તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને ધમકાવી ખંડણી માંગીઃ કથિત પત્રકારની ધરપકડ
મીસ્ટર ખાન તમે આ બાબતને આવી રીતે હેન્ડલ કરી શકતા નથી, તમારી ઇમેજ બગડી જશે ડીપાર્ટમેન્ટ તમોને કયાંક ખુણામાં નાખી દેશે, જ્યાં કદાચ તમારી પાસે કોઈ કર્મચારી પણ ન હોય કે વ્યવસ્થિત ટેબલ, ખુરશી કે કચેરી પણ ન હોય... : ડીસીબી પોલીસમાં અધિકારી ઇમ્તિયાઝ ખાનની ફરિયાદ પરથી રાજેશ હિંગોળ વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી લેવાઇ : રાજેશે કહેલું-સાહેબ હું તમારી પાસે વારંવાર આવુ છુ, પરંતુ આપની પાસે ટાઇમ ન હોઇ વાત થયેલ નથી, આપને સ્પષ્ટ કહુ છુ કે, હું આપની વિભાગીય કચેરીના વહીવટ બાબતે આવેલ છું, આપની પેટા વિભાગીય કચેરીના રૂ.૧૦ હજાર પેટે કુલ રૂ. ૫૦ હજારની રકમ મારે હપ્તા તરીકે જોઇએ છે!

રાજકોટ તા. ૨૯: શહેરના માર્ગ મકાન વિભાગના અધિકારીને ધમકી આપી ખંડણી માંગનાર કથીત પત્રકાર સામે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા આરોપીની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. તમારી કચેરીમાં શું ચાલે છે તે મને ખબર જ છે, કહી પચાસ હજારનો હપ્તો માંગ્યાનો આરોપ ફરિયાદમાં મુકાયો હતો. આ શખ્સે રૂપિયા માંગતા અધિકારીએ ના પાડતાં આરટીઆઇ કરીશ તો તમારી ઇમેજ બગડી જશે, હું પછી પાછા પગલા નહિ ભરૂ તમને ડિપાર્ટમેન્ટ ક્યાંક ખુણામાં નાખી દેશે જ્યાં કદાચ તમારી પાસે બીજા કર્મચારી, ટેબલ કે ખુરશી કે કચેરી પણ નહિ હોય તેવી ધમકી આપી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બનાવ અંગે જામનગરમાં વાલસુર રોડ પર બેડેશ્વરમાં રહેતાં અને માર્ગ મકાન વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવતાં ઇમ્તિયાઝ મુસ્તકીમ ખાન (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી ઇવનીંગ પોસ્ટના રાજેશ વૃજલાલ હિંગોળ વિરૂધ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેઓ નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે લીંબડી અને ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર તરીકે તા. ૧૫/૦૩/૨૦૨૫ થી રાજકોટ ખાતે ફરજ બજાવે છે. તેમના કાર્યક્ષેત્રમાં સૌરાષ્ટ્રના કુલ-૧૧ જિલ્લાઓનો સમાવેસ થાય છે. જે અંતર્ગત તાબા હેઠળ છ પેટા વિભાગીય કચેરીઓ લીંબડી, અમરેલી, કોડીનાર, રાજકોટ, જામનગર અને પોરબંદર ખાતે આવેલ છે. તેઓ રાષ્ટ્રીય ધોરી માર્ગોના બાંધકામ અને જાળવણી લગતની રાજ્ય સરકારની જવાબદારીઓ નિભાવે છે.
દરમિયાન તા.૧૫/૦૩/૨૦૨૫ના રાજકોટ ચાર્જ સંભાળ્યા બાદ આરોપી રાજેશ હીંગોળા પોતે ઇવનીંગ પોસ્ટ પ્રીન્ટ અને ડીજીટલ મીડિયા જે ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રસ સાગર સમ્રાટ એપાર્ટમેન્ટ ૯ શ્રમજીવી સોસાયટી ઢેબર રોડ ગુરૂકુળ ઝોનની સામે આવેલ છે તે ઓફિસમાં તંત્રી હોવાની ઓળખ આપી મળવા માટે અવાર-નવાર આવતા હતા. તે દરમ્યાન ગઇ તા.૦૪/૦૪/૨૦૨૫ના મળવા આવેલ હતા ત્યારે તેમણે સ્પષ્ટ વાત કરતા જણાવેલ હતુ કે, સાહેબ, હું તમારી પાસે વારંવાર આવુ છુ, પરંતુ આપની પાસે ટાઇમ ન હોય વાત થયેલ નથી, તો હું આજે આપને સ્પષ્ટ કહુ છુ કે, હું આપની વિભાગીય કચેરીના વહીવટ બાબતે આવેલ છુ. જે વહીવટ બાબતે સ્પષ્ટતા માંગતા તેઓએ જણાવેલ કે, આપની પેટા વિભાગીય કચેરીના રૂ.૧૦ હજાર પેટે કુલ રૂ. ૫૦ હજારની રકમ મારે હપ્તા તરીકે જોઇએ છે.
આ બાબતે ફરીયાદી દ્વારા સ્પષ્ટ ના પાડવામાં આવેલ અને જણાવવામાં કે, હું એક પણ રૂપીયો લેતો નથી અને કોઈને આ રીતે ગેરકાયદેશર પૈસા કે કોઇ પણ લેન દેન કરતો નથી. તો આ બાબતે સ્પષ્ટ ના છે તેવુ જણાવેલ તો તેણે આગળ કહેલ કે, તમે ભલે નથી લેતા પણ તમારી કચેરીમાં કઇ રીતે વહીવટ ચાલે છે, એતો તમને ખબર હશે જ? જેની સ્પષ્ટતામાં પણ સ્પષ્ટ ના પાડેલ તો તેને સ્પષ્ટ કીધેલ કે, આ ખુરશી ઉપર જે પણ અધીકારી આવે તેનાથી મને કોઇ મતલબ નથી, મને મારા ફીગરથી જ નિષ્કળત છે. સાહેબ તમારી નોકરી નો જેટલો સમય નથી થયો તેટલા સમયથી હું આર.એન્ડ.બી. નું રીપોર્ટીંગ કરાવુ છુ, મને ટોપથી બોટમ સુધી બધા ઓળખે છે, એટલે હું કહુ છુ કે, તમે આજે ચાર્જમાં છો કાલે નહી તેનાથી મને કોઈ મતલબ નથી તમારા કોઇપણ માણસ તમારા ડીવીઝન પેટાનો હિસ્સો મને પહોંચાડી દે એટલે મારો મુદ્દો પુરો પછી તમે કે કોઈ અન્ય અહીં શું કરે છે? તેની સાથે મારે નિષ્કર્ષ ન હોય.
ઉપરાંત જણાવેલ કે, આ આપના તાબા હેઠળના અધિકારી-કર્મચારીઓ સાથે વાત કરી આ બાબતે શું કરવું છે? તે અમને જણાવશો, મારો મુદ્દો એ છે કે, સંકલનમાં રહેવાનું છે કે નથી રહેવાનું, મારૂ કામ મીડીયા તરીકે કરવાનું છે કે, ફ્રેન્ડ તરીકે રહેવાનું છે કે, સંકલનમાં રહેવાનું છે તે સામેવાળાને જોવાનું છે. તેમ ધમકી ભરી ભાષામાં વાત કરીને જતા રહેલ હતા. ત્યારબાદ રાજેશ ૦૨ જુન ૨૦૨૫ના કચેરીએ રૂબરૂ આવેલ અને પુછેલ કે, સાહેબ આપની ચર્ચા આપના કર્મચારીઓ સાથે થઇ ગયેલ કે કેમ? ત્યારે તેને જણાવેલ કે, અગાઉ પણ મે તમને સ્પષ્ટ ના પાડેલ છે અને મારા તાબા હેઠળના કોઈ પણ કર્મચારી કે અધિકારી સાથે ચર્ચા કરવી નથી. તો તેમણે કહેલ કે હું, જીલ્લામાં આવેલ માત્ર હેડ ઓફીસમાંથી જ સંકલન કરૂ છુ. આ તમારી ખુરશી ઉપર અગીયાર જીલ્લાઓની કામગીરીની જવાબદારી હોય અને ચાર્જ તરીકે હાલ આપ ફરજ બજાવો છો. એટલે તમારે તેઓની સાથે વાત કરીને મારા તમારે તેમની પાસેથી રૂપીયા સંકલન કરીને મને આપવા જ પડશે કહેતાં તેમને સ્પષ્ટ ના પાડેલ કે એ મારૂ કામ નથી, હુ કોઇની સાથે વાત નહી કરૂ.
વધુમાં આરોપી રાજેશએ જણાવેલ કે, સાહેબ મારો આ રેકોર્ડ છે કે, મારા ૩૦ વર્ષમાં મારા નામની કંયાય આર.ટી.આઈ.ની એપ્લીકેશન નથી, પણ એક વખત કાગળ (આર.ટી.આઈ) નાખીશ એટલે તમને ખબર છે કે હું પછી એમાં પાછા પગલા નહી ભરૂ, તમે તમારા સાહેબને કહેવુ હોય તો કહી દેજો અને તમારી પાસે કાર્યપાલક ઇજનેર તરીકે ૫૦ લોકો આવીને જતા હોય મને મતલબ નથી, હુ ૧૯૯૨ થી આર.એન્ડ.બી. રીપોટીંગ કરૂ છુ, સાહેબ મારી તમને અંગત સલાહ છે, હું એક વખત જુંબેસ ચાલુ કરીશ પછી સુકા પાછળ લીલુ બળે તેમ ધમકી આપેલ હતી. તમારા ઉપર લેવલે આ બાબત જાય તો મીસ્ટર ખાન તમે આ બાબતને આવી રીતે હેન્ડલ કરી શકતા નથી, તમારી ઇમેજ બગડી જશે ડીપાર્ટમેન્ટ તમોને કયાંક ખુણામાં નાખી દેશે, જ્યાં કદાચ તમારી પાસે કોઈ કર્મચારી પણ ન હોય કે વ્યવસ્થિત ટેબલ, ખુરશી કે કચેરી પણ ન હોય તેમ જણાવી કહેલ કે, પાવાગઢી સાહેબને જે હેરાનગતી થયેલ તેની તમને જાણ હશે.
આગળ કહેલું કે તમારા વિભાગમાં શુ થાયછે, કેટલો ભ્રષ્ટાચાર થાય છે, તે અમે જાણીયે છીએ મારે તો પાણો નાખવાનો છે, છાંટા તો ઉડે ને ? માહીતીઓ જે છે તે બહુ મોટી રમત છે, સાહેબ ગાંધીનગર લેવલે હજાર કરોડના કામોમાં બહુ મોટી રમતો હોય છે, શુ કામ સાહેબ આ વસ્તુમાં પડવાનુ એટલે હુ આર.ટી.આઈ હેઠળ અરજીઓ કરીને તમારા અને તમારા અધિકારીઓની એસેટ તથા અન્ય મીલ્કત અન્વયે તમારી માહીતી માંગીશ અને એસીબીના ગુન્હામાં ફીટ કરાવી દઇશ તેવી ધમકી આપેલ હતી.
આરોપીએ જણાવેલ કે, તમો સૌરાષ્ટ્રના હેડ છો, તમારે તમારી નીચે આવતી પેટા વિભાગીય કચેરીના અધિકારીઓ સાથે તમારે ચર્ચા કરવી જ પડશે અને તેમની પાસેથી હપ્તાના રૂપીયા લઇને મને આપવા જ પડશે હુ તેઓની પાસે રૂપીયા ઉઘરાવવા જઈશ નહી તમે વિચાર કરી લેજો. તેમ ધમકી આપી જતો રહેલ હતો.
ત્યારબાદ તે ફરીથી ૨૪ જુન ૨૦૨૫ ના કચેરીએ આવેલ અને મને જણાવેલ કે, મે બે ત્રણ તમોને ફોન કરેલ હતા પરંતુ તમોએ ફોન ઉપાડેલ નહી જેથી રૂબરૂ આવેલ છુ, હાલો નિષ્કર્ષ ... નિષ્કર્ષ.. નિષ્કર્ષ,... જેના જવાબમાં પુછેલ શાનો? મે તમને તે દિવસ બહુ કલીયર ના પાડી દીધી હતી, વારંવાર એકને એક વસ્તુ, તમે એ માટે આયા છો? મે તમને કીધુ કે હું મારા કોઇપણ ડીલ કે આ બાબતે નહી કહી શકુ, તેમ કહેતા તેમણે ફરીથી ધમકી ભરી ભાષા જણાવેલ કે તો હવે હું આર.ટી.આઇ કરૂ ને? ઉપરાંત આરોપી રાજેશ અવાર-નવાર કચેરીમાં આવતો ત્યારે કેબીનમાં પુછયા વગર ડાયરેક્ટ આવી જતો અને કોઇપણ મીટીંગ ચાલતી હોય કે કોઇ સરકારી કામ કાજ ચાલતુ હોય તો આવીને બેસી જતો જેથી તેમને થોડીવાર બહાર બેશો પછી હું તમને બોલવીશ તેમ જણાવેલ તો તે અમે મીડીયાના માણસ છીએ, અમને કોઇ રોકી શકે નહી. તેમ ધમકી ભરી ભાષામાં વાત કરતો હતો.
આ સહિતની ધમકીઓ આપ્યાનો ફરિયાદમાં આરોપ મુકાયો હોઇ ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી.એચ. જાદવ, પીએસઆઇ મોવલીયા સહિતની ટીમે આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.
(4:21 PM IST)










