તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
મહિલા પોલીસ કર્મચારીને આર્મીમેન પતિનો ત્રાસઃ ૨૦ લાખ ન આપે તો પત્નિ, દિકરી, સાસુને મારી નાંખવાની ધમકી!
કોઇને ૫૦ હજાર આપીએ તો કોઇપણ માણસને મારી નાંખે, એક્સિડન્ટ થઇ જાય તો ખબર પણ ન પડે : સાસુ-સસરા પણ મેણા ટોણા મારતાં હોવાનો આરોપઃ પતિ શંકા કરી મારકુટ કરી નોકરી પર હોય ત્યારે ફોન વારેઘડીએ બ્લોકમાં મુકી દતા હોવાનો પણ આરોપીઃ પોલીસ અમારા આર્મીવાળાનું કંઇ બગાડી ન શકે કહી સખ્ત ત્રાસ અપાયોઃ પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી લગ્ન થયા બાદ છ ત્રણ મહિનામાં જ ત્રાસ શરૂ થયોઃ સાસુ કહેતાં તું અમારી કામવાળી છોઃ પોલીસમાં ભરતી થતાં પતિનું વર્તન બદલાઇ ગયું, પણ દિકરીનો જન્મ થતાં ફરી ત્રાસ ચાલુ કર્યાનો ફરિયાદમાં આક્ષેપ

રાજકોટ તા. ૨: શહેરના પોપટપરા પાસે રહેતાં અને ગાંધીગ્રામ પોલીસમાં ફરજ બજાવતાં મહિલા પોલીસ કર્મચારીએ તેના આર્મીમાં ફરજ બજાવતાં પતિ તેમજ સાસુ, સસરા વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પતિ સતત ત્રાસ ગુજારતો હોઇ તેના વિરૂધ્ધ ભરણપોષણનો કેસ કરતાં તે સામે વીસ લાખ માંગી તેમજ કોડીનાર સાસુ પાસે જઇ તેની પાસે પણ પૈસા માંગી મારી નાખવાની ધમકી આપતો હોવા સહિતના આરોપ ફરિયાદમાં મુકવામાં આવ્યા છે. આ બનાવમાં પ્ર.નગર પોલીસે પોપટપરા સેન્ટ્રલ જેલ પાસે પોલીસ લાઇન નજીક રેલનગર મેઇન રોડ પર રહેતાં અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મુળ કોડીનારના કડવાસણ ગામના વતની અંજલીબેન વિજયકુમાર ખરા (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી જામનગરના લાલપુરના વડપાંચસરા ગામે રહેતાં તેણીના પતિ વિજયકુમાર પરબતભાઇ ખરા, સસરા પરબતભાઇ ખરા અને સાસુ આલીબેન પરબતભાઇ ખરા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
અંજલીબેન ખરાએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે મેં ૧૬-૦૮-૧૬ના રોજ વડપાંચસરાના વિજયકુમાર ખરા સાથે તેના માતા-પિતાની મરજીથી સિવિલ મેરજ કર્યા છે. જેના થકી મારે એક દિકરી છે. મારા પતિ વર્ષ ૨૦૧૩થી આર્મીમાં આર્ટીલરી વિભાગમાં હવાલદાર તરીકે નોકરી કરે છે. હાલ મારા પતિ, સાસુ, સસરા વતનમાં રહે છે. મારે રાજકોટમાં નોકરી હોવાથી હું અહિ રહુ છું. લગ્ન થયા બાદ હું સાસુ-સસરા સાથે જામજોધપુર રહેતી હતી. પતિ આર્મીમાં હોઇ તે નોકરી પર જતાં રહેતાં હોઇ હું વર્ષ-૨૦૧૭ સુધી સસરામાં રહી હતી. મને ત્રણ મહિના સુધી સારી રીતે રાખી હતી. પતિ રજામાં આવતા-જતાં રહેતાં. પતિ આવે ત્યારે સાસુ-સસરા સારુ વર્તન કરતાં હતાં. પણ બાદમાં મને ગાળો દઇ કહેતાં કે-તારા માની ઘરેથી તને શું આપ્યું? તું જતી રહે તારી માના ઘરે, તને રોટલા અમે આપીએ, તું અમારા ઘરની કામવાળી છો...કહી મેણાટોણા મારતાં હતાં. તે વખતે મારી પાસે ફોન ન હોઇ મારા પતિનો ફોન મારા સસરાના ફોનમાં આવે તો ત્યારે પણ સાસુ-સસરા ત્યાં જ હોઇ હું ત્રાસની વાત કરી શકતી નહિ. એ પછી ૨૦૧૭માં પતિ ઘરે આવતાં મેં તેને વાત કરી કે તમારા માતા-પિતા આવુ બોલે છે, તો તેણે કહેલું કે એને બોલવા દે, એને આવી ટેવ છે, તું મગજમાં ન લે, તું તારી માના ઘરે જતી રહે. મારી મા સાચુ કહે છે કે તને કંઇ આપ્યું નથી. આ પછી મારા પતિએ દારૂ પી મને માર મારેલ છે તેવી વાત મેં મારા માતાને કહેતાં મને સાસરીયાએ ખૂનની ધમકી આપી ચુપ કરાવી દીધી હતી. આ પછી પતિ રજા પુરી કરી નોકરીમાં જતા રહ્યા હતાં. એ પછી હું માતાના ઘરે બે દિવસ રોકાવા ગઇ હતી. ૨૦૧૭માં પોલીસ ભરતીની તૈયારી કરી પરિક્ષા આપતાં ૩૧/૭/૧૭ના રોજ મને વડોદરા ગ્રામ્ય પોલીસમાં નોકરી મળી હતી. આથી હું એકલી ત્યાં રહેતી હતી. આ પછી પતિ લાલચમાં મારી સાથે સારો દેખાવ કરવા માંડેલ, મને એમ કે એ સુધરી જશે તેમ માની હું પણ પાછળનું ભુલી તેની સાથે રહેવા લાગી હતી. તે રજા પર આવતાં ત્યારે સાથે રહેતાં હતાં. એ પછી ૨૦૧૯માં પતિના કહેવાથી રાજકોટ શહેર ખાતે બદલી કરાવી હતી. ત્યારે પોતાના મકાનમાં મવડી ખાતે રહેતી હતી. એ દરમિયાન દિકરીનો જન્મ થયો હતો. મારા પતિ દિકરીના જન્મ પછી ફરીથી બદલાઇ ગયા હતાં. રજા પર આવે તો બીજીસ્ત્રી સાથે જ સમય પસાર કરતાં હતાં. મારામાં કે દિકરીમાં ધ્યાન આપતાં નહિ. ૨૦૧૯માં હું તેમની સામે બોલતાં મને માર મારી કાઢી મુકી હતી. હું ફરિયાદ કરીશ તેમ કહેતાં મારો ફોન તાડી નાંખી તે સુઇ ગયેલ. એ પછી મારી તબીયત બગડતાં સારવરા લીધી હતી. આ પછી મેં તેને સમજાવેલ કે તમે રાતે જે કર્યુ તે શું કામ કરો છો, આમાં હું કે માહી મરી ગયા હો તો? આથી તેણે કહેલુ કે તું મને પૈસા આપ બસ, બાકી હું તને અને માહીને મારી નાખીશ. મેં તેને સમજાવેલ પણ તે સમજે એમ ન હોઇ જેથી હું ચુપ રહી હતી. તે ફરી નોકરીમાં જતા રહેશે તેમ માની સહન કર્યુ હતું. પછી પણ તેણે ત્રાસ ચાલુ રાખ્યો હતો અને કહેલુ કે પોલીસવાળા અમારા આર્મીવાળાનું કંઇ બગાડી ન શકે, તમારી ઓકાત શું છે? તેમ કહી ઝઘડોક રતાં હતાં. મારા પપ્પા ન હોઇ મારી પાસે સહન કરવા સિવાય કંઇ નહોતું. મારા મમ્મીને વાત કરું તો એ સમજાવતા કહે સહન કરી લે સારું થઇ જશે.
પરંતુ પતિ રજા પર આવે પછી ફરીથી હેરાન કરી ત્રાસ આપી ગાળો દેતાં. એ પછી મારા પર ખોટી શંકા કરીને પતિ કહેતાં કે તું સ્ટાફમાં કોઇને રાખીને બેઠી છો, તને કાઢી મુકવી છે કહી ધમકાવતાં હતાં. તેમજ વારંવાર મારો ફોન નંબર બ્લોકમાં મુકી દેતાં હતાં. બાર બાર મહિના સુધી મારી ખબર અંતર પુછતા નહિ. આથી મેં તા. ૨૪/૮/૨૪ના રોજ રાજકોટ કોર્ટમાં ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ વારંવાર મને ફોનમાં મીસ કોલ કરતતાં હું સામે ફોન કરુ તો મારો નંબર બ્લોકમાં મુકી દેતાં હતાં. દરમિયાન હાલમાં ૨૪/૮/૨૫ના રોજ હું મારા ક્વાર્ટર ખાતે હતી ત્યારે પતિ વિજય મારા મમ્ીના ઘરે કોડીનાર ગયેલ અને ત્યાં જઇ પૈસાની માંગણી કરી હતી અને કહેલુ કે મને ૨૦ લાખ નહિ આપો તો હું તમને, માહી અને અંજલીને જીવવા જેવા નહિ રહેવા દઉં. તેમજ કહેલુ કે કોઇને ૫૦ હજાર આપીએ તો એ કોઇપણ માણસને મારી નાખે, એક્સીડન્ટ થઇ જશે તો પણ ખબર નહિ પડે. તું અને તારી દિકરી કેસ પાછો ખેંચી લ્યો, મને ૨૦ લાખ આપી દ્યો મેં મકાન લીધુ છે તેમ કહી ઘરના દરવાજા પછાડતો હતો. આ પછી મારા મમ્મીએ મને ફોન કરી કહેલુ કે આનો ત્રાસ હવે ક્યાં સુધી સહન કરવો? આને હું હવે જવાબ આપી દઉ છું. બાદમાં મારા મમાને મારા મમ્ીએ બોલાવ્યા હતાં અને મારા પતિને સમજાવેલ કે કોર્ટમાં હાજર થઇ જાય, અમારી પાસે કોઇ પૈસા નથી, અમને મારવા હોય તો મારી નાખ પણ હેરાન ન કર. મારા પતિ વારંવાર મારી પાસે પૈસા માંગતા હોઇ તે રૂપિયાનું શું કરે છે તે જાણવા બેંક એકાઉન્ટ જોઇન્ટમાં હોઇ સ્ટેટમેન્ટ કઢાવતાં તે તેના મિત્ર નિલેષ જોષીને રકમ ટ્રાન્સફર કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી મેં પોલીસમાં અરજી કરી હતી. તેના આધારે હવે ફરિયાદ દાખલ કરાવી છે. તેમ વધુમાં અંજલીબેને જણાવતાં પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. વરૂએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:50 PM IST)










