તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th August 2025
દારૂની ભઠ્ઠી ચલાવતાં વિજય ઉર્ફ રૂડીએ ધરપકડ ટાળવા ભીંતમાં માથા પછાડી લોહી કાઢયાઃ ટોળાએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી
પડતર જેવા મકાનમાં દરોડો પાડી દારૂ-ભઠ્ઠીના સાધનો પકડી લેવાયાઃ પોલીસને જોઇ ભાગેલા વિજયને તેના ઘરે પકડવા જતા ખેલ કર્યા : તમે વારેઘડીએ મને પકડો છો, કેસ કરો છો હું માથા પછાડીને મરી જઇશ...કહી દેકારો મચાવ્યોઃ તેની પત્નિ કિરણ તેમજ સાથેના અજીત ઉર્ફ ટેબો, અમિત ઉર્ફ હોજરી, અલ્પા, ભારતી, સાવન, સુભાષ અને સંજય વિરૂધ્ધ ડીસીબી પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૩૦: કુબલીયાપરામાં રહેતો વિજય ઉર્ફ રૂડી તેના ઘર નજીક પડતર મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોઇ ડીસીબીની ટીમે દરોડો પાડતાં તે ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે તેના વિરૂધ્ધ ભઠ્ઠીનો કેસ નોંધી ૧૫ હજારનો મુદ્દામાલ કબ્જે કરી તે નજીકમાં જ રહેતો હોઇ તેને પકડવા જતાં તેણે ધરપકડથી બચવા જાતે જ પોતાનું માથુ દિવાલમાં અથડાવી લોહી કાઢી આપઘાતનો પ્રયાસ કરતાં અને તેની પત્નિ સહિતના બીજા ૮ જણાએ ટોળકી રચી પોલીસની ફરજમાં રૂકાવટ કરતાં તમામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ બનાવમાં થોરાળા પોલીસે ડીસીબીના કોન્સ. વિશાલભાઇ પરેશભાઇ દવેની ફરિયાદ પરથી કુબલીયાપરા-૫ ચંદ્રીકા પાનની બાજુમાં રહેતાં વિજય ઉર્ફ રૂડી રાજેશભાઇ પરમાર, અજીત ઉર્ફ ટેબો રાજેશ પરમાર, અમિત ઉર્ફ હોજરી, કિરણબેન વિજય પરમાર, ભારતી, સાવન જીતુભાઇ રાઠોડ, સુભાષ મનોજભાઇ સોલંકી, સંજય કેશુભાઇ ઉધરેજીયા અને અલ્પા અમિત વિરૂધ્ધ રાયોટીંગ, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ડીસીબીની ટીમ કુબલીયાપરામાં પડતર જેવા ખંઢેર મકાનમાં વિજય ઉર્ફ રૂડી દારૂની ભઠ્ઠી ચલાવતો હોઇ દરોડો પાડી દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો મળી ૧૫ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ડીસીબીના કોન્સ. વિશાલભાઇ દવેએ જણાવ્યું છે કે શુક્રવારે હું તથા સાથેના હેડકોન્સ. જયરાજસિંહ કોટીલા, દિલીપભાઇ બોરીચા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે પીએસઆઇ વી. ડી. ડોડીયાએ દારૂની ડ્રાઇવ યોજી કેસ શોધવા સુચના આપતાં અમે ભાવનગર રોડ પર પહોંચતા મને તથા જયરાજસિંહને બાતમી મળી હતી કે કુબલીયાપરામાં રહેતો અને અગાઉ અનેક વખત દારૂના ગુનામાં પકડાઇ ચુકેલો વિજય ઉર્ફ રૂડી ચંદ્રીકા પાનવાળી શેરીમાં જુના પડતર મકનમાં દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યો છે. આ બાતમી પરથી અમે દરોડો પાડતાં વિજય ઉર્ફ રૂડી અમને જોઇ ચાલવા લાગ્યો હતો. અમે વ્જિયના નામનો પોકાર કરતાં ત્યાંથી તે ભાગી ગયો હતો.
આ પછી અમે છત વગરના પડતર મકાન અંદર જઇ તપાસ કરતાં અંદર દારૂની ભઠ્ઠી ચાલુ હોઇ ભઠ્ઠીના સાધનો, દેશી દારૂ ૨૬ લિટર કાચો આથો ૨૦૦ લિટર, બળેલો આથો ૮૦ લિટર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો જે અમે કાર્યવાહી કરી કબ્જે કરવા તજવીજ કરી હતી. આ દરમિયાન વિજય ઉર્ફ રૂડીનું ઘર નજીકમાં જ હોઇ અમે તેને પકડવા ગયા હતાં. આ વખતે વિવજય ઘરની બહાર જમીન પર બેઠો હોઇ તેના કપાળે અને માથાના ભાગે તેમજ મોઢાના ભાગે લોહી નીકળ્યા હોઇ અમે તેને ઓળખી ગયા હતાં.
આ વખતે અચાનક બીજા લોકોનું ટોળુ ભેગુ થઇ ગયુ હતું, અમે વિજય સામે દારૂની ભઠ્ઠીનો કેસ કર્યો છે તેમ કહી કાર્યવાહી કરતાં વિજય જોર જોરથી રાડા પાડી હતી અને કહ્યું હતું કે-તમે ભલે કેસ કર્યો પણ હું તમે મારી પાસે અવાર-નવાર કેસ કરી પૈસાની માંગણી કરો છો અને મારુ માથું ભીંતમાં તમે ભટકાવી લોહી કાઢયા છે એવી ફરિયાદ કરીશ. જો તમે કેસ કર્યો તો હું જાતે મારુ માથું ભીંતમાં ભટકાડીને મરી જઇશ, ત્યારે તમને ખબર પડશે. તેમ કહી દેકારો કરવા માંડયો હતો. આ વખતે બીજા લોકો ઉગ્ર થઇ જતાં તમામને કાયદો હાથમાં ન લેવા સમજાવ્યો હતો. આમ છતાં આ લોકો પોલીસ સાથે ઝઘડો કરી ફરજમાં રૂકાવટ કરવા માંડતાં થોરાળા પોલીસ સ્ટેશનની પીસીઆર આવી ગઇ હતી. બાદમાં અમે વિજયને સારવાર માટે લઇ ગયા હતાં.
વિજયની સાથે મળી જે લોકોએ અમારી સાથે માથાકુટ કરી ફરજમાં રૂકાવટ કરી હતી તેના નામ અમને પાછળથી મળ્યા હતાં. જેમાં કિરણબેન વિજય પરમાર, ભારતી, તેનો ભાઇ અજીત ઉર્ફ ટેબો, સાવન, સુભાષ, સંજય, અમિત ઉર્ફ હોજરી અને અલ્પા હતાં. તેમ વધુમાં કોન્સ. વિશાલભાઇ દવેએ જણાવતાં ડીસીબી પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. ડોડીયાએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. આરોપીઓને પકડી લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. (૧૪.૧૦)
(2:50 PM IST)










