયસિંહ ગુર્જર ઘટના સ્થળે પહોંચ્યા

કાળનો કોળીયો બનેલા કોડાવલી નરેશ, મોથેર હર્ષા અને આફ્રીદ સૈયદ : જંગવડ ગામ પાસે મોડી રાતે ઇનોવા કાર ગોથુ ખાઇ જતાં કારનો બૂકડો બોલી ગયો હતો. જેમાં આર. કે. યુનિવર્સિટના ત્રણ વિદ્યાર્થીના મોત નિપજ્યા હતાં. તસ્વીરોમાં ઘટના કારની હાલત કેવી થઇ હતી તે દ્રશ્યો તથા ત્રણેય હતભાગી વિદ્યાર્થીઓના નિષ્પ્રાણ દેહ અને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ લાવવામાં આવ્યા ત્યારના દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ અભીજીત બગથરીયા-રાજકોટ, વિજય વસાણી-આટકોટ) (
રાજકોટ તા. ૬: જસદણના આટકોટ નજીક જંગવડ પાસે મોડી રાતે ઇનોવા કાર ગોથુ મારી જતાં કારનો બૂકડો બોલી જતાં અંદર બેઠેલા રાજકોટ આજીડેમ ચોકડી નજીક આવેલી આરકે યુનિવર્સિટી કોલેજના ત્રણ છાત્રોના કમકમાટી ભર્યા મોત થયા છે. જ્યારે બેને વધુ ઇજાઓ સારવાર માટે દાખલ કરાયા છે. બાકીના ૭નો નજીવી ઇજા સાથે બચાવ થયો છે. ૧૨ છાત્રો સેલ્ફ ડ્રાઇવમાં કાર ભાડે કરીને બે દિવસ માટે જુનાગઢ, સોમનાથ-દિવ-દ્વારકાની સલેહગાહે જવા નીકળ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. મૃત્યુ પામનાર ત્રણેય છાત્ર આંધ્રપ્રદેશ અને તેલંગણાના હોઇ તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. ત્રણેયના મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયા હતાં. આ બનાવને પગલે કોલેજ સ્ટાફ, વિદ્યાર્થીઓમાં ગમગીની ફેલાઇ ગઇ છે.
આટકોટથી વિજય વસાણીના અહેવાલ મુજખબ જાણવા મળ્યા મુજબ મોડી રાતે એકાદ વાગ્યે આટકોટના જંગવડ પાસે જીજે૦૧એચડબલ્યુ-૭૭૭૪ પલ્ટી મારી જતાં કારનો બૂકડો બોલી ગયો હતો અને દેકારો મચી ગયો હતો. બનાવને પગલે લોકો એકઠા થઇ ગયા હતા. લોકોએ પોલીસ અને ૧૦૮ને જાણ કરતાં ગાડીઓ પહોંચી ગઇ હતી. તપાસ કરતાં બે યુવાનના ઘટના સ્થળે જ મોત થયા હતાં. બાકીના એક ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો, જેનું અહિ મોત થતાં મૃત્યુઆંક ત્રણ થયો હતો.
બીજી તરફ ચાર જેટલા ઇજાગ્રસ્તોને આટકોટ કે. ડી. પરવાડીયા હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં ત્રણેકને નજીવી ઇજા હોઇ પ્રાથમિક સારવાર અપાઇ હતી. જ્યારે એકને ફ્રેકચર જેવી ઇજા જણાતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં આટકોટ પોલીસ સ્ટેશનના સંજયભાઇ મેટાડીયા સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો.
રાજકોટના અહેવાલ મુજબ આર. કે. યુનિવિર્સિટીના ૧૨ વિદ્યાર્થીઓ કે જે કોમ્પ્યુટર એન્જિનીયરીંગનો અભ્યાસ કરે છે તેમણે ફરવા જવા માટેની મંજુરી કોલેજ-હોસ્ેટલમાંથી લીધી હતી. એ પછી રાજકોટની રોયલ ટૂર એન્ડ ટ્રાવેલ્સમાંથી સેલ્ફ ડ્રાઇવીંગમાં ઇનોવા કાર બૂક કરાવી હતી. જે લઇને આ ૧૨ છાત્રો જુનાગઢ, સોમનાથ, દિવ, દ્વારકાની ટૂર પર જવા નીકળ્યા હતાં. આ દરમિયાન રાતે એકાદ વાગ્યે આટકોટ પોલીસની હદમાં આવેલા જંગવડ ગામની ગોળાઇમાં કોઇપણ કારણોસર આ ઇનોવા કાર પલ્ટી મારી જતાં બે વિદ્યાર્થીના ઘટના સ્થળે અને એકનું રાજકોટ ખાતે મૃત્યુ થયું હતું.
મૃત્યુ પામનારના નામ કોડવતી નરેશ કોડવતી સુબ્બારાઓ (ઉ.વ.૧૯-રહે. સત્તેનાપલ્લી, પાલંડુ આંધ્રપ્રદેશ) તથા મોથે હર્ષા મોથે રાજુ હન્માકોંડા (ઉ.વ.૧૯-રહે. હૈદરાબાદ તેલંગણા) અને સૈયદ આફ્રીદ સૈયદ અહેમદ (ઉ.વ.૧૯-રહે. ૧-૬૮, પોંડુગુલા, ગુટુર આંધ્રપ્રદેશ) છે. જમાં નરેશનું રાજકોટ હોસ્પિટલમાં અને અન્ય બેના ઘટના સ્થળે મૃત્યુ થયા હતાં.
બે છાત્રો શેખ નેમાલીપુઇ યાસીન અને શેખ સોહેલ બાસાને ઇજાઓ થતાં આટકોટ કે. ડી. પરવાડીયામાં સારવાર બાદ રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસની ટીમ પહોંચી હતી. ૧૦૮ની ટીમો અને પોલીસે લોકોની મદદથી ઘાયલોને સારવાર માટે ખસેડવા તજવીજ કરી હતી. પોલીસે ઘટના સ્થળે એફએસએલ અને આરટીઓ અધિકારીઓને સાથે રાખી જરૂરી કાર્યવાહી કરી હતી. રૂરલ એસીપી વિજયસિંહ ગુર્જર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને જરૂરી સુચનો આપ્યા હતાં.
બનાવની જાણ થતાં કોલેજના સંચાલકો, હોસ્ટેલના રેક્ટર સહિતના ઘટના સ્થળ અને હોસ્પિટલે પહોંચી ગયા હતાં. આટકોટ પોલીસના કહેવા મુજબ ત્રણેય મૃતક આઉટસ્ટેટના હોવાથી તેમના મૃતદેહના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રાજકોટ ખાતે કરાવવામાં આવ્યા છે. આ બનાવથી સાથી વિદ્યાર્થીઓમાં અને સમગ્ર કોલેજમાં ગમગીની વ્યાપી ગઇ છે. મૃત્યુ પામનારા છાત્રો આરકે કોલેજની હોસ્ટેલમાં જ રહેતાં હતાં. આટકોટ પોલીસે આ બનાવની વધુ તપાસ યથાવત રાખી હતી. (૧૪.૫)
(2:53 PM IST)










