તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 3rd September 2025
કેન્દ્ર સરકારના એકમો સામેના ઔદ્યોગીક વિવાદોના કેસો સેન્ટ્રલ ટ્રીબ્યુનલમાંથી ઔદ્યોગીક ન્યાય પંચોને સુપ્રત કરાયા
સીમેન્ટ, માઇન્સ, પોર્ટ, બેંકો, નેચરલ ગેસ સહિતના કેસોમાં અમદાવાદથી રાજકોટ-જામનગર-ભાવનગર ઔદ્યોગીક કોર્ટોમાં ટ્રાન્સફર કરાતા લેબર કોર્ટના વકીલોમાં ખુશીની લહેરઃ લાંબા સમયથી માંગણી લડતનો અંત આવેલ છેઃ પ્રમુખ ગીરીશ ભટ્ટ મંત્રી યોગેશ રાજયગુરૂ

રાજકોટ, તા. ૩: કેન્દ્ર સરકારના એકમો સામેના ઔધોગિક વિવાદો ફરીને સૌરાષ્ટ્રના ઔધોગિક ન્યાયપંચોને કેન્દ્ર સરકારે ટ્રાન્સફર કરતાં લેબર વકીલોમાં આનંદની લાગણી ફેલાયેલ છે. લેબર ફેડરેશનની અસરકારક રજૂઆતથી પક્ષકારોમાં આનંદની લાગણી અને લડતનો સુખદ અંત આવતા લેબર કોર્ટના વકીલોમાં ખુશીની લાગણી જન્મી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ લેબરલોઝ પ્રેકટીશનર્સ ફેડરેશનના પ્રમુખશ્રી ગિરીશભાઈ ભટ્ટ અને સેક્રેટરીશ્રી યોગેશભાઈ રાજયગુરૂ ની સંયુકત યાદીમાં જણાવવામાં આવેલ છે કે, સને-૨૦૦૪ સુધી સૌરાષ્ટ્ર-કચ્છના સેન્ટ્રલ એકમો જેવા કે માઈન્સ, સીમેન્ટ, પ્લાન્ટેશન, પોર્ટ, નેશનલાઈઝડ બેંક, ઓઈલ તથા નેચરલ ગેસ વિગેરે એકમો સામેના ઔધોગિક વિવાદો સને-૨૦૦૪ સુધી રાજકોટના ઔધોગિક ન્યાયપંચ દ્વારા ચલાવવામાં આવતા હતાં. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ ખાતે સેન્ટ્રલ ગર્વમેન્ટ ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ-ક્રમ-લેબરકોર્ટ ની સ્થાપના કરવામાં આવેલ અને રાજકોટ ખાતેથી તમામ પેન્ડીંગ કેઈસો ઉકત સેન્ટ્રલ ટ્રીબ્યુનલને સુપ્રત કરવામાં આવેલ.
આ અંગે લાંબા ગાળાના અંતર અંગે તેમજ કેન્દ્રીય ટ્રીબ્યુનલમાં સભ્યશ્રીની લાંબા ગાળાની ગેરહાજરી સંબંધે તેમજ કેઈસોનું ભારણ વધી જવાથી કેઈસોનો નિકાલ થતો ન હોવા અંગે વારંવાર રાજકોટના લેબર બાર એસોશીયેશન દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆતો કરવામાં આવેલ હતી, પરંતુ કોઈ પરિણામ આવેલ નહીં. આખરે રાજકોટ ખાતે સને-૨૦૨૧ ની સાલમાં અસરકારક રજુઆત માટે સૌરાષ્ટ્ર-કચ્છ લેબરલોઝ પ્રેકટીશનર્સ ફેડરેશનની સ્થાપના કરવામાં આવેલ જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાના લેબર બાર એસોશીયેશનના મુખ્ય હોદ્દેદારોને સામેલ કરવામાં આવેલ અને ફરીને કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલય સમક્ષ મૌખિક તેમજ લેખિત રીતે રૂબરૂ દિલ્હી જઈને સચોટ રજુઆત કરવામાં આવેલ હતી.
છેલ્લે રાજકોટ ખાતે કેન્દ્રીય શ્રમ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાને રૂબરૂ મળી પક્ષકારોને ભોગવવી પડતી હાડમારી સંબંધે વિગતવાર રજુઆત કરવામાં આવેલ. મંત્રીશ્રી દ્વારા આ અંગે ખૂબ જ સહાનુભૂતિ અને સંવેદનશીલતા દર્શાવી પ્રશ્નની ગંભીરતા લક્ષમાં લઈ તેમના વિભાગને ત્વરીત સૂચનાઓ આપેલ અને જેના પરિણામ સ્વરૂપે કેન્દ્રીય શ્રમ મંત્રાલય દ્વારા ઉપરોકત તમામ ઔધોગિક વિવાદો તાત્કાલીક અસરથી અમદાવાદની કેન્દ્રીય ટ્રીબ્યુનલમાંથી ગુજરાત રાજયની તમામ ઔધોગિક ન્યાયપંચોને જિલ્લા મુજબ ટ્રાન્સફર કરી આપવાનો હુકમ કરેલ છે જેના પરિણામે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ કેન્દ્રીય વિવાદો રાજકોટ, જામનગર અને ભાવનગરના ન્યાયપંચોને સુપ્રત કરી આપવામાં આવેલ છે. જેનાથી સંબંધિત પક્ષકારોને ઘરઆંગણે ન્યાય મળી રહેશે અને અમદાવાદ જવા આવવામાંથી પણ મુક્તિ મળશે અને વહેલી તકે ન્યાયના વિતરણની પ્રક્રિયા સરળ બનશે.
આ સમગ્ર પ્રક્રિયામાં ગુજરાત રાજયની ઔધોગિક અદાલતના પ્રમુખશ્રી દેવધરા સાહેબ ખૂબ જ મદદરૂપ બનેલ હતા અને તેઓ દ્વારા પુરતો સાથ-સહકાર આપીને લાંબા ગાળાના પ્રશ્નનો ત્વરીત નિકાલ લાવેલ હતો.
આ તકે રાજકોટ લેબર બારના પ્રમુખ શ્રી સુનિલભાઈ વાઢેર, સેક્રેટરી શ્રી જયેશભાઈ યાદવ તેમજ તમામ સભ્યશ્રીઓનો તેમજ આ લડતમાં સામેલ થયેલ તમામ જિલ્લાના લેબર બાર એસોશીયેશનના હોદેદારો તથા સભ્યોનો આભાર માનવામાં આવે છે.
આ તકે પ્રેસ મીડીયાનો પણ ફેડરેશનની રજુઆતો સંબંધિત ઓથોરીટી સમક્ષ અસરકારક રીતે રજુ કરવા સબબ આભાર માનવામાં આવે છે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી પક્ષકારોમાં આનંદની લાગણી ફેલાયેલ છે અને હવે પક્ષકારોને ઘરઆંગણે ન્યાય મળવાનો હોવાથી ફેડરેશનની ત્રણ વર્ષ જુની લડતનો સુખદ અંત આવેલ છે. હવે ટૂંક સમયમાં કેન્દ્રીય એકમોના કેઈસોના હીયરીંગ રાજકોટના ઔધોગિક ન્યાયપંચના સભ્યશ્રી માલવીયા સાહેબશ્રી દ્વારા હાથ ધરવામાં આવશે તેમ વધુમાં ફેડરેશનના સેક્રેટરી શ્રી યોગેશ રાજયગુરૂ અને પ્રમુખ ગીરીશભાઇ ભટ્ટની યાદીમાં જણાવાયું છે.
(3:49 PM IST)










