તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
જુની ગુજરી બજારમાં ચોરાઉ છકડો રીક્ષા અને તેના સ્પેરપાર્ટ વેચવા નિકળેલો રવી મકવાણા પકડાયો
ક્રાઇમ બ્રાંચના એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ જાડેજા અને કોન્સ. સંજયભાઇ ખાખરીયાની બાતમી : જુના માર્કેટીંગ યાર્ડમાંથી છકડો રીક્ષાની ચોરી કરી'તી

રાજકોટ, તા., ૧: શહેરના જુના માર્કેટીંગ યાર્ડમાંથી છકડો રીક્ષાની ચોરી કરી તેના સ્પેર પાર્ટ વેચવા નિકળેલા શખ્સને ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે જુની ગુજરી બજારમાંથી ચોરાઉ છકડો રીક્ષા અને સ્પેર પાર્ટ સાથે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ જુની ગુજરી બજારમાં એક શખ્સ છકડો રીક્ષામાં ચોરાઉ સ્પેરપાર્ટ વેચવા નિકળ્યો હોવાની ક્રાઇમ બ્રાંચના એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ જાડેજા અને કોન્સ. સંજયભાઇ ખાખરીયાને બાતમી મળતા સ્ટાફ સાથે જુની ગુજરી બજારમાંથી રવી ઇશ્વરભાઇ મકવાણા (ઉ.વ.૩૮) (રહે. કોઠારીયા સોલવન્ટ પાસે શીતળાધારમાં કરમશીભાઇ કમાણીના મકાનમાં ભાડે) ને ચોરાઉ છકડો રીક્ષા અને બીજા છકડો રીક્ષાના સ્પેરપાર્ટ સાથે પકડી લીધો હતો. પોલીસની પુછપરછમાં રવી જુના માર્કેટીંગ યાર્ડમાંથી છકડો રીક્ષાની ચોરી કરી હતી તેના સ્પરપાર્ટ વેચવા નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે. રવી અગાઉ માર્કેટીંગ યાર્ડમાંથી છકડો રીક્ષાની ચોરી કરવાના ગુનામાં બી ડીવીઝન પોલીસમાં પકડાયો હતો. પોલીસે છકડો રીક્ષા અને તેના સ્પેરપાર્ટ મળી રૂા. ર૧ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી પીઆઇ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.કે.મોવલીયા, એએસઆઇ અશોક કલાલ, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, હેડ કોન્સ. સુભાષભાઇ ઘોઘારી, ક્રીપાલસિંહ ઝાલા, પ્રતિકસિંહ રાઠોડ, કોન્સ. સંજયભાઇ ખાખરીયા, તુલશીભાઇ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.
(4:14 PM IST)










