તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
આધુનિક ટેકનોલોજી ઉપયોગની નવી પહેલઃ આવાસ યોજનાની માહીતી ઘરબેઠા મળશે
આવાસ યોજનાના નવા ફોર્મ બહાર પડવા લગત માહિતી માટે નાગરિકો ઘરે બેઠા મહાનગરપાલિકાની વેબસાઈટ પર મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરી જાણકારી મેળવી શકશે

રાજકોટ, તા., ર૩: સરકારશ્રીની વિવિધ આવાસ યોજનાઓની અમલવારી કરી ઘરવિહોણા લોકોને આવાસ મળી રહે એ માટે રાજકોટ મહાનગરપાલિકા સતત કાર્યરત છે. આવાસ યોજનાના ફોર્મની નવી જાહેરાત કયારે આવશે, નવા ફોર્મની અરજી કયારે કરવાની રહેશે વગેરે બાબતો માટે નાગરિકો દ્વારા અવાર-નવાર રૂબરૂમાં આવી આવાસ યોજના શાખામાં પૂછપરછ કરવામાં આવે છે. આથી નાગરિકોનાં સમય અને સંસાધનો વેડફાય છે. નાગરિકોનાં સમય અને સંસાધનો રાજકોટ મહાનગરપાલિકા માટે ખૂબ જ મૂલ્યવાન છે. આથી નાગરિકોને ઘરબેઠા સમયસર આવાસ યોજનાના નવા ફોર્મ બહાર પડવાની જાણકારી મળી શકે એ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી મહાનગરપાલિકાએ એક પહેલ કરી છે. નાગરિકો મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર આવાસ યોજનાના નવા ફોર્મ બહાર પડવાની જાણકારી મળી શકે એ માટે ઘરબેઠા પોતાના મોબાઇલ દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકે છે. આવા રજીસ્ટ્રેશન કરેલ અરજદારોને આવાસ યોજનાના ફોર્મ બહાર પાડવામાં આવે એ પહેલાં SMS મારફતે ફોર્મ ભરવાની શરૂઆતની અને અંતિમ તારીખની જાણકારી આપવામાં આવશે. તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુક નાગરિકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર જઇ પોતાનો મોબાઇલ નંબર અને કેપ્ચર કોડ નાખી, જે OTP આવે એના મારફત લોગ-ઇન કરવાનું રહેશે. ત્યારબાદ અરજદારે પોતાનું નામ અને આધાર કાર્ડ નંબર લખી, આવાસ યોજનાની કેટેગરી (EWS/LIG/MIG) સિલેક્ટ કરવાની રહેશે. જો અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક-મર્યાદા રૂપિયા ૦૩ લાખ સુધીની હોય તો એમણે EWS 01 & 02 કેટેગરી (01 & 1.5 BHK) સિલેક્ટ કરવી. જો અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક-મર્યાદા રૂપિયા ૦૩ લાખથી રૂપિયા ૦૬ લાખ સુધીની હોય તો એમણે ‘LIG કેટેગરી (02 BHK)' સિલેક્ટ કરવી. જો અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક-મર્યાદા રૂપિયા ૦૬ લાખથી રૂપિયા ૭.૫ લાખ હોય તો એમણે MIG કેટેગરી (03 BHK)' સિલેક્ટ કરવી. એક મોબાઇલ નંબર ઉપર આવાસ યોજનાની ત્રણમાંથી માત્ર એક જ કેટેગરી સિલેક્ટ થઇ શકશે.
જ્યારે અરજદારનું આવાસ લાગી જાય અથવા એમને આવાસની જરૂરત ના રહે ત્યારે તેઓ ફરીથી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર જઇ એ જ મોબાઇલ નંબર ઉપર OTP મેળવી ડી-રજિસ્ટર કરી શકે છે. ડી-રજિસ્ટર કરેલ અરજદારને આવાસ યોજનાના નવા ફોર્મ બહાર પડવાની જાણકારીવાળા SMS નહિ મોકલવામાં આવે.
જો અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા બદલાય તો એમણે ડી-રજિસ્ટર કરી આવાસ યોજનાની નવી કેટેગરી (EWS/LIG/MIG) સિલેક્ટ કરી ફરીથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ સુવિધા ભારત દેશનાં તમામ નાગરિકો માટે નિઃશુલ્ક રહેશે.
આમ, નાગરિકોને ઘરબેઠા સમયસર આવાસ યોજનાના નવા ફોર્મ બહાર પડવાની જાણકારી મળે તો અરજદાર સમયસર આવાસ યોજનાનું ફોર્મ ભરી પોતાના ઘરનું સપનું સાકાર કરી શકે છે
(3:50 PM IST)










