<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

એસપીજી ગ્રુપ સોૈરાષ્‍ટ્રના અધ્‍યક્ષ જેતપુરના કલ્‍પેશ રાંકની રાજકોટના ચિરાગ લુણાગરીયા સાથે ૫.૫૦ લાખની ઠગાઇ.

બે વર્ષ પહેલા રાજકોટમાં એસપીજી કાર્યકરોનું સંમલેન રાખ્‍યું તેનો મંડપ-કેટરીંગનો કોન્‍ટ્રાક્‍ટ રાજકોટના યુવાને રાખ્‍યો હતોઃ ૮ાા લાખના બીલ સામે ત્રણ લાખ ચુકવી બાકીની રકમ આજ સુધી ન આપ્‍યાનો આરોપઃ બી-ડિવીઝનમાં ફરિયાદ : ચિરાગ લુણાગરીયાએ બીજા લોકોને ચુકવણુ કરવા પોતાની ગાડી, દાગીના પર લોન લેવી પડીઃ જ્‍યારે પણ ઉઘરાણી થતી ત્‍યારે કલ્‍પેશ કહેતો-તમે ચિંતા ન કરો, વ્‍યાજ સહિત તમારા પૈસા આપી દઇશ! પણ આજ સુધી રકમ ન આપી

રાજકોટ તા. ૨૮: શહેરમાં મંડપ સર્વિસ અને કેટરીંગનું કામ કરતાં મોરબી રોડના યુવાન સાથે જેતપુર રહેતાં સોૈરાષ્‍ટ્ર ઝોનના એસપીજી અધ્‍યક્ષે રૂા. ૫,૫૦,૦૦૦ની છેતરપીંડી કરતાં ચકચાર જાગી છે. રાજકોટમાં બે વર્ષ પહેલા તેણે એસપીજી કાર્યકરોનું સંમેલન રાખ્‍યું હોઇ તેનો મંડપ સર્વિસ, ડેકોરેશન, કેટરર્સનો કોન્‍ટ્રાકટ આ યુવાનને આપ્‍યો હતો. ૮,૫૦,૦૦૦નું બીલ  જે તે વખતે થયું તેની સામે આ અધ્‍યક્ષે માત્ર ૩ લાખ ચુકવી બાકીના ૫,૫૦,૦૦૦ આજ સુધી નહિ આપી બહાના બતાવી ઉઘરાણી થાય તો તમે ચિંતા ન કરો વ્‍યાજ સહિત તમારા પૈસા આપી દઇશ તેમ કહી દેવામાં આવતું હોઇ અંતે તેના વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ નાની ફાટક પાસે રાજલક્ષ્મી સોસાયટી-૭માં રહેતાં અને ૮૦ ફુટ રોડ પર કાર્તિક પાર્ટી પ્‍લોટમાં મંડપ સર્વિસનું અને ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે ચામુંડા હોટેલ નજીક સિતારામ કેટરર્સ નામે કેટરીંગનું કામ કરતાં ચિરાગભાઇ કિશોરભાઇ લુણાગરીયા (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી જેતપુર બાવાવાળા પરામાં ધરતી પાન પાસે રહેતાં કલ્‍પેશ જગજીવનભાઇ રાંક વિરૂધ્‍ધ રૂા. ૫,૫૦,૦૦૦ની ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચિરાગભાઇ લુણાગરીયાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું. હું રાજકોટમાં ઇવેન્‍ટ મેનેજમેન્‍ટનું કામ પણ સંભાળતો હોઉ રાજકોટ જીલ્લા એસપીજી પ્રમુખ અશ્વીનભાઇ મોલીયા મારફત મારો સંપર્ક  જેતપુરના કલ્‍પેશ રાંક સાથે થયો હતો. જે તે સમયે કલ્‍પેશને એસપીજી ગ્રુપના સોૈરાષ્‍ટ્ર ઝોનના કાર્યકરોનું સંમેલન રાજકોટમાં કરવું હોઇ જેથી જુના યાર્ડ ખાતે આવેલ અશ્વીનભાઇ મોલીયાની ઓફિસ ખાતે અમારી મુલાકાત અને વાતચીત થઇ હતી. ત્‍યારે કલ્‍પેશે કુવાડવા રોડ ૮૦ ફુટ રોડ પર આવેલા કાર્તિક પ્‍લોટ ખાતે  સંમેલન કરવાની વાત કરી હતી. જેમાં પાર્ટી પ્‍લોટનું ભાડુ અને મંડપ સર્વિસ, ડેકોરેશન વગેરે મળી ૫ લાખનું એસ્‍ટીમેટ કાઢયું હતું.

બાદ તા. ૨૩/૧૧/૨૩ના રોજ એસપીજી ગ્રુપના આશરે ૫૦૦૦ માણસોનું સંમેલન કરવાની વાત કરી હતી અને કેટરીંગનું કામ પણ હું અને મારા મિત્ર જીતુભાઇ પરષોત્તમભાઇ રાબડીયાએ ભાગીદારીમાં સંભાળ્‍યું હતું. સિતારામ કેટરર્સ નામે અમને આ કામ અપાયું હતું. કલ્‍પેશના ઓર્ડર મુજ અમે ૨૩/૧૧ના રોજ ઇવેન્‍ટનું આયોજન પાર્ટી પ્‍લોટ ખાતે કરી આપવા વ્‍યવસ્‍થા ગોઠવી સગવડતા પુરી પાડી હતી. આ સંમેલનમાં ૩૦૦૦ માણસો આવ્‍યા હતાં.

અમારે આશરે ૬ લાખ રૂપિયા ઇવેન્‍ટ આયોજન જેમાં મંડપ સર્વિસ, પાર્ટી પ્‍લોટ સહિતનો ખર્ચ અને ૨,૫૦,૦૦૦ કેટરર્સના મળી કુલ ૮,૫૦,૦૦૦નો હિસાબ થયો હતો. આ રકમ કલ્‍પેશ રાંક પાસેથી લેવાની હતી. તેણે ૨૪/૧૧ના રોજ મને ૩ લાખ આપી દીધા હતાં. બાકીના ૫,૫૦,૦૦૦ દસ દિવસમાં આપશે તેમ કહ્યું હતું. જો કે ત્‍યારબાદ મેં અવાર-નવાર આ લેણી રકમની ઉઘરાણી કલ્‍પેશ રાંક પાસે કરતાં તેણે વાયદાઓ આપી મારે પેમેન્‍ટ આવવાનું છે, આપી દઇશ તેવી વાતો કરી હતી. મેં વિશ્વાસ રાખી રાહ જોઇ હતી પણ રૂપિયા તેણે આપ્‍યા નહોતાં. મારે બીજાને બીલ ચુકવવાના હોઇ મેં પર્સનલ લોન લઇને અને દાગીના ઉપર તેમજ ગાડી ઉપર લોન લઇ રકમો ચુકવી દીધી હતી. પરંતુ  કલ્‍પેશે મને વારંવાર ઉઘરાણી કરવા છતાં મારા રૂપિયા આપ્‍યા નહોતાં. ઉઘરાણી કરતાં કહેતો કે તમે ચિંતા ના કરો, હું તમને તમારા રૂપિયા વ્‍યાજ સહિત આપીશ!

જો કે આજ સુધી તેણે મારા રૂપિયા આપ્‍યા નથી. અંતે મેં સમાજના આગેવાનોને વાત કરી હતી, તેઓએ પણ કલ્‍પેશને સમજાવીને રૂપિયા આપી દેવા કહ્યું હતું. જો કે આમ છતાં કલ્‍પેશે હજુ પણ મને ૫,૫૦,૦૦૦ આપ્‍યા ન હોઇ અંતે મારે વિશ્વાસઘાતની ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં ચિરાગભાઇ લુણાગરીયાએ કહેતાં પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ જે. આર. સોલંકીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:52 PM IST)