<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

સંતોષીનગરમાં ત્રણ બહેનોના એકના એક ભાઇ મયુર બારૈયાનો ગળાફાંસો ખાઇ આપઘાત

દસેક દિવસથી મગજ ભમતો હોઇ દવા ચાલુ હતીઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૮: સંતોષીનગરમાં રહેતાં યુવાને રાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. મગજ ભમતો હોવાથી આ પગલુ ભરી લીધાનું સગાએ કહ્યું હતું.

પ્રાપ્‍ત વિગતો મુજબ રેલનગર સંતોષીનગરમાં પાણીના ટાંકા પાસે રહેતાં મયુરભાઇ પ્રવિણભાઇ બારૈયા (ઉ.વ.૨૪) નામના યુવાને રાતે દસેક વાગ્‍યે ઘરમાં નળીયાની આડીમાં ખાટલાની પાટી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં એ દરમિયાન પરિવારજનો જોઇ જતાં તેને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ અને પ્રકાશભાઇએ જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર મયુરભાઇ ત્રણ બહેનનો એકનો એક વચેટ ભાઇ હતો. તેના પિતા પગીપણું કરે છે. મયુરભાઇ અગાઉ ચાંદી કામ કરતો હતો પરંતુ દસેક દિવસથી મગજ ભમતો હોઇ કામ મુકી દીધુ હતું અને તેની દવા ચાલુ હતી.  કંટાળીને આ પગલુ ભર્યાનું સગાએ કહ્યું હતું. ત્રણ બહેને એકનો એક ભાઇ અને માતા-પિતાએ આધારસ્‍તંભ ગુમાવતાં કલ્‍પાંત સર્જાયો હતો.

(2:27 PM IST)