તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
મનપા અર્વાચીન રાસોત્સવ માટે ૬ મેદાન ભાડે આપશેઃ ટેન્ડર પ્રસિધ્ધ
આવ્યા માના નવલા નોરતા... : નવા ભળેલા વિસ્તારોના કોઇ પ્લોટનો સમાવેશ ન કરાયોઃ મોરબી રોડના પણ બે મેદાનોની બાદબાકી

રાજકોટ, તા., ૪ : સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થવાની છે ત્યારે પ્રાચીન સાથે અર્વાચીન રાસોત્સવની તૈયારી પણ શરૂ થઇ ગઇ છે. જે અંતર્ગત મનપા હસ્તકના રેસકોર્સ ગ્રાઉન્ડ તથા વિવિધ વિસ્તારમાં પ્લોટ નવરાત્રી તહેવારમાં રાસોત્સવ માટે ભાડે આપવા તંત્ર દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.
રેસકોર્સના બે ભાગમાં બે મેદાન દર વર્ષે નવરાત્રી રાસોત્સવના આયોજકોને ભાડે આપવામાં આવે છે. આ સિવાય નાના મવા ચોક, અમીન માર્ગ કોર્નર, પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ બાજુમાં અને સાધુ વાસવાણી રોડના પ્લોટ દર વર્ષની જેમ ભાડે આપવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
મહાનગરપાલિકા હસ્તકના શહેરમાં રેસકોર્સ મેદાન ભાગ-૧ ૧,૪૩૦ ચો. મી., રેસકોર્સ મેદાન ભાગ-બી, ૧૧,૪રપ ચો. મી., નાના મવા સર્કલ (એચ. પી. સી. એલ.) પંપ પાસે ૯૪૩૮ ચો. મી., સાધુ વાસવાણી રોડ, રાજ પેલેસ સામેનો પ્લોટ પ૩૮૮ ચો. મી., પ્રમુખ સ્વામી ઓડીટોરીયમની બાજુનો પ્લોટ ૩૦૭૩ ચો. મી., અમીન માર્ગ કોર્નર, જેડ બ્લ્યુની સામેનો પ્લોટ, ૪૬૬૯ ચો. મી., એફ. પી. નં. ૯૪ કુલ પ્લોટ તા. ૨૦ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર સુધી નવરાત્રીના તહેવારમાં રાસોત્સવ માટે ભાડે આપવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવેલ ેછે.
રેસકોર્સ મેદાન ભાગ એ.-, નાના મવા સર્કલ, સાધુ વાસવાણી રોડ પરના પ્લોટની અપસેટ કિંમત પ્રતિ ચો. મી. રૂા. ૬ તથા બાકીના પ્લોટની કિંમત રૂા. પ રાખવામાં ં આવી છે.
ભાવ ભરનાર અપસેટ કિંમત ઉપરાંત ૧૦ ટકા સફાઇ વહીવટી ચાર્જ તથા ૧૮ ટકા મુજબ જીએસટીની રકમ અલગથી ભરપાઇ કરવાની રહેશે.
આ કામે ટેન્ડર ભાવો મંગાવવામાં આવેલ છે. આ કામના ટેન્ડરની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર છે. ટેન્ડરની નકલ એસ્ટેટ વિભાગમાંથી રૂબરૂ અથવા મહાનગર પાલીકાની વેબસાઇટ www.rmc.gov.in પરથી મળી શકશે.
કોર્પોરેશન સિવાય ખાનગી પ્લોટમાં પણ જુદા જુદા સ્થળે ગરબા આયોજનો થઇ રહ્યા છે. જોકે મ્યુનિ. કોર્પોરેશને નવા ભળેલા વિસ્તારમાં નવા રીંગ રોડ, ન્યારી ડેમ રોડ, માધાપર, ઘંટેશ્વર વિસ્તારના કોઇ મેદાન ગરબા માટે ભાડે આપવા હજુ કોઇ નવું આયોજન આ વર્ષે પણ કર્યુ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મનપા તંત્રને ગત વર્ષે રેસકોર્સ મેદાન ભાગ-૧નાં ર૧.૯૩ લાખ,રેસકોર્સ મેદાન ભાગ-બીના ૧૧.૮૯ લાખ, નાના મવા સર્કલ (એચ. પી. સી. એલ.) પંપ પાસેના ૧પ.પપ લાખ, સાધુ વાસવાણી રોડ, રાજ પેલેસ સામેનો પ્લોટના પ.૦૭ લાખ, અમીન માર્ગ કોર્નર, જેડ બ્લ્યુની સામેના પ્લોટના ૪.૬ર લાખ સહિત કુલ રૂ. ૫૦.૧૧ લાખ આવક થવા પામી છે.

(3:55 PM IST)










