તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
વોર્ડ નં.૪માં મહિલાઓ વિફર્યાઃ બે વર્ષથી દૂષિત પાણીથી ત્રાહિમામ
રાધેકૃષ્ણપાર્કના લત્તાવાસીઓ રોડ પર ઉતર્યાઃ ચૂંટણીમાં નવા જુનીન કરવાના મુડમાં

રાજકોટ તા.૨૭: વિસાવદર વિધાનસભા બેઠક જીતવામાં ભાજપ નિષ્ફળ રહ્યા બાદ હવે રાજ્યભરમાં સામાન્ય પ્રશ્રને પણ મતદારો વિસાવદરવાળી કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. વોર્ડ નં.૪માં રાધેકૃષ્ણપાર્ક વિસ્તારમાં બે વર્ષથી દૂષિત પાણીની સમસ્યા વેઠી રહેલા લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જો તાત્કાલિક અસરથી સમસ્યાનો નિવેડો નહિં આવે તો વોર્ડ નં.૪માં વિસાવદરવાળી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.૪માં આવેલા રાધેકૃષ્ણપાર્કમાં છેલ્લા બે વર્ષથી દૂષિત પાણીની સમસ્યા છે. આ અંગે લત્તાવાસીઓએ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતા સમસ્યાનો કોઇ નિવેડો આવ્યો નથી. ચોમાસાની સિઝનમાં પણ દૂષિત પાણી વિતરણ થતું હોવાની અને વિસ્તારમાં વરસાદી પાણી ભરાતું હોવાની સમસ્યાએ માથુ ઉંચકતા લત્તાવાસીઓ આજે રોડ પર ઉતરી આવ્યા હતા. તેઓએ મેયર નયનાબેન પેઢડિયા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ પોતાનો બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે જ્યારે મત માંગવા હોય ત્યારે નેતાઓ વોર્ડમાં આવે છે ત્યારબાદ ક્યારેય દેખાતા નથી. તહેવારના દિવસોમાં પણ અમે દૂષિત પાણી પીવા માટે મજબૂર છીએ. દૂષિત પાણીના કારણે ઘરે-ઘરે માંદગીના ખાટલા ખડકાયા છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતા નેતાઓ કે અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. આ વિસ્તાર મેયરના વોર્ડમાં આવે છે. હવે જો સમસ્યાનો ઉકેલ નહિં આવે તો કોર્પોરેશનની આગામી દિવસોમાં યોજાનારી ચુંટણીમાં વિસાવદરવાળી કરતા પણ અમે અચકાશું નહિં.
(3:45 PM IST)










