તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
સુધા ધામેલીયાની બે પુત્રવધૂને નાણાવટી ચોકમાં ત્રણ શખ્સોએ ગાળો દઇ ખૂનની ધમકી દીધી
અજયસિંહ, મનીયો અને હરીયાએ તારી સાસુ અને તારો પતિને કહેજે અમને ગાળો ન દે, અમારી સાથે સીધી રીતે રહે નહિતર મારી નાંખશુ કહી ડખ્ખો કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨૭: માદક પદાર્થની હેરાફેરીમાં મહિલા પેડલર તરીકે અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલી સુધા ધામેલીયાની પુત્રવધુને નાણાવટી ચોક હોકર્સ ઝોનમાં ત્રણ શખ્સોએ તારી સાસુ અને તારા પતિને સમજાવી દેજે કે અમારી સાથે સીધી રીતે રહે, અમને એ ગાળો કેમ આપે છે? કહી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર ૧૨ માળીયા ક્વાર્ટરમાં પાંચમા માળે એ-વીંગમાં રહેતાં નમ્રતાબેન હિતેષ સુનિલભાઇ ધામેલીયા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી અજયસિંહ દોલુભા ચુડાસમા, મનીયો પાંઉ અને હરીયો ડોડીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
નમ્રતાબેને જણાવ્યું છે કે હું પતિ સાથે રહુ છું અને મારે સંતાનમાં બે દિકરી છે.૨૪/૮ના રોજ હું મારી દેરાણી નિશીતાબેન સાથે અમારા ઘરેથી નાણાવટી ચોક હોકર્સ ઝોનમાં જમવાનું લેવા ગયા હતાં. જ્યાં દોલતસિંહ ચુડાસમા, મનીયો અને હરિયો અમને જોઇને અમારી પાસે આવ્યા હતાં અને કહેવા માંડયા હતાં કે તારી સાસુ સુધાબેન અને તારો પતિ હિેતષ અમને શું કામ ગાળો આપે છે, તેને સમજાવી દેજે કે અમારી સાથે સીધી રીતે રહે. આથી અમે તેને અમારી સાથે આવી રીતે વાતો ન કરવા અને ઝઘડો નહિ કરવા સમજાવતાં આ ત્રણેયએ ઉશ્કેરાઇ જઇ અમને બંને દેરાણી-જેઠાણીને વધુ ગાળો દીધી હતી અને હવેથી સીધી રીતે નહિ રહો તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં આ ત્રણેય ભાગી ગયા હતાં. તેમ વધુમાં નમ્રતાબેને ફરિયાદમાં કહેતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધ્યો છે. (૧૪.૮)
(2:23 PM IST)










