તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th August 2025
રાજકોટ-જેતપુર સીકસ લેનઃ માત્ર ૪ર ટકા કામગીરી પૂરી થઇ છેઃ પ૭ સ્થળે મોટા ખાડાઃ તાકિદે રીપેરના આદેશો
કલેકટરે નેશનલ હાઇવેને સૂચના આપીઃ કલેકટરના તમામ બોર્ડ રદ્દઃ આજની R.O. મીટીંગ શનિવારે મળશે

રાજકોટ તા. ર૮: રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર ચાલી રહેલી કામગીરીને લઇને રાજકોટના જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશે પત્રકારોને જણાવ્યું હતું કે, હાઇવેની કામગીરી ૪ર ટકા જેટલી પૂર્ણ થઇ ગઇ છે અને તેને વહેલી તકે પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત, તેમણે જણાવ્યું કે, હાલમાં હાઇવે પર પ૭ જેટલા સ્થળો ઉપર મોટા ખાડાઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કલેકટરે આ અંગે તાત્કાલિક પગલાં લેવા અને એક સપ્તાહની અંદર તમામ ખાડાઓનું રિપેરિંગ કરવા માટે સૂચના આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, રિપેરિંગની કામગીરી એવી રીતે થવી જોઇએ કે જેથી ફરીથી ખાડા ન પડે.
અત્રે એ નોંધનીય છે કે, રાજકોટ-જેતપુર નેશનલ હાઇવેની મુદત વિતી ગઇ છે, છતાં કામ માત્ર ૪ર ટકા થયું છે, પ૮ ટકાની ઘટ છે, આમાં દબાણો સહિત અનેક પરીબળો કામ કરી રહ્યા છે.
દરમિયાન કલેકટરે ઉમેર્યું હતું કે રાજકોટ શહેર-જીલ્લામાં મોસમનો કુલ વરસાદ ૮પ થી ૯૦ ટકા આસપાસ થયો છે, રાજકોટનો કુલ વરસાદ ર૭ ઇંચ થયો છે.
બીજી બાજુ આજની R.O. મીટીંગ રદ્દ થઇ છે, જે હવે કલેકટરના અધ્યક્ષપદે શનિવારે મળશે. આ અઠવાડિયાના કલેકટરના મહેસૂલ-અપીલના કેસોના બોર્ડ પણ રદ્દ થયા છે. શુક્રવારે બોર્ડ મળનાર હતું, પરંતુ અગત્યની વીસી સંદર્ભે રદ્દ કરી નખાયું છે. (૭.ર૦)
(2:08 PM IST)










