તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
એસઓજીનો સતત બીજા દિવસે સપાટોઃ બિહારથી ગાંજો લાવી રાજકોટમાં વેંચે એ પહેલા ૪ ઝડપાયા. :જુઓ વિડીયો
રૂખડીયાપરાનો અભય ઉર્ફ અભલો અદાણી અને ત્રણ સાગ્રીતો અસલમ ઉર્ફ સરકિટ શેખ, કિશન નાયડુ અને કરણ અઠવલે ટ્રેન મારફત માદક પદાર્થ લઇ બિહારથી અમદાવાદ આવ્યા, ત્યાંથી બસમાં રાજકોટ પહોંચ્યા અને દબોચી લેવાયા અભય મુખ્ય સુત્રધારઃ બાકીના ત્રણ પડીકીઓ વેંચવામાં મદદ કરેઃ ૧.૬૨ લાખનો ૧૬.૨૯૮ કિ.ગ્રા. ગાંજો કબ્જેઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ ધાસુરા અને ટીમનો રૂખડીયાપરામાં સફળ દરોડો ઉપેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ અને અનોપસિંહ ઝાલાની બાતમી

રાજકોટ તા. ૫: શહેરમાં નશીલા દ્રવ્યોની હેરાફેરીના નેટવર્કને નાબુદ કરવા શહેર એસઓજી સતત કાર્યરત છે. સતત બીજા દિવસે માદક પદાર્થનો જથ્થો ઝડપી લેવાયો છે. ગઇકાલે સરધાર પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સને પકડી લેવાયા બાદ હવે રૂખડીયાપરામાંથી એક સાથે ૪ શખ્સોને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે. આ ચારમાં એક સુત્રધાર છે અને બાકીના ત્રણ પડીકીઓ બનાવી વેંચવામાં મદદ કરે છે. આ ચારેય જણા બિહારથી ગાંજો લાવ્યા હતાં. જો કે ગાંજો બંધાણીઓ, ગ્રાહકોને વેંચે એ પહેલા પકડી લેવાયા હતાં.
જાણવા મળ્યા મુજબ શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે અને નારકોટીક્સ પદાર્થનું વેંચાણ અટકે તે માટે ‘સે નો ટુ ડ્રગ્સ' ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત માદક પદાર્થોનું ખરીદ વેંચાણ કે હેરાફેરી કરનારા શખ્સોને પકડી લેવામાં આવે છે. એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ અને અનોપસિંહ ઝાલાને પાક્કી બાતમી મળી હતી કે રૂખડીયાપરામાં ઢાળ ઉતરતા જાહેર શોૈચાલય નજીક ચાર શખ્સો માદક પદાર્થ સાથે આવવાના છે.
આ બાતમી પરથી ટીમે શોૈચાલયથી નજીકમાં આવેલા મંદિર પાસે વોચ રાખતાં બાતમી મુજબના ચાર શખ્સો શંકાસ્પદ રીતે નજરે ચડતાં જ દબોચી લેવાયા હતાં. તેમની પાસેના થેલાઓ ચેક કરતાં વનસ્પતી જન્ય પદાર્થ મળી આવ્યો હતો જે ગાંજો હોવાનું જણાયું હતું. એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાએ આ પદાર્થ ગાંજો હોવાનો અભિપ્રાય આપતાં ચારેયને પકડી લઇ તેની પાસેથી રૂા. ૧,૬૨,૯૮૦નો ૧૬.૨૯૮ કિ.ગ્રા. ગાંજો કબ્જે કરાયો હતો.
ચારેયની પુછતાછ થતાં પોતાના નામ અભય ઉર્ફ અભલો ભુરાભાઇ અદાણી (ઉ.વ.૨૪-રહે. રૂખડીયાપરા-૩), અસમલ ઉર્ફ સરકિટ બસીરભાઇ શેખ (ઉ.વ.૨૯-રહે. રૂખડીયાપરા શેરી નં. ૫, બુખારીબાપુની દૂકાન પાસે), કિશન સુરેશભાઇ નાયડુ (ઉ.વ.૧૯-રહે. રૂખડીયાપરા મેઇન રોડ, હનુમાનજીના મંદિર નજીક) તથા કરણ મોહનભાઇ અઠવલે (ઉ.વ.૧૯-રહે. પોપટપરા-૩, વિનુભાઇના દવાખાના પાસે, હાલ રૂખડીયાપરા-૩, નીતુમાસીના મકાનમાં ભાડે) જણાવ્યા હતાં. ચારેય સામે પ્ર.નગર પોલીસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી ધરપકડ કરી વધુ તપાસ માટે ચારેયને પ્ર.નગર પોલીસને સોંપવામાં આવ્યા હતાં.
પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ અભય ઉર્ફ અભલો સહિતના છુટક કામ કરે છે. પૈસા કમાવવા માટે અભય ગાંજો વેંચવાના રવાડે ચડયો હતો. બિહારથી ચારેય ગાંજો લાવ્યા હતાં. ટ્રેન મારફત અમદાવાદ પહોંચી ત્યાંથી બસ મારફત રાજકોટ આવ્યા હતાં. અભય પડીકઓ બનાવે છે અને બાકીના ત્રણ વેંચવામાં મદદ કરે છે. જો કે આ જથ્થો વેંચે એ પહેલા ઝડપાઇ ગયા હતાં.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એમ. બી. ધાસુરા, એએઅસાઇ અરૂણભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, જયદિપસિંહ ચોૈહાણ, મહાવીરસિંહ ઝાલા, કોન્સ. અનોપસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ચુડાસમા, કોન્સ. મોનાબેન બુસા, ભાગ્યલક્ષ્મીબા ઝાલા, ડ્રા.કોન્સ. મહાવીરસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. (૧૪.૫)
(2:30 PM IST)










