તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
રાજકોટના અંબાબેન દાફડાને સરધારમાં ભાઇ, ભાભી સહિતે મારકુટ કરી ફીનાઇલ પીવડાવી
અંબાબેનની દિકરી સાથે મૈત્રીકરાર કરી ભત્રીજો ભગાડી ગયો હોઇ આ મામલે માથાકુટ થતાં મુળજીભાઇએ ભાણેજ આર્યન વિરૂધ્ધ ફરિયાદ કરી હતીઃ આ બાબતે પોતે ભાઇને સમજાવવા જતાં હુમલો થયાનો આક્ષેપ

રાજકોટ તા. ૪: સરધાર રહેતો યુવાન તેની પત્નિ રિસામણે ગયા બાદ રાજકોટ ઇસ્કોન મંદિર પાછળ આદિત્ય ખાતે રહેતાં તેના ફઇની દિકરી સાથે મૈત્રીકરાર કરી તેની સાથે ગાયબ થઇ ગયો હોઇ આ કારણે આ યુવાનના ભાઇ, પિતા પર ફઇના દિકરાએ હુમલો કરી ધમકી આપી હતી. આ અંગે સરધારના મુળજીભાઇ હમીરભાઇ મકવાણાએ ભાણેજ આર્યન વજુભાઇ દાફડા વિરૂધ્ધ આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કારણે આર્યનના માતા અંબાબેન વજુભાઇ દાફડા (ઉ.વ.૪૨) આજે સવારે ભાઇ મુળજીભાઇ મકવાણાના ઘરે સરધાર તેને સમજાવવા અને મારા દિકરા વિરૂધ્ધ શું કામ ફરીયાદ કરી? તેમ કહેવા જતાં તેના પર ભાઇ, ભાભી, ભત્રીજા સહિતે હુમલો કરી માર મારતાં સારવાર માટે દાખલ થયા છે. પોતાને પરાણે ફિનાઇલ પણ પીવડાવી દેવાયાનો આક્ષેપ કરાયો છે.
અંબાબેન દાફડા સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. તેણીએ કહ્યું હતું કે પોતે સવારે સરધાર ગયા ત્યારે ભાઇ મુળજીભાઇ, ભાભી જમનાબેન, ભત્રીજા વિપુલ, અભય, ભત્રીજી અંજલી સહિતે ઢીકાપાટુનો માર માર્યો હતો અને ફિનાઇલ પાઇ દીધુ હતું. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. અંબાબેનની દિકરીને તેના સગા ભાઇ મુળજીભાઇ મકવાણાનો દિકરો આશિષ મૈત્રીકરા કરી ગત ૧૩/૮ના રોજ ભગાડી ગયો છે. આ બાબતે સમાધાન કરવા પરમ દિવસે બધા સરધારમાં ભેગા થયા ત્યારે સમાધાન ન થતાં અંબાબેનના દિકરા આર્યને મામા અને તેના દિકરા સામે છરી કાઢી મારામારી કરી ધમકી આપતાં આર્યન વિરૂધ્ધ ગુનો દાખલ થયો હતો. આથી આજે અંબાબેન પોતાના દિકરા સામે શા માટે ફરિયાદ કરી? તે અંગે ભાઇને કહેવા જતાં હુમલો કરી ફિનાઇલ પીવડાવી દેવાયાનો આક્ષેપ કરાયો હતો. (૧૪.૧૧)
(3:33 PM IST)










