<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

પીડીયુ મેડિકલ કોલેજના તબિબી છાત્રને છરી ભોંકી દેવાની ધમકી દઇ રૂા. ૩૨૦૦ની લૂંટઃ ઓનલાઇન સ્‍કેનર પરથી આરોપી ઓળખાયો

જામનગર રોડ પર ડો. દીપ પાંડોરના ટુવ્‍હીલર પાછળ જાણી જોઇને શખ્‍સે પોતાનું વાહન અથડાવી ગાળો દઇ ખર્ચના રૂપિયાના નામે રોકડા પડાવ્‍યા

રાજકોટ તા. ૨૭: જાણી જોઇને વાહન ચાલક સાથે અકસ્‍માત સર્જી તમે મારા વાહનમાં નુકસાન પહોંચાડયું છે ખર્ચના પૈસા આપવા પડશે કહી એક શખ્‍સે જામનગર રોડ પર પીડીયુ મેડિકલ કોલેજના તબિબી છાત્રને ધમકી દઇ ખર્ચના પૈસા નહિ દે તો છરી ભોંકીને ફેફડા બહાર કાઢી નાંખીશ તેમ કહી રૂા. ૩૨૦૦ લૂંટી લીધા હતાં. તબિબે પોતાની પાસે રોકડા નથી તેમ કહી આ શખ્‍સનું નામ જાણવા માટે તેને ઓનલાઇન નાણા આપશે તેવુ કહી સ્‍કેનર મારફત રકમ મોકલતાં એક યુવતિના ખાતામાં આ નાણા ગયા હોઇ પોલીસે યુવતિની તપાસ કરતાં લૂંટ કરી જનારની ઓળખ મળી જતાં તેને શોધી કાઢવા તપાસ શરૂ થઇ છે.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે જામનગર રોડ મેડીકલ કોલેજ બોયઝ હોસ્‍ટેલમાં રહેતાં મુળ ગાંધીનગરના વાવોલ ગામે ચંદ્રલોક સોસાયટીમાં રહેતાં પીડીયુ મેડીકલ કોલેજમાં એમબીબીએસ ઇન્‍ટર્ન ડોક્‍ટર તરીકે અભ્‍યાસ કરતાં દીપ નરસિંહભાઇ પાંડોર (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી અજાણ્‍યા એક્‍ટીવા ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

દીપ પાંડોરે જણાવ્‍યું છે કે હું હાલ રૂડા બિલ્‍ડીંગ પાસે મેડીકલ બોયઝ હોસ્‍ટેલમાં રહુ છું. ૨૫મીએ સાંજે ચારેક વાગ્‍યે હું મારું એક્‍ટીવા જીજે૧૮ડીએલ-૫૫૭૧ હંકારી ડો. યાજ્ઞિક રોડ પર મારા કામ માટે ગયો હતો. ત્‍યાંથી પરત સિવિલ હોસ્‍પિટલે જવા નીકળ્‍યો ત્‍યારે જામનગર રોડ પર સિવિલ હોસ્‍પિટલના ગેઇટ પાસે પોણા પાંચેક વાગ્‍યે પહોંચતા પાછળથી એક ટુવ્‍હીલરના ચાલકે ાજણી જોઇને મારા વાહનમાં તેનું વાહન અથડાવી દીધુ હતું. આથી હું હોસ્‍પિટલના ગેઇટની અંદર જઇ ઉભો રહી ગયો હતો. આ વખતે એ શખ્‍સે તેનું એક્‍ટીવા મારા વાહનની આગળ ઉભુ રાખી દીધુ હતું અને મને ખરાબ ભાષામાં ધમકી આપી તું મને ઓળખે છે? કહેતાં મેં ના પાડતાં તેણે કહેલું કે મારી પાસે આ જે વાહન છે તે હું ભાડે લાવ્‍યો છું અને તેમાં નુકસાની થઇ છે, એ હવે કોણ ભરશે?

આમ કહી ઝઘડો કરી તેણે મારી પાસેથી નુકસાનીના રૂા. ૩૨૦૦ માંગ્‍યા હતાં. મારી પાસે રૂપિયા ખિસ્‍સામાં ન હોઇ મેં ના પાડતાં તેણે છરી કાઢી હતી અને ખર્ચના રૂપિયા આપી દે નહિતર પેટમાં મારીને ફેફડા બહાર કાઢી નાંખીશ કહી ધમકી આપતાં હું ડરી ગયો હતો. આથી મેં મારા મિત્ર, મારા મમ્‍મીને ફોન કરવા મોબાઇલ ફોન કાઢતાં તેણે મારો ફોન લઇ લીધો હતો અને કહેલુ કે તારે બધાને ફોન કરીને લાંબુ કરવું છે તો હું એકલો છું, મારા બે મિત્રોને બોલાવી લઉ. એ તને બહુ મારશે. આથી મેં કહેલુ કે મારે લાંબુ કરવું નથી પણ મારી પાસે રોકડા પૈસા નથી તેમ કહેતાં તેણે એટીએમમાંથી ઉપાડીને આપી દેવાનું કહેતાં જો હું એટીએમમાંથી પૈસા ઉપાડુ તો તેના નામ સરનામાની ખબર ન પડે આથી મેં હોંશીયારી વાપરી હતી અને તેના મોબાઇલ નંબર માંગી ઓનલાઇન નાણા આપી દઉ તેમ કહેતાં તેણે તેના ફોનમાંથી એક સ્‍કેનરનો ફોટો આપ્‍યો હતો.

જેમાં મેં  સ્‍કેન કરતાં તેમાં દ્રષ્‍ટી અશ્વીનભાઇ કોઠારીયા નામ આવ્‍યું હતું. આ પછી મેં તેમાં રૂા. ૩૨૦૦ ટ્રાન્‍સફર કરી દીધા હતાં. આ પછી એ શખ્‍સ જતો રહ્યો હતો. બાદમાં મેં મિત્ર ડો. અમન ચોૈધરીને મળી બનાવની વાત કરી હતી. આ પછી અમે પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી.  તેમ ડો. દીપ પાંડોરે કહેતાં પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં એએસઆઇ એસ. વી. જોરાએ ગુનો નોંધ્‍યો હતો. ડી. સ્‍ટાફે આરોપીની ઓળખ મેળવી લીધી હોઇ તેને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે. (૧૪.૮)

(3:58 PM IST)