<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

અઢી મહિના પહેલા રાજકોટથી ગૂમ થયેલી શાપરની ધોરણ ૧૦ની છાત્રાને યુપીનો અભિષેક બિહાર લઇ ગયાનું ખુલ્‍યું

શાપરની ધો-૧૦ની છાત્રા રાજકોટથી ગૂમ થઇ, પિતાએ શાપર પોલીસને જાણ કરતાં કોલ ડિટેઇલ કાઢશું તપાસ કરશું એવું અઢી મહિના કહ્યું છેલ્લે હવે રાજકોટ પાકી ફરિયાદ કરોઃ ભક્‍તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દિકરીએ પિતાને ફોનમાં કહ્યું-હું ભાગલપુર છું, મારે અભિષેક સાથે લગ્ન નથી કરવા મને લઇ જાવઃ અપહરણકારે પણ કહ્યું-મારી પાસે ભાડાના પૈસા નથી, તમારી દિકરીને તેડી જાવ પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયાએ દિકરીના પિતાની વ્‍યથા સાંભળી તુરત ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૫: શાપર વેરાવળ રહેતાં યુપીના મજૂર પરિવારની ૧૬ વર્ષની દિકરી  અઢી મહિના પહેલા શાપરથી રાજકોટની શાળા ખાતે પરિક્ષાનું ફોર્મ ભરવા આવ્‍યા બાદ ગૂમ થઇ જતાં પિતા સતત શોધખોળ કરી રહ્યા હતાં શાપર પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન દિકરી ફોન સાથે લઇ ગઇ હોઇ તેનો સંપર્ક થતાં તેણીએ પોતે આવી જશે કહી ફોન કાપી નાંખ્‍યો હતો. આથી પિતાએ શાપર પોલીસને જાણ કરી હતી. આ  પછી આ સગીરાએ પોતે બિહારના ભાગલપુરમાં હોવાનું અને શાપર રહેતો અભિષેક ભગાડી લાવ્‍યાનું તેમજ પોતાને અહિ રહેવુ ન હોઇ તેડી જવાનું કહેતાં આ અંગે પણ શાપર પોલીસને જાણ કરાઇ હતી. પણ તપાસનીશે કોલ ડિટેઇલ આવે પછી આગળ વધશું. આ રીતે અઢી મહિના પસાર થયા બાદ છેલ્લે રાજકોટ ભક્‍તિનગર પોલીસમાં ફરિયાદ કરવાનું કહી દેવાયું હતું

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે અપહૃત ૧૬ વર્ષની બાળાના પિતાની ફરિયાદ પરથી હાલ શાપર વેરાવળમાં રહેતાં મુળ યુપીના સેમરીયા ટીકાના અભીષેક તાતી વિરૂધ્‍ધ અપહરણનો ગુનો નોંધ્‍યો છે. ફરિયાદી પણ મુળ યુપીના વતની છે. તેને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. આ સંતાનો રાજકોટથી શાળામાં ભણે છે. જેમાં ૧૬ વર્ષની દિકરી ૧૦મું ધોરણ ભણે છે, જે ગયા વર્ષે નાપાસ થઇ હતી.

ફરિયાદીએ જણાવ્‍યું છે કે ૧૮/૬/૨૫ના મારા ત્રણેય સંતાન રાજકોટ ભણવા જવા નીકળ્‍યા હતાં. દિકરી બે વિષયમાં નાપાસ થઇ હોઇ ફરીથી પરિક્ષા આપવા ફોર્મ ભરવા માટે સ્‍કૂલ બેગ લઇને નીકળી હતી. હું ત્‍યારે શાપર મારા કામે હતો. બપોરે ત્રણેક વાગ્‍યે પત્‍નિનો ફોન આવ્‍યો હતો કે દિકરી હજુ રાજકોટથી પાછી આવી નથી. આથી તેણી ઘરનો મોબાઇલ ફોન ઓનલાઇન ફોર્મ ભરવા માટે સાથે લઇ ગઇ હોઇ તેમાં કોલ કરતાં તેણીએ વરસાદ ચાલુ છે, થોડીવારમાં આવુ છું તેમ કહ્યું હતું. પરંતુ સાંજ સુધી પરત આવતાં ફરી ફોન કરતાં તેણીએ હવે હું રિક્ષામાં બેસી ગઇ છું, આવુ જ છું તેમ કહ્યું હતું. પણ બાદમાં તેનો ફોન બંધ થઇ ગયો હતો.

અમે તેની શોધખોળ ચાલુ રાખી હતી. બીજા દિવસે શાળા ખાતે ગયા ત્‍યારે ત્‍યાંના સાહેબે કહેલુ કે તમારી દિકરી ફોર્મ ભરવા તો આવી હતી પણ પછી કલાકમાં જ ફોર્મ ભરીને નીકળી ગઇ હતી. અમે આજ સુધી દિકરીની શોધખોળ ચાલુ રાખી હતી, શાપર પોલીસને પણ દિકરી ગૂમ થયાની જાણ કરી હતી. એ પછી અમે દિકરીને ફોન કરવાનું ચાલુ રાખ્‍યું હતું. એક દિવસ ફોન ચાલુ થતાં તેણીએ હું આવી જઇશ એટલી વાત કરી હતી પણ ક્‍યાં છે તે જણાવ્‍યું નહોતું. આથી અમે શાપર પોલીસ પાસે જતાં તપાસનીશે મારી દિકરીને ફોન જોડયો હતો. પણ ફોન બંધ આવતો હતો. આથી તેમણે કહેલુ કે ફરીથી ફોન ચાલુ થાય ત્‍યારે આવજો.

આ પછી હું રોજ મારી દિકરીને દિવસમાં  વારંવાર ફોન જોડતો રહેતો હતો. દસેક દિવસ બાદ ફરી ફોન ચાલુ થતાં દિકરીએ કહેલું કે હૂં આવી જઇશ, આ વખતે પણ તેણે ક્‍યાં છે તેની વાત ન કરતાં અમે ફરી શાપર પોલીસ પાસે ગયા હતાં. ત્‍યાંના તપાસનીશે તમારી દિકરીને કોલ ડિટેઇલ કઢાવી છે, તેના આધારે તપાસ થશે તેમ કહ્યું હતું. પંદર દિવસ બાદ ફરી શાપર જતાં કહેવાયુ હતું કે કોલ ડિટેઇલ હજી આવી નથી. આ પછી હું દર ત્રણ-ચાર દિવસે શાપર પોલીસ સ્‍ટેશને જતો હતો. પરંતુ દિકરીની ભાળ મળી નહોતી.

દરમિયાન હાલમાં સાતમ-આઠમના તહેવારના એક દિવસ પહેલા મારી દિકરીનો મને ફોન આવેલો કે હું બિહારના ભાગલપુરમાં છું અને અભિષેકકુમાર તાતી મને સાથે લઇ ગયો છે, તેને મારી સાથે લગ્ન કરવા છે પરંતુ મારે અહિ રહેવું નથી, મને અહિથી લઇ જાઓ તેવુ કહેતાં હું તુરત શાપર વેરાવળ પોલીસ સ્‍ટેશને ગયો હતો અને ત્‍યાં તપાસનીશને વાત કરી હતી. આ વખતે પણ તેમણે તમારી  દિકરીની કોલ ડિટેઇલ આવશે પછી આપણે આગળની કાર્યવાહી કરશું તેમ કહ્યું હતું. બાદ અભિષેકના ત્રણેક અલગ અલગ નંબરો પરથી દિકરીનો મને ફોન આવ્‍યો હતો અને કહ્યું હતું કે મની અહિથી તેડી જાય.

એક દિવસ તો મારી દિકરીને લઇ જનારા અભિષેકે પણ મારી સાથે વાત કરી કહ્યું હતું કે-તમારી દિકરીને તમે આવીને તેડી જાવ, મારી પાસે ભાડાના પૈસા નથી. આ પછી હું અને મારા શેઠ ફરીથી તા. ૩/૯/૨૫ના રોજ શાપર પોલીસ સ્‍ટેશને ગયા હતાં. જ્‍યાં ફરી તપાસનીશને કહેતાં તેણે કહેલું કે તમારે પાકી ફરિયાદ કરવી હોય તો તમે રાજકોટ ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશને જાવ, ત્‍યાં ફરિયાદ કરવી પડશે. આથી હું અને મારા શેઠ હવે રાજકોટ ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશને આવ્‍યા હતાં અને ફરિયાદ કરી હતી. શાપર રહેતો મુળ બિહારનો અભિષેક મારી ૧૬ વર્ષની દિકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોઇ મેં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં બાળાના પિતાએ કહેતાં હેડકોન્‍સ. પ્રશાંતસિંહ ગોહિલે ગુનો નોંધતા પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ વસાવા, નિલેષભાઇ મકવાણા અને ડી. સ્‍ટાફ ટીમએ તપાસ હાથ ધરી છે. 

(4:00 PM IST)