તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
બીન્દુબેનને ‘પાણી કેમ ઢોળો છો?' કહી દિયર ભાવેશ, દેરાણી હીનાએ ધોકા-પાઇપથી ફટકાર્યાઃ પતિએ ઢીકા મારી લીધા
નવાગામ આણંદપરમાં બનાવઃ કુવાડવા રોડ પોલીસે બીન્દુબેન સોલંકીના પતિ નારણ, દિયર ભાવેશ, દેરાણી હીના અને નણંદના દિકરા ગોવિંદ વિરૂધ્ધ ગુનો નોંધ્યો મહિલાએ માવતર પક્ષને ગોંડલથી બોલાવ્યા બાદ સમાધાનની વાત વખતે નણંદના દિકરા ગોવિંદે ગેસની નળીથી હુમલો કર્યો

રાજકોટ તા. ૨: કુવાડવા રોડ નવાગામ આણંદપરમાં રહેતાં મહિલા ફળીયામાં કપડા ધોવા બેઠા ત્યારે નીચેના માળે રહેતાં દિયરે તમે કેમ પાણી ઢોળો છો કહી ઝઘડો કર્યા બાદ દિયર-દેરાણીએ સતત ગાળો દઇ ધોકા-પાઇપથી હુમલો કરી માર મારતાં ઇજા થઇ હતી. તેમજ પતિએ પણ બે ઢીકા મારી લીધા હતાં. મહિલાએ બાદમાં પોતાના માવતર પક્ષના લોકોને ગોંડલથી બોલાવતાં બધા દિયરના ઘરે સમાધાનની વાત કરવા બેઠા હતાં ત્યારે મહિલાના નણંદના દિકરાએ ફરી ઉશ્કેરાઇ જઇ ગેસની નળીથી આ મહિલાના ભાઇને ફટકારતાં સમાધાન પડતું મુકી સારવાર લઇ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપરમાં ગાયત્રી પ્રેસ સામે શેરી નં. ૩માં રહેતાં બીન્દુબેન નારણભાઇ સોલંકી (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી તેણીના દિયર ભાવેશ બટુકભાઇ સોલંકી, દેરાણી હીના ભાવેશ સોલંકી, પતિ નારણ બટુકભાઇ સોલંકી અને નણંદના દિકરા ગોવિંદ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
બીન્દુબેને જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ઘરકામ કરુ છું. મારા લગ્ન જીવનને બાવીસ વર્ષ થયા છે. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. મારા સાસુ-સસરા હયાત નથી. પતિ ચાર ભાઇ, ત્રણ બહેનનો પવિરાર ધરાવે છે. અમારે બે માળનું મકાન છે જેમાં ઉપર અમે રહીએ છીએ અને નીચે મારા દિયર ભાવેશ સોલંકી તેના પરિવાર સાથે રહે છે. સોમવારે તા. ૧ના રોજ હું ઘરના ફળીયામાં કપડા ધોતી હતી ત્યારે મારા પતિ નારણભાઇ ઉપરના માળે હતાં. આ વખતે દિયર ભાવેશે રૂમમાંથી બહા આવી કહેલ કે-તમે અહિ કેમ પાણી ઢોળો છો? આ પછી તેણે બોલાચાલી કરી હતી. આથી હું કપડા ધોઇ ઉપર જતી રહી હતી. જો કે આમ છતાં દિયર ભાવેશ અને દેરાણ હીના નીચે ઉભા રહી સતત મને ગાળો દેતાં હોઇ અને રાડો પાડતાં હોઇ હું તેને સમજાવવા નીચે ફળીયામાં ગઇ હતી.
આ વખતે દિયર ભાવેશ લોખંડનો પાઇપ અને દેરાણી હીના ધોકો લઇને તેના ઘરમાંથી આવ્યા હતાં અને મને આડેધડ ઘા ફટકારવા માંડતાં ઇજાઓ થઇ હતી. દિયરે ફરી પાઇપનો ઘા કરતાં હું પાઇપ પકડવા જતાં ડાબા હાથની આંગળીમાં લોહી નીકળી ગયા હતાં. આ પછી દિયર-દેરાણી તેના રૂમમાં જતા રહ્યા હતાં. આ પછી બપોરે મેં ગોંડલ મારા ભાઇ જયેશને ફોન કરી વાત કરતાં મારો ભાઇ જયેશ, તેના પત્નિ દિશાબેન, માતા ભાનુબેન, મારા બહેન સોનલબેન, તેના પતિ સુરેશભાઇ, કાકી જોશનાબેનના બે દિકરા સુમિત, મેહુલ સહિતના મારા ઘરે આવ્યા હતાં અને મારા દિયર-દેરાણીને સમજાવવા ગયા હતાં. ત્યારબાદ અમે બધા દિયર ભાવેશના ઘરે સમાધાન કરવા બેઠા હતાં. આ વખતે દિયર ભાવેશ સાથે મારા જેઠ ચતુરભાઇનો દિકરો લાલો, મારા નણંદ નીતાબેનના પતિ કેતન ડાભી, બીજા નણંદ મુનીબેનના પતિ અશોકભાઇ, નણંદ પ્રભાબેનનો દિકરો ગોવિંદ પણ હાજર હતાં. સમાધાનની વાત ચાલુ હતી ત્યારે નણંદના દિકરા ગોવિંદે ઉશ્કેરાઇ જઇ ગેસની નળીથી મારા ભાઇ જયેશને કમરમાં ફટકા મારી દીધા હતાં. આથી સમાધાન પડતું મુકી અમે ઉભા થઇ ગયા હતાં અને મારા હાથની સારવાર કરવા નીકળી ગયા હતાં. મારા હાથમાં પાંચ ટાંકા આવ્યા હતાં. સારવાર બાદ અમે ફરિયાદ નોંધાવવાનું નક્કી કરી પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં બીન્દુબેને કહેતાં કુવાડવા પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં હેડકોન્સ. કે. એમ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:35 PM IST)










