<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

ખેલ મહાકુંભમાં રાજકોટમાંથી સૌથી વધુ રમતવીરો જોડાય તેવી કલેકટરની અપીલઃ પ્રી-ઇવેન્‍ટમાં દેવયાનીબાનું સન્‍માન

રાજકોટ :  હોકીના જાદુગર કહેવાતા શ્રી મેજર ધ્‍યાનચંદની જન્‍મજ્‍યંતિ નિમિત્તે દેશભરમાં ૨૯ થી ૩૧ ઓગસ્‍ટ સુધી નેશનલ સ્‍પોર્ટ્‍સ ડેની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે સ્‍પોર્ટ્‍સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટમાં રેસકોર્સ નજીક બહુમાળી ભવન ખાતે પ્રી-ઈવેન્‍ટ યોજાઈ હતી જેમાં અંદાજિત ૪૦૦ જેટલા રમતવીરો જોડાયા હતા. આ ઉજવણીના ભાગરૂપે યોજાયેલ પ્રી-ઈવેન્‍ટ પ્રેક્‍ટિસમાં મહાનુભાવશ્રીઓએ રમતવીરોનું સન્‍માન કરી, રેલીને પ્રસ્‍થાન કરાવી હતી. કલેકટરશ્રી ઓમપ્રકાશે આ પ્રસંગે ઉપસ્‍થિતોને સંબોધતાં જણાવ્‍યું હતું કે તા.૨૯નાં રોજ રાષ્‍ટ્રીય રમત દિવસ  છે. આ દિવસથી રાજ્‍યવ્‍યાપી ખેલ મહાકુંભમાં રજીસ્‍ટ્રેશનની શરૂઆત થશે. વિદ્યાર્થીઓ,યુવાનો, તમામ ઉંમરના શહેરીજનો સહિત રમતપ્રેમી નાગરિકો ખેલ મહાકુંભમાં ૨૨ સપ્‍ટેમ્‍બર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકશે. રાજકોટ શહેર અને જિલ્લામાંથી વધુને વધુ નાગરિકો ખેલ મહાકુંભમાં રજીસ્‍ટ્રેશન કરાવી રમતગમતમાં આગળ આવે તેમ કલેકટરે અપીલ કરી હતી.આ તકે ઉપસ્‍થિત મહાનુભાવોએ રમતવીર દેવયાનીબા ઝાલાનું સન્‍માન કર્યું હતુ. આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, રીજીયોનલ મ્‍યુનિસિપલ કમિશનર મહેશ જાની, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ , જિલ્લા રમત વિકાસ અધિકારી  રમાબેન મદ્રા, વિવિધ રમતોના કોચ સહિત બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અને રમતવીરો ઉપસ્‍થિત રહ્યાં હતા. 

(2:33 PM IST)