તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
અગિ્નકાંડ હત્યા કેસઃ ત્રણ ડોકટરો જુબાની માટે હાજર થયાં પરંતુ આરોપીએ મુદત માંગતા સુનાવણી અટકી પડી!
આગામી ૪ સપ્ટેમ્બરે જુબાની લેવાશેઃ ત્રણેય ડોકટરોને ફરી હાજર રહેવા સમન્સ

રાજકોટ, તા. રરઃ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતી ગોઝારી અગ્નિકાંડ દુર્ઘટનાના કેસમાં જુબાની આપવા હાજર થયેલા ત્રણ તબીબોની જુબાની લેવાય તે પહેલા જ કેસના એક આરોપીએ કોર્ટમા મુદત અરજી આપતા અદાલતે આ કેસની વધુ સુનાવણી આગામી તારીખ ૪ સપ્ટેમ્બર ઉપર મુલતવી રાખી છે. આ અંગે વધુ વિગત મુજબ રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં ગત તા.૨૫/૫/૨૦૨૪ની સાંજે આગ લાગતા ૨૭ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે અંગે પોલીસ ફરિયાદી બની તાલુકા પોલીસ મથકમાં આઇપીસી ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૩૬, ૪૬, ૪૬૬, ૪૭૧, ૪૭૪, ૨૦૧, ૧૨૦બી, ૧૧૪ મુજબ ટીઆરપી ગેમઝોનના સંચાલકો , ભાગીદારો ખેડૂત, ગેમઝોન મેનેજર, મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર, આસિસ્ટન્ટ ટીપીઓ ફાયર સ્ટેશન ઓફિસર, એન્જીનીયર સહિત૧૬ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અગ્નિકાંડની ઘટનામાં પ્રકાશચંદ હીરનનું મોત થયું હતું. જેથી ૧૫ આરોપીની ધરપકડ કરી તમામ આરોપી સામેની તપાસ પૂરી થતાં કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું બાદમાં આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોય સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવતા કોર્ટમાં કેસ શરૂ થયો હતો. આજે મળતકોનું પીએમ કરવાની કાર્યવાહી કરનાર ત્રણ તબીબી સાહેદોના સમન્સના આધારે જુબાની આપવા માટે કોર્ટ સમક્ષ હાજર થયા હતા પરંતુ આરોપી પૈકીના એક આરોપી જયદીપ ચૌધરીએ કોર્ટમાં મુદત રિપોર્ટ આપતા અદાલતે આરોપીની મુદત અરજી મંજૂર કરતા વધુ સુનાવણી આગામી તારીખ ૪ સપ્ટેમ્બર ઉપર મુલતવી રાખી છે. આ કેસમાં સરકાર પક્ષે સ્પેશિયલ પીપી તુષાર એમ ગોકાણી ટ્રેડિશનલ સ્પેશિયલ પીપી નિતેશ કથીરિયા પીડિત વતી એડવોકેટ સુરેશ ફળદુ અને એના જાડેજા રોકાયા હતા
(4:05 PM IST)










