તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
નાની વયે વધતુ જતુ વ્યસનનું પ્રમાણ અત્યંત ચિંતાજનકઃ ડો.ખ્યાતી વસાવડા
કેન્સરને જળમુળથી નાશ કરવા કેન્સરની સંપુર્ણ સારવાર લેવી ખુબ જ આવશ્યક

રાજકોટ, તા.૨૩: આજના આધુનિક સમયમાં સીગારેટ, તમાકુ, ગુટખાના વ્યસનનું પ્રમાણ સ્કુલ, કોલેજ જતા વિદ્યાર્થીઓમાં વધતું જાય છે. આ કારણે પહેલાના સમય કર્તા અત્યારે કેન્સરનું પ્રમાણ નાની વયમાં વધતુ જોવા મળે છે. જેમાં ખાસ કરીને મોઢા તથા ગળાના કેન્સર દિવસે ને દિવસે વધતા જાય છે. આ વ્યસનના દુષણને નાથવા સમાજમાં જાગળતિ લાવી અત્યંત જરૂરી છે. તાજેતરમાં એક ૩૨ વર્ષીય દર્દી તેમના બન્ને ગાલના અંદરના ભાગમાં ન રૂજાતા ચાંદાની ફરીયાદ સાથે રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ) ખાતે સારવાર માટે આવેલ હતા. જેમાં દર્દીના ગાલના અંદરના ભાગમાં જમણી બાજુ નાનું ચાંદુ અને ડાબી બાજુ ગાલની અંદર અને બહારના ભાગમાં મોટું ચાંદુ હતુ. લાંબા સમયના વ્યશનના કારણે દર્દીનું મોત છેલ્લા ૫ વર્ષથી ફક્ત એક આંગળી જેટલું જ ખુલતુ હતુ. દર્દીના કેન્સરની સ્થિતી જોતા તેમને સર્જરી, પ્લાસ્ટીક સર્જરી અને કેન્સરને લગતી સંપુર્ણ સારવાર આપવાની ફરજ પડી હતી. આ દર્દીની સારવાર રાજકોટ કેન્સર સોસાયટીના મેડીકલ ડાયરેક્ટર અને મોઢા તથા ગળાના કેન્સરના નિષ્ણાંત ડો. ખ્યાતી વસાવડાની ટીમ જેમાં પ્લાસ્ટીક સર્જન ડો. ધવલ ભારૈયા તથા આસીસ્ટન્ટ કેન્સર સર્જન ડો. ભાવિન માધાણીની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવી. ડો.ખ્યાતી વસાવડા એ વિસ્તળતમાં જણાવેલ હતુ કે આ પ્રકારના કેન્સરના કેસમાં સર્જરી અને પ્લાસ્ટીક સર્જરી ખુબ જ જટીલ હોય છે. દર્દીની ઉમર અને બીમારીને ધ્યાને રાખીને કેન્સરગ્રસ્ત ભાગને દુર કરવાની ફરજ પડી હતી.
આ દર્દીની સારવાર શરૂ કરતાં પહેલા રેડીયોલોજીસ્ટ દ્વારા સીટી સ્કેન કરી દર્દીના રોગની સંપુર્ણ સ્થિતી જાણવામાં આવી જેથી સારવાર દરમ્યાન ઉદભવતી ગુંચવણો,સંભાવના વગેરે ધારણાઓ કરી શકાય છે. આ ઉપરાંત પેથોલોજી વિભાગ દ્વારા દર્દીના બન્ને ગાલના કેન્સરગ્રસ્ત ભાગનો હિસ્સો લઈ તેની ઉડાણ પુર્વક તપાસ કરવામાં આવી જેમાં કેન્સરના કોષોની હાજરી અને કેન્સરનું સ્ટેજ માલુમ થાય છે. ત્યારબાદ દર્દીની સર્જરી કરવામાં આવી જેમાં શરીરના ભાગનું કાર્ય સામાન્ય રહે અને દેખાવ પણ પુનઃસ્થાપિત થઈ શકે તેવી પધ્ધતીથી સારવાર આપવામાં આવી. આ દર્દીના ગાલના ડાબા ભાગમાં તેમના શરીરના પગના થાપાના ભાગમાંથી ચામડી લઈ પુનઃસ્થાપીત કરવામાં આવી જયારે ગાલના જમણા ભાગને પુનઃનિમાર્ણ કરવામાં આવેલ હતો.આ ઓપરેશન બાદ દર્દીને આઈ.સી.યુમાં દેખરેખ હેઠળ રાખવામાં આવેલ હતા. આ દર્દીના સફળ ઓપરેશન બાદ રેડીયેશન અને મેડીકલ ઓન્કોલોજીસ્ટ દ્વારા સહાયક સારવાર આપવામાં આવેલ હતી જે કેન્સરને ફરી આવતા અટકાવે છે, અને પ્રાથમીક સારવાર બાદ બાકી રહી ગયેલા કેન્સરના કોષોને નાબુદ કરે છે. આ પ્રકારના દર્દીની એકછત્ર હેઠળ કેન્સરની સંપુર્ણ સારવાર ખુબ જ ઉપયોગી રહે છે. જેમાં દર્દીની ચોકકસ સ્થિતી, કેન્સરનો પ્રકાર, કેન્સરનું સ્ટેજ, એકંદર આરોગ્યને ધ્યાને લઈને સારવારનું આયોજન થાય છે. જેથી શ્રેષ્ઠ પરિણામ મળે, કેન્સરના ફેલાવાનું નિયંત્રણ અને દર્દીના જીવનની ગુણવત્તામાં સુધારો થાય છે.
આ સંપુર્ણ સારવારમાં સર્જીકલ ઓન્કોલોજીસ્ટ, રેડીયોલોજીસ્ટ, પેથોલોજીસ્ટ, રેડીયેશન અને મેડીકલ ઓન્કોલોજીસ્ટની ટીમ દ્વારા સંયુક્ત આયોજનથી સારવાર આપવામાં આવેલ હતી. આ પ્રકારની માળખાગત સારવારથી જ કેન્સરનું સચોટ નિદાન અને સારવાર શકાય છે. કેન્સર માટેની સંપુર્ણ માળખાગત સારવાર અને નિષ્ણાંત તબીબોની ટીમ રાજકોટ કેન્સર સોસાયટી ખાતે એકછત્ર હેઠળ ઉપલબ્ધ છે. ચાલો સાથે મળીને કેન્સર સામેની લડાઈમાં વહેલું નિદાન કરીને તેનો ઉગ્રતાથી સામનો કરીને તેને હરાવીએ.
(2:26 PM IST)










