તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd September 2025
૧૧૨માં કોલ કરતાં જ મળી જશે પોલીસ-ફાયરબ્રિગેડ સહિતની મદદઃ રાજકોટમાં ૩૧ જનરક્ષક વાન કાર્યરત
૧૦૦, ૧૦૧, ૧૦૮, ૧૮૧, ૧૦૯૮,૧૦૭૦,૧૦૭૭ સહિતની સેવાઓ એક સાથે જોડવામાં આવી ૧૧૨માં કોલ કરતાં જ જીલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ, પોલીસ સ્ટેશન અને નજીકના જનરક્ષક વાનને એમ ત્રણેયને એક સાથે કોલ મળશેઃ બાદમાં ત્રણેય પાસેથી ફીડબેક લેવાશેઃ કયા પોલીસ સ્ટેશનની હદમાં ઘટના બની? તેનો પ્રશ્ન ઉભો નહિ થાયઃ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા

શહેરમાં ‘૧૧૨ જનરક્ષક' વાનને લીલી ઝંડી આપવામાં આવી તે પ્રસંગે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જેસીપી મહેન્દ્ર બગડીયા, એસપી વિજયસિંહ ગુર્જર, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિતના ઉપસ્થિત હતાં (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટઃ વાહન અકસ્માત કે બીજી દૂર્ઘટના, ઘટનાઓ વખતે લોકોને તુરત જ મદદ મળી રહે તે માટે ૧૦૮ કે ૧૦૦ નંબર પર લોકો સંપર્ક કરતાં હતાં. દરમિયાન હવે વધુ એક ઇમર્જનસી હેલ્પલાઇનની સેવા શરૂ થઇ છે. જેમાં પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા-બાળ હેલ્પલાઇન જેવા તમામ ઇમર્જન્સી નંબરો (૧૦૦, ૧૦૧, ૧૦૮, ૧૮૧, ૧૦૯૮, ૧૦૭૦, ૧૦૭૭) એક સાથે જોડાયેલા છે. રાજ્યમાં ‘૧૧૨ જનરક્ષક' પ્રોજેક્ટ દ્વારા આ સંકલિત સેવા અમલમાં મુકાઇ છે. જેથી લોકો એક જ નંબર ૧૧૨ ઉપર ફોન કરશે એ સાથે જ પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ સહિતની સેવા મિનીટોમાં ઉપલબ્ધ થઇ શકે. તેમ આ સેવાનો શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતેથી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આરંભ કરાવતી વખતે જણાવ્યું હતું.
રાજકોટ શહેર જીલ્લામાં ૧૧૨ની આવી ૧૫૮ વાન ફાળવવામાં આવી છે. રાજ્યભરના શહેર-જીલ્લામાં આ પ્રકારની કુલ ૧૦૩૪ જનરક્ષક લોકાર્પણ થઇ છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વધુમાં જણાવ્યું હતું કે ૧૧૨ નંબર ઉપરથી તમામ પ્રકારની સેવા મળી રહેશે. આ માટે શહેરના ૩૧ પોઈન્ટ ઉપર જનરક્ષક પીસીઆર વાન ઉપલબ્ધ રહેશે અને કંટ્રોલ રૂમ ઉપર જેવો ફોન આવે એટલે નજીકના પોઈન્ટ પર રહેલી વાન તુરંત સ્થળ ઉપર પહોંચી જશે સાથે સાથે હદ અને વિસ્તારના પ્રશ્નનો પણ અંત આવશે. આ વાનમાં એએસઆઈ, હેડકોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર સહિતના કર્મચારીઓ ફરજ બજાવશે.ે તેઓ પોલીસના યુનિફોર્મ, લાઠી, હેલમેટ અને બોડી કેમેરા સાથે ૨૪ કલાક કાર્યરત રહેશે.
રાજ્યમાં સરકારે કુલ ૧૦૦૦ જનરક્ષક પોલીસ વાન તૈયાર કરી આપી છે. અમદાવાદમાં ૧૫૦ સીટની ક્ષમતા ધરાવતું સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (એસઇઆરસી) સ્થાપિત કરાયું છે. ત્યાંથી સમગ્ર રાજ્યભરમાંથી આવતાં ઇમર્જન્સી કોલ્સનું સંચાલન અને સમયસર ટીમ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. ૧૧૨માં કોલ કરનારનું ચોક્કસ લોકેશન શોધી નજીકના જનરક્ષક વાનને ઘટના સ્થળે મોકલવામાં આવશે. ૧૧૨માં કોલ થતાં જ આ કોલ જીલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ, પોલીસ સ્ટેશન તથા નજીકમાં રહેલા જનરક્ષક વાનને એમ ત્રણેયને મળશે. કોલની કાર્યવાહી પુરી થયે ત્રણેય જગ્યાએથી ફીડબેક લેવામાં આવશે.
રાજકોટ શહેરમાં ૩૧ જનરક્ષક વાન, ગ્રામ્યમાં ૨૩, જામનગરમાં ૨૭, સુરેન્દ્રનગરમાં ૪૦, મોરબીમાં ૧૭ અને દેવભુમિ દ્વારકામાં ૫૦ જનરક્ષક વાન ફાળવવામાં આવી છે.
આ પ્રસંગે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જોઇન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં.
(2:31 PM IST)










