તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
પેડક રોડના રાખડીના વેપારી પ્રવિણભાઇને સાવરકુંડલાના યોગેશનો ૬૫.૫૦ લાખનો ચૂનો
શરૂઆતમાં રોકડેથી માલ ખરીદી વિશ્વાસ કેળવ્યો પછી ધૂંબો મારી દીધો : બાકીમાં લાખોનો માલ મંગાવી રૂપિયા ન મોકલ્યા અને ફોન પણ બંધ કરી દીધોઃ બી-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૯: શહેરમાં રહેતાં અને સામા કાંઠે રાખડી બનાવી વેંચવાનું કામ કરતાં વેપારી સાથે હાલ સુરત રહેતાં મુળ સાવરકુંડલાના રાખડીના અન્ય ધંધાર્થીએ વિશ્વાસ કેળવી શરૂઆતમાં રોકડેથી માલ ખરીદી બાદમાં ૬૫.૫૮ લાખની રાખડીઓ મંગાવી આ રકમ ન ચુકવી છેતરપીંડી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે બી-ડિવઝિન પોલીસે યુનિવર્સિટી રોડ ઉપર સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતાં અને પેડક રોડ ઉપર જી.બી. ડાયમંડ નામનાં કોમ્પલેક્ષમાં અજંતા રાખડી નામે દુકાન ધરાવતાં મુળ જોડીયાનાં બાદનપર ગામનાં પ્રવિણભાઈ કાનજીભાઈ ઘેટીયા (ઉ.વ.૫૫) સાથે ખરીદેલી રૂા. ૯૫ લાખની રાખડીના પૈસા નહી આપી યોગેશ પ્રવિણચંદ્ર ગઢિયા (રહે. સુરત, મુળ સાવરકુંડલા) સામે ગુનો દાખલ કર્યો છે.
આ બનાવ અંગે પ્રવિણભાઇ ઘેટીયાએ જણાવ્યું છે કે પેડક રોડ પર મારે જી. બી. ડાયમંડ નામના કોમ્પલેક્ષમાં ૨૧૦ નંબરની ઓફિસમાં અજંતા રાખાડી નામે મારે દૂકાન છે. અહિ હું રાખડી બનાવી વેપાર કરુ છું. મારો દિકરો હાર્દિક અને મહેનદ્રભાઇ પોપટ પણ અહિ કામ કરે છે. આસપાસના ગામોની મહિલાઓને પણ અમે રાખડી બનાવવાનું કામ આપીએ છીએ. અગાઉ સુરત રહેતા મુળ સાવરકુંડલાના મારા મિત્ર કૌશિકભાઈ સાદરાણી પણ રાખડીનો ધંધો કરે છે. તેને પણ અમે સુરત જઈ રાખડી પહોંચાડતા હતા. અઢી વર્ષ પહેલા રાખડીના નમુના લઈ કૌશિકભાઈની દુકાને જતા ત્યાં આરોપી યોગેશ હાજર હોઇ તેણે પણ પોતે ે રાખડીનો વેપાર કરતા હોવાનું કહ્યું હતું.
આ પછી આરોપી ૨૦૨૩માં રાજકોટ રૂબરૂ આવી મારી દુકાનમાંથી રાખડીઓ લઈ ગયો હતો. ઘણી વખત તે ઓર્ડર આપીરાખડીઓ લઈ જતો હતો અને પૈસા ચુકવી આપતો હતો. ઓર્ડર મળે એટલે અમે ટ્રાવેલ્સ મારફતે આરોપીને રાખડી સુરત પહોંચાડતા હતાં. જેની રકમ આરોપી આંગડીયા મારફત કે રૂબરૂ આપતો હતો. ગઈ તા.૮.૭.૨૩થી તા.૧૭.૮.૨૩ દરમિયાન આરોપીએ કુલ રૂાઉ ૬૫,૫૮,૯૭૨ની રાખડીઓ લીધી હતી. જેનું મેં પાકુ બીલ બનાવી અલગ અલગ ટ્રાન્સપોર્ટ મારફતે આરોપીની દુકાને મોકલી હતી. આ બીલની રકમ આરોપીએ રક્ષા બંધન પછી મોકલી આપવાની ખાત્રી આપી હતી. જો કે રક્ષા બંધન બાદ આરોપી પાસે ઉઘરાણી કરતા તે બહાના બતાવા લાગ્યો હતો. તેમજ પ્રવીણભાઈને રૂબરૂ બોલાવ્યા હતાં. પરંતુ આરોપી મળતો ન આવતાં અને ફોન પણ બંધ કરી દેતાં છતેરપીંડી થયાની ખબર પડી હતી.
બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ એમ. એન. પીઠીયાએ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૯)
(3:42 PM IST)










