<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

રાજકોટના રાજવી પરિવારની પરિણિત પુત્રીએ પતિ સામે કરેલ કેસમાં ફેમેલી કોર્ટનો ચુકાદો યથાવત રાખવા સુપ્રિમનો હુકમ

પત્‍નિ અને સગીર પુત્રીને માસિક ૪૦ હજારનું ભરણ પોષણ ચુકવવાનો હુકમ થયો હતો

રાજકોટ, તા. રઃ સુપ્રીમ કોર્ટ સુધીની લાંબી લડત બાદ રાજકોટ ફેમીલી કોર્ટનો ચુકાદો યથાવત રાખવાનો આદેશ સર્વોચ્‍ચ અદાલતે કર્યો હતો.

આ કામે અરજદાર મેઘાવીનીબા વા./ઓ. મેઘરાજસિંહ ચુડાસમા ડો./ઓ. પ્રહલાદસિંહજી પ્રધુમનસિંહજી જાડેજા, રહે. ઈન્‍દ્રભવન નીલ સીટી, પ્રસીલ પાર્ક સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટવાળાએ મેઘરાજસિંહ મનહરસિંહ ચુડાસમા, રહે. ઓર્ચીડ ગીનફીલ્‍ડ, એપલવુડ ટાઉનશીપ, એસ. પી. રીંગરોડ, અમદાવાદવાળા સાથે ગઈ તા.૨૯/૪/૨૦૦૮ ના રોજ લગ્ન કરેલ. આ લગ્નજીવનથી એક પુત્રીનો જન્‍મ થયેલ જે હાલ તેની માતા સાથે રહે છે. અરજદાર મેઘાવીનીબા લગ્ન સમયે દહેજમા ફર્નીચર, માણેક, હીરા ઝવેરાત, કિંમતી કપડાઓ, સોના-ચાંદીના વાસણો વિગેરે અસંખ્‍ય વસ્‍તુઓ તેમના સાસરે લઈ ગયેલા.

અરજદારે તેની અરજીમાં જણાવેલ વિગત જોઈએ તો લગ્ન બાદ દશ જ દિવસમા અરજદારને ખ્‍યાલ આવેલ કે તેના પતિ મેઘરાજસિંહ સખત દારૂ પીવાની અને પાર્ટીઓ કરવાની ટેવવાળા છે. તેમજ સહલગ્નજીવન દરમિયાન પતિ મેઘરાજસિંહનુ દિવસે દિવસે વ્‍યસન વધવા લાગેલુ અને આ વ્‍યસનના લીધે તેઓનો સ્‍વભાવન એકદમ ઉંચ અને તામસી થઈ ગયેલો અને તેઓ ઝઘડાળુ સ્‍વભાવના કારણે નાની નાની બાબતમા પત્‍ની મેઘાવીનીબા ઉપર ગુસ્‍સે થઈ ગાળા ગાળી અને મારા મારી કરવા લાગતા.

હાલ પતિ મેઘરાજસિંહ અમદાવાદ મુકામે એમ્‍ફાલ્‍ડ કારસ પ્રાઈવેટ લીમીટેડમાં તથા એચ.ડી.એફ.સી. રીયાલીટીમા સર્વિસ કરી માસીક રૂા.૬૦,૦૦૦/- થી રૂા.૭૦,૦૦૦/- નો પગાર મેળવે છે. વાર્ષિક રૂા.૧૫,૦૦,૦૦૦/- ની ખેતીની આવક છે. સસરા મનહરસિંહ રીટાયર્ડ મેનેજર છે. વારસાઈ ગીરાસમાંથી કરોડો રૂપીયાના સોના-ચાંદીના અને હીરાઝવેરાત સમગ્ર કુટુંબને વારસામા મળેલા છે. આવા સંજોગોમા પણ પત્‍ની તથા સગીર પુત્રીને વિના કારણે પતિ મેઘ રાજસિંહે તરછોડી દીધેલ હોય ઉપરોકત હકીકતો જણાવતી અરજી પત્‍ની મેઘાવીનીબાએ રાજકોટ ફેમીલી કોર્ટમા કરી હતી.

આ ભરણપોષણ મેળવવાની અરજી ફેમીલી કોર્ટમાં ચાલી જતા ફેમીલી કોર્ટ પણ એવા તારણ પર આવેલી કે સામાવાળા પતિ કેસ ચાલતા દરમિયાન પોતાના પુરાવામા પત્‍ની મેઘાવીનીબાને તેડી જવાનુ રટણ કરે છે પરંતુ ચાલુ કેસ દરમિયાન કયારેય તેડી જવાનો કોઈ પ્રયત્‍ન કરેલ નથી કે લગ્ન હકક પુરા કરવાનો કોઈ દાવો પણ કરેલ નથી. સામાવાળા પતિ મેઘરાજસિંહ તરફથી મુખ્‍યત્‍વે સમગ્ર છ વર્ષ કેસ ચાલેલ તે દરમિયાન ફરી ફરીને એક જ રજુઆત કરવામા આવેલ કે તેમના પત્‍ની મેઘાવીનીબા નોકરી કરી કમાઈ છે અને સામાવાળા પતિએ સમગ્ર કેસ આ મુદ્દાને આસપાસ જ ચલાવેલ અને વારંવાર અરજદારની નોકરીની હકીકતો કોર્ટમા બતાવેલ. પરંતુ ખરી હકીકતે અરજદારે કોર્ટમા સામેથી જ તા. ૧૦/૧૧/૨૦૧૮ ના રોજ નોકરીમાંથી રાજીનામુ આપ્‍યા બાદ કોઈપણ જગ્‍યાએ નોકરી કરતા નથી તેવુ સામેથી જાહે૨ ક૨ેલ છતા પણ તે જ મુદદા સબબ સામાવાળા પતિએ પાંચ વર્ષ આ જ મુદ્દા સબબ કેસ લંબાવેલ હતો.

સામાવાળા ત્રણ-ત્રણ જગ્‍યાએ સ્‍વતંત્ર ખેતીની માલીકીની જમીન ધરાવે છે તેવુ સ્‍પષ્ટ કબુલ કરે છે જયારે ખેતીની આવક ઈન્‍કમટેક્ષ રીટર્નમા છુપાવેલ છે. સામાવાળાના ઈન્‍કમટેક્ષી રીટર્નમા પણ કબુલ કરે છે કે બે-બે જગ્‍યાએ નોકરી કરી આવક મેળવે છે. રાજવી ઘરાનામાંથી આવે છે ત્‍યારે તે તમામ સંજોગોમાં અરજદાર પત્‍ની તેના પતિ જે સામાજીક મોભા પ્રમાણે લકઝરીયસ જીવન જીવે છે તે મુજબ પત્‍ની મેઘાવીનીબા તથા સગીર બાળકી તે પ્રમાણે જીવન જીવવા હકકદાર છે તે હકીકત ધ્‍યાને લઈ સુપ્રીમ કોર્ટે નકકી કરેલી ગાઈડલાઈન રજનેસ વિરુધ્‍ધ નેહા વાળુ જજમેન્‍ટ ધ્‍યાને લઈ અરજદાર પત્‍ની મેઘાવીનીબા તથા સગીર પુત્રીનુ માસીક ભરણ પોષણ રૂા.૪૦,૦૦૦/- મંજુર કરેલ છે.

આ હુકમ સામે પતિ મેઘરાજસિંહ ચુડાસમા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરેલ જેમાં ગુજરાત હાઈકોર્ટે રાજકોટ ફેમીલી કોર્ટનો હુકમ યથાવત રાખેલ. ત્‍યારબાદ પતિ મેઘરાજસિંહ ચુડાસમાએ દેશની સર્વોચ્‍ચ અદાલતમાં અપીલ કરેલ જે અપીલના કામે પણ બંને પક્ષકારોને વિગતવાર સાંભળ્‍યા બાદ તેમજ સુપ્રીમ કોર્ટે પણ મીડીયેશન કરવાની સલાહ આપેલ અને મીડીયેશન પણ કરાવેલ છતા પણ કોઈ સમાધાન શકય ન બનતા બંને પક્ષકારોની દલીલો સાંભળીને રાજકોટ ફેમીલી કોર્ટનો હુકમ યથાવત રાખવાનો આદેશ ફરમાવેલ હતો.

આ કામમા મેઘાવીનીબા વા./ઓ. મેઘરાજસિંહ ચુડાસમા વતી રાજકોટના સીનીયર એડવોકેટ મહેશ સી. ત્રિવેદી, કિરીટ સાયમન, કિશન જોષી, ઘનશ્‍યામ અકબરી, હર્ષ એમ. ત્રિવેદી, પાર્થ વાઘેલા તથા મયંક હર્ષ અને સાથી તરીકે મૌલીકસિંહ ડોડીયા રોકાયેલા હતા.

(3:51 PM IST)