News of Wednesday, 27th August 2025
રાજકોટ રહી બી.એ. ડાંગર કોલેજમાં હોમિયોપેથીકનો અભ્યાસ કરતાં રાજુલાના છાત્રનો ઇન્જેક્શન લઇ આપઘાત
પાસ થવા માટે કોલેજ સંચાલક તરફથી પૈસા મંગાયા હોવાનો આક્ષેપઃ સાધુ વાસવાણી રોડ પર મિત્રના ઘરે જઇ પગલુ ભર્યુઃ સારવારમાં દમ તોડતાં પરિવારમાં કલ્પાંતઃ અંતિમવિધી બાદ પોલીસ કાર્યવાહી કરશે

રાજકોટ તા. ૨૭: શહેરમાં ભક્તિનગર વિસતારમાં આવેલી આહિર બોર્ડિંગમાં રહેતાં અને જામગનર રોડ પરાપીપળીયામાં આવેલી બી. એ. ડાંગર કોલેજમાં હોમિયોપેથીકનો અભ્યાસ કરતાં મુળ રાજુલાના ધર્મેશ ધીરૂભાઇ કલસરીયા (ઉ.વ.૨૪) નામના યુવાને સાધુ વાસવાણી રોડ પર વચ્છરાજ હોમમાં મિત્રના ઘરે જઇ એટ્રાસીલ દવા ભરેલુ ઇન્જેક્શન શરીરમાં જાતે લઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતકના સ્વજનોએ કોલેજના સંચાલકના પુત્ર વિરૂધ્ધ આક્ષપ કરતાં પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પરિક્ષામાં નાપાસ થવાના ભયને કારણે ડિપ્રેશનમાં આવી જતાં પગલુ ભર્યાની શક્યતા છે.
જાણવા મળ્યા મુજબ ધર્મેશ કલરસીયાએ ૨૫મીએ બપોરે બે વાગ્યા આસપાસ સાધુ વાસવાણી રોડ પર વચ્છરાજ હોમમાં રહેતાં પોતાના મિત્ર વિવેક હડીયાના રૂમ પર જઇ તબિબી સારવારમાં ઉપયોગમાં લેવાતું એટ્રાસીલ નામનું પ્રવાહી ઇન્જેક્શનમાં ભરી પોતાને જ ઇન્જેક્શન આપી દેતાં હાલત ગંભીર જઇ જતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ ગઇકાલે સારવાર દરમિયાન દમ તોડી દેતાં યુનિવર્સિટી પોલીસને જાણ થતાં પીએસઆઇ સી. પી. રાઠોડ, જીતુભાઇ બાળા સહિતે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરનાર ધર્મેશ રાજુલાનો વતની હતો અને અહિ રાજકોટ બોર્ડિંગમાં રહી બી. એ. ડાંગર હોમિયોપેથીક કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેણે જે દવાનું ઇન્જેક્શન લીધુ હતું તે તબિબો દર્દીને બેહોશ કરવા માટે ઉપયોગમાં લેતાં હોય છે. બનાવની જાણ થતાં પરિવારજનો રાજુલાથી રાજકોટ પહોંચ્યા હતાં. સ્વજનોએ આક્ષેપો કરતાં કહ્યું હતું કે ધર્મેશને પહેલા વર્ષમાં એટીકેટી આવી હતી, જેથી તેને હાલમાં પરિક્ષા ફરીથી આપવાની હતી. આ માટે તેની પાસે કોલેજમાંથી લાંચ માંગવામાં આવતી હતી. આ કારણે ધર્મેશ તણાવમાં રહેતો હતો. પૈસા આપશે તો તેને પાસ કરી દેવાશે તેમ કહી પૈસા મંગાતા અમે પૈસા આપ્યા હતાં. પરંતુ રકમ ઓછી પડી હોઇ ધર્મેશ પરિક્ષા આપતો હતો ત્યારે સમય પહેલા પેપર લઇ લેવામાં આવતાં ત્રીસ ચાલીસ માર્કનું લખવાનું રહી ગયું હતું. આ કારણે તેને પોતે નાપાસ થશે એવું લાગતાં ડિપ્રેશનમાં આવી ગયો હતો.
તપાસનીશ પીએસઆઇ સી. પી. રાઠોડે જણાવ્યું હતું કે પરિવારજનો તરફથી આક્ષેપો થયા છે. અંતિમવિધી બાદ જો કોઇ ફરિયાદ આપવામાં આવશે તો આગળ કાર્યવાહી થશે. યુવાન દિકરાના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી હતી. (૧૪.૬)
(10:59 AM IST)










