તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
નાગેશ્વર એપલ ગ્રીન્સ ફલેટમાં પાર્સલની ડિલીવરી મામલે ડખ્ખોઃ મંડળીઓ રચી સામ-સામે હુમલા
ગાંધીગ્રામ પોલીસમાં બંને પક્ષના છ-છ લોકો સામે ગુનો દાખલ થયોઃ એકની કારમાં પણ તોડફોડ થયાની ફરિયાદ

રાજકોટ તા. ૨: જામનગર રોડ નાગેશ્વરમાં એપલ ગ્રીન્સ ફલેટના રહેવાસીઓ વચ્ચે ઓનલાઇન આવતું પાર્સલ ડિલીવરીમેન જેનું હોય તેના બદલે ભુલથી બીજા ફલેટની ડોરબેલ વગાડી ત્યાં આપવા જતાં આ મામલે ફલેટધારકોના વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરવામાં આવતાં બંને ફલેટના રહેવાસીઓ વચ્ચે જામી પડી હતી. પોલીસે સામ સામે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ નાગેશ્વર એપલ ગ્રીન્સ ફલેટમાં રહેતાં બે પરિવારો વચ્ચે થયેલી માથાકુટ મામલે સામ-સામે ગુનો દાખલ કર્યો છે. અહિ રહેતાં રહેવાસીએના પત્નિએ ઓનલાઇન પાર્સલ મંગાવ્યું હોઇ ડિલીવરીમેને ભુલથી આ પાર્સલ ફલેટના અન્ય રહેવાસીના ફલેટની ડોરબેલ વગાડી ત્યાં આપતાં આ મામલે સોસાયટીના વ્હોટ્સએપ ગ્રુપમાં બોલચાલી થઇ હતી. આ પછી આરોપીઓએ મંડળી રચી છરી, લાકડી ધારણ કરી ફરિયાદી અને તેના પત્નિ સાથે ગાળાગાળી કરી ખૂનની ધમકી આપી હતી અને સાહેદનો પીછો કરી હુમલો કરાયો હતો અને ફરિયાદીની કારમાં પણ ધોકા-છરીથી નુકસાન કરાયું હતું. આ મામલે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો.
સામા પક્ષે પણ એક પરિણીતાની ફરિયાદ પરથી છ જણા સામે ગુનો નોંધાયો હતો. મહિલાએ જણાવ્યું હતું કે ઓનલાઇન પાર્સલની ડિલીવરી આપવા માટે ડિલીવરીમેન અવાર-નવાર અમારા ઘરની ડોર બેલ વગાડતો હોઇ જેથી અમે ફલેટધારકોના વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ કર્યો હતો. આ બાબતનો ખાર રાખી સામેવાળાએ ગેરકાયદે મંડળી રચી જઘડો કરી ગાળો દીધી હતી અને પાર્સલ તો આવશે જ જોઇ કોઇએ પાર્સલની ના પાડી છે તો પતાવી દઇશું તેવી ધમકી આપી હતી. ગાંધીગ્રામ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(4:07 PM IST)










