તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
નાથદ્વારાથી દર્શન કરીને ઘરે પહોંચ્યા ત્યાં જ બેંકના નિવૃત કેશીયરનું હૃદય બેસી જતાં મોત
નાના મવા રોડ અલય પાર્કનો બનાવઃ ૫૩ વર્ષના નિતેશભાઇ ભાલાળાના મૃત્યુથી પુત્ર-પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્યુ થયું છે. નાના મવા રોડ પર ગાંધી સ્કૂલ પાસે રહેતાં બેંકના નિવૃત કેશીયર વહેલી સવારે મિત્રો સાથે નાથદ્વારાથી દર્શન કરીને ઘરે પહોંચ્યા એ સાથે જ હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ નાના મવા રોડ અલય પાર્ક એ-૬૮માં રહેતાં નિતેષભાઇ નાનજીભાઇ ભાલાળા (ઉ.વ.૫૩) સવારે પાંચ વાગ્યે ઘરે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડાએ તાલુકા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર નિતેષભાઇ ભાલાળા અગાઉ ભુતખાના ચોકમાં આવેલી પીપલ્સ બેંકમાં કેશીયર તરીકે નોકરી કરતાં હતાં. હાલમાં તેમણે નિવૃતી લઇ લીધી હતી. તેઓ મિત્રો સાથે નાથદ્વારા દર્શન કરવા ગયા હતાં અને ત્યાંથી આજે સવારે જ બસ મારફત રાજકોટ પહોંચી બાદમાં બાઇકમાં બેસી ઘરે આવ્યા હતાં. ઘરે પહોંચ્યાના થોડા જ સમય બાદ તબિતય બગડી હતી અને બેભાન થઇ ઢળી પડયા હતાં. સારવાર માટે ખસેડાયા હતાં પણ તેમને તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સ્વજનોએ કહ્યું હતું. મૃતક બે ભાઇ અને ચાર બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે.
(2:53 PM IST)










