તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
મનપાના ૯૩ પ્લોટ ભાડે આપવાનું ધોંચમાં!!! અનેક તર્ક-વિતર્ક
પ્લોટની માપણી અને સર્વે કરવાની પ્રક્રિયા ઓચિંતી બંધઃ ટેન્ડરની ફાઇલ અભેરાઇએ

રાજકોટ, તા.૨૯: મહાનગરપાલિકાની તિજોરી કાયમી ખાલી હોવાનુ દર વર્ષે જાણવા મળે છે. મનપાને થતી આવક માથી સ્ટાફનો પગાર સહિતનો ખર્ચ માંડ માંડ નિકળી રહ્યો છે. મોટા પ્રોજેકટ માટે સરકારી ગ્રાન્ટ ઉપર આધાર રાખવો પડતો હોય આવકનાસ્ત્રોત વધારા માટે પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં મહાનગરપાલિકાના બઝેટના તંત્રના ખાલી પડેલા ૯૩ અનામત પ્લોટ લોન્ગલીઝથી ભાડે આપવા માટે નિર્ણય લેવામાં આવેલ આ પ્લોટના સર્વે અને માપણી માટે ત્રણ એજન્સીને કામ આપવાનુ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલ પરંતુ આ ફાઇલ અંગેની પ્રક્રિયા અચાનક બંધ રખાતા અનેક તર્ક વિર્તક થઇ રહયા છે.
થોડા સમય પહેલા આવકનાસ્ત્રોત ઉભા કરવા માટે અનામત પ્લોટ ભાડેથી આપવાનો પ્રોજેકટ તૈયાર કરવામા આવેલ અને આ અંગે ટાઉનપ્લાનિંગ ઓફિસરે જણાવેલ કે, શહેરના ઇસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનમાં આવેલા અલગ-અલગ ટીપી સ્કીમના અનામત હેતુના મેઇન રોડને લાગુ હોય તેવા પ્લોટો ભાડે દઇ આવક ઊભી કરવા મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે. જેના માટે ૩ ડેપ્યુટી કમિશનર, ૩ સિટી એન્જિનિયર, ૧ હિસાબી અધિકારી અને મારા સહિત કુલ આઠ અધિકારીનો સમાવેશ આ કમિટીમાં કરાયો છે અને આ પ્લોટ કેવી રીતે ભાડે આપવા, તેનું ભાડું કેટલું રાખવું, તેના માટે કયાં પ્રકારના એગ્રીમેન્ટ કરવા, પ્લોટ ભાડે આપવા હરાજી કરવી કે અન્ય કોઇ પ્રક્રિયા, પ્લોટ ભાડે માટે ઓછામાં ઓછો કેટલો સમય અને વધુમાં વધુ કેટલો સમય રાખવાનો રહેશે સહિતના મુદ્દે આ બે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ મહાનગરપાલિકાના અનામત હેતુના પ્લોટ ભાડે રાખનારે કયાં નિયમોનું પાલન કરવાનું રહેશે સહિતની બાબતો અંગે પણ નિયમો ઘડવામાં આવી રહ્યા છે. પ્રાથમિક વિચારણાના અંતે મહાનગરપાલિકા દ્વારા ઝોનવાઈઝ ઓનલાઈન હરાજી દ્વારા અનામત હેતુના પ્લોટ ભાડે આપવાનું આયોજન કરાયું છે. તેમજ પ્લોટના જંત્રીના ભાવના આધારે લોંગ લીઝ માટે ભાડું નક્કી કરાશે અને ઓછામાં ઓછા ૩ વર્ષ અને વધુમાં વધુ ૭ વર્ષ માટે આ પ્લોટો ભાડે અપાશે પરંતુ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ અચાનક આ પ્રોજેકટને એક બાજૂ ધકેલી દેવાતા ભારે ચર્ચા જાગી છે.
(4:21 PM IST)










