તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
ભાજપ યોજીત ગણેશ મહોત્સવમાં ‘‘હમ હિન્દુસ્તાની'' કાર્યક્રમથી રાષ્ટ્રભકિત ખીલી ઉઠી

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ તથા શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્ષ ખાતે સિદ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશપ્રેમ અને રાષ્ટ્રગૌરવની લાગણીને ઉજાગર કરતો વિશિષ્ટ કાર્યક્રમ ‘‘હમ હિંદુસ્તાની (ઓપરેશન સિંદૂરની ગાથાઓ)નું ભવ્ય આયોજન થકી ભારતીય સેનાના શૂરવીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લોકપ્રિય ગાયક અભીજીત રાવ, મૃદુલ ઘોષ અને ડો. પાયલ વખારીયાએ એક પછી એક દેશભકિત ગીતો રજૂ કરીને સમગ્ર પ્રેક્ષકગણને દેશપ્રેમની ભાવનામાં તરબતર કરી દીધા. કાર્યક્રમનું સંચાલન તેજસ શિશાંગીયા (જીલ એન્ટરટેનમેન્ટ) એ કર્યું હતું. શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય સેનાના શૂરવીર જવાનોના બલિદાનને વંદન કરવામાં આવ્યું. શહેરીજનોએ મોડી રાત સુધી દેશભકિતના આ સ્વર-સંગીત કાર્યક્રમનો હૃદયપૂર્વક આનંદ માણ્યો હતો અને રાષ્ટ્રભાવનામાં તરબતર થયા હતા અને તિરંગા પ્રત્યેની શ્રદ્ધાને નવી ઉર્જા આપી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ લોકસભા સાંસદ પરશોતમભાઇ રૂપાલા, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ સહિત ભાજપના હોદેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:43 PM IST)










