News of Tuesday, 2nd September 2025
નવાગામ આણંદપરના કોસ્મેટીકના વેપારી ભાર્ગવ લાઠીયા સાથે દંપતિની મશીનરીના નામે રૂા. ૨.૧૦ લાખની ઠગાઇ
વેપારીએ ઓનલાઇન અમદાવાદની કંપનીના ઓનર દિપ્તી અને તેના પતિ ભૂપેન્દ્ર ઉર્ફ ભરત મેવાડાનો સંપર્ક કરી ત્રણ મશીન ખરીદવા ૩ લાખ ચુકવ્યાઃ પણ બંનેએ મશીનરી જ ન મોકલી, નેવુ હજાર પાછા આપી બાકીના ન દીધાઃ કુવાડવા પોલીસમાં ફરિયાદ : એક વખત તો કહ્યું-મશીન તૈયાર છે વાહન મોકલોઃ વેપારીએ ૬ હજાર ભાડુ ચુકવી બોલેરો મોકલી, પણ બે દિવસ રાહ જોઇ ચાલક ખાલી હાથે પાછો ફર્યો

રાજકોટ તા. ૨: રાજકોટ-મોરબી હાઇવે પરના રતનપર ગામે રહેતાં અને રૂડાનગર પાસે બોડી ડોઝ નામે કોસ્મેટીક્સ આઇટમની કંપની ચલાવતાં વેપારી યુવાને ઓનલાઇન સર્ચ કરી કંપની માટે મશીનરીનો ઓર્ડર અમદાવાદમાં કપંની ચલાવતાં બનાસકાંઠાના કોદરલી ગામના દંપતિને આપતાં અને ત્રણ મશીનરીની કુલ કિમતના ૫૦ ટકા લેખે ૩ લાખ રોકડા ચુકવી દીધા બાદ આ બંનેએ મશીનરી નહિ આપતાં અને બહાના બતાવી બાદમાં માત્ર ૯૦ હજાર પાછા આપી બાકીના ૨,૧૦,૦૦૦ ન ચુકવી ઠગાઇ કરતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે મોરબી રોડ પર આવેલા રતનપર ગામમાં જારીયા રોડ પર વૃજવાટીકા સોસાયટી પ્લોટ નં. ૨-૩માં રહેતાં ભાર્ગવભાઇ કાંતિલાલ લાઠીયા (ઉ.વ.૩૦) નામના યુવાનની ફરિયાદ પરથી બનાસકાંઠાના વડગામ તાબેના કોદરલી ગામના દિપ્તી ભુપેન્દ્રભાઇ ઉર્ફ ભરતભાઇ મેવાડા અને ભૂપેન્દ્ર ઉર્ફ ભરત જગજીવનભાઇ મેવાડા વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે.
ભાર્ગવભાઇ લાઠીયાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને નવાગામ આણંદપરમાં રૂડા ટ્રાન્સપોર્ટ નજીક શીવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કં પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ પહેલા માળે પાંચેક વર્ષથી બોડી ડોઝ નામથી કોસ્મેટીક પ્રોડક્ટની કંપની ચલાવી વેપાર કરુ છું. છએક મહિના પહેલા મારે કંપનીમાં અલગ અલગ મશીનની જરૂર હોઇ જેથી ઓનલાઇન, ઓફલાઇન મશીનરી શોધતા હતાં. એ દરમિયાન મારૂતિ પેકેજીંગ ઇક્વીપમેન્ટ નામની કંપની ધ્યાને આવી હતી. જેમાં એડ્રેસ અમદાવાદ બાકરોલ પલોટ નં. ૪૭, અનેકે-૦૨ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું હતું. જેના ઓનર બનાસકાઠાના કાદરલીના દિપ્તી ભુપેન્દ્ર મેવાડા હતાં. મેં આ કંપનીની વેબસાઇટ ઉપરથી ફોન નંબર મેળવી કોન્ટેક્ટ કરતાં વાત કરનારે પોતે કંપનીના ઓનર દિપ્તીના પતિ ભુપેન્દ્ર ઉર્ફ ભરત જગજીવનભાઇ મેવાડા તરીકે ઓળખ આપી હતી.
ત્યારબાદ મેં મશીનરી બાબતે વાત કરી હતી અને મારે અરજન્ટમાં મશીનરી જોઇએ છે તેમ કહી સેમી ઓટોમેટીક ટયુબ ફીલીંગ મશીનનો ઓર્ડર આપ્યો હતો. આથી ભુપેન્દ્રએ મને વ્હો્ટસએપમાં મશીનરીની કુલ કિમત રૂા. ૨,૫૩,૭૦૦ જણાવી હતી તેમજ મશીનરી જોઇતી જ હોય તો કુલ કિમતના ૫૦ ટકા રકમ એડવાન્સ જમા કરાવવી પડશે. જેથી મેં ૫૦ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતાં. બાદમા મારા ભાઇ નૈમિષભાઇ કાંતિલાલ લાઠીયા અને તેમના પત્નિ પૂજાબેન નૈમિષભાઇ લાઠીયા રૂબરૂ ભૂપેન્દ્ર ઉર્ફ ભરત મેવાડાની કંપની ખાતે મશીનરી જોવા ગયા હતાં. જ્યાં તેમને ઓટોમેટીક ટુ હેડ સર્વો ફીલીંગ મશીન અને ઓટોમેટીક રાઉન્ડ બોટલ લેબલીંગ મશીન પસંદ આવ્યા હતાં. આ પછી અમે વધુ ૫૦ હજાર ઓનલાઇન ભૂપેન્દ્ર ઉર્ફ ભરતને મોકલ્યા હતાં. એ પછી તેણે અમે પસંદ કરેલા મશીનની કિમત રૂા. ૨,૭૧,૪૦૦ જણાવી હતી.
ટર્મ્સ એન્ડ કન્ડીશનમાં દસ દિવસમાં મશીનરી મળી જશે તેવો વાયદો તેણે કર્યો હતો. તેણે ૫૦ ટકા એડવાન્સ પેમેન્ટ માંગતા અમે ૧ લાખ, ૫૦ હજાર મળી કુલ ત્રણ મશીનરીના રૂા. ૫,૨૫,૧૦૦ની ડિલીવરી લેવા કુલ ૩ લાખ એડવાન્સ ભરપાઇ કરી દીધા હતાં. પરંતુ દસ દિવસ બાદ પણ ત્રણમાંથી એકેય મશીનની ડિલીવરી અમને ન મળતાં ફોનથી વાત કરતાં ભૂપેન્દ્રએ થોડા દિવસમાં મશીન મળી જ જશે તેવી ખાત્રી આપી હતી. પરંતુ મશીનરી ન મળતાં ફરી અમે ફોન કરતાં ભૂપેન્દ્રએ મશીન તૈયાર જ છે, વાહન મોકલી આપો તેમ કહેતાં અમે ૨૫/૪/૨૫ના રોજ રાજકોટથી અદમવાદા મશીનરીની ડિલવીરી માટે મારા જાણીતા રોહીતભાઇ ફાંગલીયાને બોલેરો જીજે૦૩ડીજી-૩૧૩૦ લઇને મોકલ્યા હતાં.
રોહિતભાઇ ત્યાં વાહન સાથે બે દિવસ રોકાયા હતાં. પરંતુ ત્યાંથી મશીનરી નહિ અપાતાં ૨૭/૪ના તેઓ પરત આવી ગયા હતાં. જેનું ભાડુ ૬૦૦૦ અમારે ચુકવવુ પડયું હતું. ત્યારબાદ ૯/૫ના રોજ ભૂપેન્દ્રએ મારા ભાઇ નૈમિષભાઇને વ્હોટ્સએપમાં કરન્ટ એકાઉન્ટનો સહી કરેલો રૂા. ૩ લાખનો અમારી બોડી ડોઝ કંપનીના નામો તારીખ લખ્યા વગરનો ચેકનો ફોટો મોકલ્યો હતો. આ પછી અમે એક અરજી પોલીસ કમિશનરને આપી હતી. મારૂતિ પેકેજીંગ ઇકવીપમેન્ટના ઓનર દિપ્તી ભૂપેન્દ્ર મેવાડાએ મારા કુટુંબી કાકા અમૃતલાલ મગનલાલ લાઠીયા કે જે પણ રતનપર વૃજવાટીકામાં રહે છે તેમની સાથે મશીનરી પેટે લીધેલુ પેમેન્ટ પરત આપી દેશે તેવી વાત કરી બે કટકે તેણીના પતિ ભૂપેન્દ્રએ ૫૦ હજાર, ૪૦ હજાર મળી કુલ ૯૦ હજાર પરત આપી દીધા હતાં. બાકીના ૨,૧૦,૦૦૦ આજ સુધી ન આપતાં અને અલગ અલગ બહાના બતાવતાં અંતે તેણે ગુનાહીત કાવત્રુ ઘડી ઠગાઇ કાર્યની ફરિયાદ નોંધાવી હતી.
તેમ વધુમાં ભાર્ગવભાઇ લાઠીયાએ જણાવતાં કુવાડવા પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(12:13 PM IST)










