News of Tuesday, 26th August 2025
બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે શહેર પોલીસે વિનામુલ્યે ૧૦૦૦ હેલ્મેટ વિતરણ કર્યા
આગામી ૮મીથી રાજકોટના ટુવ્હીલર ચાલકો ફરજીયાત હેલ્મેટ પહેરે તેના ભાગ રૂપે ઝુંબેશ

રાજકોટઃ ટુવ્હીલર વાહનચાલકોની સુરક્ષા અને સલામતિને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ તંત્ર દ્વારા રાજકોટ શહેરમાં આગામી ૮મી તારીખની ફરજીયાત હેલ્મેટનો અમલ શરૂ કરાવવામાં આવશે. આ અંતર્ગત ગઇકાલે રાજકોટ કોર્ટ ખાતે વકિલોને પોલીસ દ્વારા વિનામુલ્યે હેલ્મેટનું વિતરણ કરાયું હતું. દરમિયાન આજે બેડી માર્કેટ યાર્ડ ખાતે પણ વિનામુલ્યે હેલ્મેટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ટ્રાફિક એસીપી વી.જી. પટેલ, પીઆઇ એમ. જી. વસાવા સહિતના હાજર રહ્યા હતાં. બેડી યાર્ડના ચેરમને, ડિરેક્ટર, સેક્રેટરી તેમજ અન્ય કર્મચારીઓ પણ હાજર હતાં. પોલીસે યાર્ડ કર્મચારીઓ, મજૂરો, ખેડૂતો, વેપારીઓ, કમિશન એજન્ટોને ૧૦૦૦ જેટલા હેલ્મેટ વિનામુલ્યે આપ્યા હતાં. આગામી આઠમી તારીખથી રાજકોટના સમગ્ર ટુવ્હીલરના ચાલકો અને પાછળ બેસનારા હેલ્મેટનો ફરજીયાત ઉપયોગ કરે તેવો વધુ એક વખત પોલીસે અનુરોધ કર્યો હતો.
(2:28 PM IST)










