તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th August 2025
હૃદય બંધ પડતાં મનપા કર્મચારી નાદીરભાઇ અને સેલ્સમેન જસ્મીનભાઇના મૃત્યુ થયા
દૂધસાગર રોડ રિધ્ધી સિધ્ધી સોસાયટીના દેવાણી પરિવાર અને રૈયા સ્માર્ટ સીટી લાઇટ હાઉસના ઠાકર પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૮: હૃદય રોગના હુમલાથી મહાનગર પાલિકાના કર્મચારી સહિત બે લોકોના મૃત્યુ થયા હતાં.
દૂધ સાગર રોડ પર રિધ્ધી સિધ્ધી સોસાયટી શેરી નં. ૧૨માં રહેતાં અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોશની વિભાગમાં ફરજ બજાવતાં નાદીરભાઇ મહમદભાઇ દેવાણી (ઉ.વ.૫૯) સાંજે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. પોસ્ટમોર્ટમ બાદ તબિબ તપાસમાં હાર્ટએટેક આવી ગયાનું તારણ નીકળ્યું હતું. મૃત્યુ પામનાર નાદીરભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે દિકરા છે. થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં રૈયા સ્માર્ટ સીટી લાઇટ હાઉસ ખાતે રહેતાં જસ્મીનભાઇ મહેન્દ્રભાઇ ઠાકર (ઉ.વ.૫૩) રાતે નવેક વાગ્યે ઘરે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પોસ્ટમોર્ટમ થતાં હાર્ટએટેક આવ્યાનું ખુલ્યું હતું. તેઓ એક બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે દિકરી છે. તેઓ સેલ્સમેન તરીકે કામ કરતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આ બંને બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ અને પ્રકાશભાઇએ થોરાળા તથા યુનિવર્સિટી પોલીસને કરી હતી.
(3:42 PM IST)










