તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
શંકાસ્પદ NFSA કાર્ડ ધારકોને નોટીસ આપવાની કામગીરી દુકાનદારો ઉપર નખાઇ તે ‘‘ઘાતક'' પુરવાર થશે : કાયદાકીય ગૂચ ઉભી થશે
આ અન્યાય ભરી બાબત છે : દુકાનદારોનો આમાં કોઇ રોલ નથીઃ આ કામગીરી કર્મચારીઓ અધીકારીઓ મારફત કરાવો

રાજકોટ, તા. રર : ગુજરાત ફેરપ્રાઇઝ એસો.ના મહામંત્રીશ્રી હિતુભા જાડેજાએ એક યાદીમાં ઉમેર્યુ કે, સસ્પેક્ટેડ ડેટા અનુસાર એનએફએસએ રેશનકાર્ડ ધારકોને નોટિસની બજવણી કરીને આવા રાશનકાર્ડને એનએફએસએની (રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા)કેટેગરી માંથી બાકાત કરવા માટે જે કામગીરી કરવામા આવી રહી છે એ કામગીરી જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા વ્યાજબી ભાવના દુકાનદારોના શીરે નાખવામાં આવી છે જે દુકાનદાર ભાઈઓને માટે ધાતક પુરવાર થઈ શકે એમ છે આ પ્રકારની કામગીરી કરવાથી જે એનએફએસએ રેશનકાર્ડ ધારક છે કે જેમનુ રેશનકાર્ડ એનએફએસએની કેટેગરી માથી રદ્દ કરવામાં આવનાર છે તેવા રાશનકાર્ડ ધારકોને દુકાનદાર દ્વારા નોટિસ પાઠવવામાં આવે તો દુકાનદાર ભાઈઓએ રેશનકાર્ડ ધારકના રોષનો ભોગ બનવુ પડી શકે છે અને આ પ્રક્રીયામાં કોઈ કાયદાકીય ગુચ ઉત્પન્ન થાય તો દુકાનદારને પક્ષકાર બનાવીને પરેશાનીમા મુકવામાં આવી શકે છે.
હાલમાં જ્યારે ગુજરાત રાજ્યમા લગભગ ૫૫ લાખ જેટલા લોકો એનએફએસએ રેશનકાર્ડ ધારકો શંકાના દાયરામાં છે એટલે કે આ પ્રાકારના રેશનકાર્ડ ધારકો પાત્રતા ધરાવતા ન હોવા છતા મફત અને રાહતદરે ઘંઉ ચોખા બાજરી ખાંડ નમક અને વખતોવખત તેલ દાળ ચણા જેવી જન્સીઓ મેળવે છે જેનાથી સરકારની સબસીડીની રકમ ગેરવલ્લે જાય છે અને સાચો અને જરૂરિયાતમંદ લાભાર્થી કેન્દ્ર તથા રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓથી વંચિત રહી જાય છે.
સંકાશીલ દાયરામાં રહેલા એનએફએસએ રેશનકાર્ડ ધારકોનુ લીસ્ટ કેન્દ્ર સરકાર દ્રારા રાજ્ય સરકારને આપવામાં આવ્યુ છે રાજ્ય સરકારે આ બાબતે કામગીરી પણ શરૂ કરી દીધી છે પરંતુ સરકારના અધિકારીઓ દ્વારા અમુક જિલ્લાઓમાં આ પ્રકારની કામગીરી રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદારોના શિરે મૂકવામાં આવી છે તે ખૂબ જ અન્યાય ભરી સ્થિતિ છે આ સમગ્ર પ્રક્રિયામાં વાજબી ભાવના દુકાનદારનો કોઈ રોલ ન હોવા છતાં પણ દુકાનદારોએ ગ્રાહક સાથે ઘર્ષણમાં ઉતરવું પડે એવો ઘટનાક્રમ સર્જાવાની ભીતિ છે જેથી વ્યાજબી ભાવના દુકાનદારોમાં અસમંજની લાગણી પેદા થઈ છે ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા આ પ્રકારની કામગીરી વ્યાજબી ભાવના દુકાનદારો પાસે ન કરવામાં આવે અને સરકારના કર્મચારીઓ કે અધિકારીઓ દ્વારા આ કામગીરી કરાવવામાં આવે એવી માંગણી એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.
(2:56 PM IST)










