તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
૮મીએ હેલ્મેટ અંગેનો એકપણ કેસ કરવાની તક ન મળે તેવો સહકાર રાજકોટવાસીઓ આપશેઃ ડીસીપી પૂજા યાદવને આશા
હેલ્મેટ સીધું લોકોની જિંદગી સાથે કનેક્ટ છેઃ ભારતભરમાં અમલમાં રહેલા આ કાયદાને શહેરીજનો અપનાવી લે તેવો અનુરોધ પોલીસે કર્યો : પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ટીઆરબી જવાન, એનજીઓ ટીમો, પ્રજાજનો મળી ૮૦૦ લોકો જોડાયાઃ મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, સજ્જનસિંહ પરમાર, ડીસીપી રાકેશ દેસાઇ, ડીસીપી પૂજા યાદવે ‘મેગા હેલ્મેટ રેલી'ને લીલી ઝંડી આપી : નસીબ બચાવે કોઇક વાર, સુરક્ષા બચાવે વારંવાર ઞ્જજે કુટુંબની કરે છે દરકાર, તે નથી માનતા હેલ્મેટને ભાર : બેનરો સાથે પોલીસ કર્મચારીઓ રેલીમાં જોડાયા

પોલીસ હેડક્વાર્ટર ખાતેની મેગા હેલ્મેટ રેલીનો આરંભ થયો હતો. આ રેલીને મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સહિતે લીલી ઝંડી આપી હતી તે તસ્વીરોમાં જોઇ શકાય છે. અન્ય તસ્વીરોમાં રેલીના દ્રશ્યો નજરે પડે છે (ફોટોઃ અભીજીત બગથરીયા) (૧૪.૯)
રાજકોટ તા. ૨૨: શહેરમાં ટુવ્હીલર વાહન ચલાવતાં ચાલકો અને પાછળ બેસનારા માટે આગામી ૮મી સપ્ટેમ્બરથી ફરજીયાત હેલ્મેટનો અમલ શરૂ થવાનો છે. હેલ્મેટ નહિ પહેરનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે. આ માટે ખાસ ડ્રાઇવ યોજવામાં આવશે. એ પહેલા આજે સવારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મેગા હેલ્મેટ રેલી યોજવામાં આવી હતી. જેમાં પોલીસ અધિકારીઓ, ટ્રાફિક બ્રિગેડ, એનજીઓ ટીમો તેમજ શહેરીજનો મળી ૮૦૦ જેટલા લોકો સામેલ થયા હતાં. રેસકોર્ષ રીંગ રોડ સહિતના રૂટ પર ફરેલી આ રેલીમાં તમામ ટુવ્હીલરચાલકો હેલ્મેટ પહેરીને સામેલ થયા હતાં. ડીસીપી પૂજા યાદવે આ તકે જણાવ્યું હતું કે લોકોની સુરક્ષા માટે હેલ્મેટનો કાયદો ભારતભરમાં અમલમાં છે તેનો રાજકોટવાસીઓ પણ જીવનની સુરક્ષા માટે અમલ કરે તે જરૂરી છે. અમને વિશ્વાસ છે કે હેલ્મેટનો એકપણ દંડ કરવાની તક રાજકોટવાસીઓ આપશે નહિ.
આગામી ૮મી સપ્ટેમ્બરથી રાજકોટમાં ફરજીયાત હેલ્મેટના કાયદાનો અમલ કરવાવા વિશે અગાઉ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે અગાઉ જણાવ્યું હતું કે હેલ્મેટના કાયદાને સમગ્ર રાજકોટવાસીઓ સ્વીકારી લે અને પોતાની તથા પાછળ બેસનારાની જિંદગીની સલામતી માટે ફરજીયાત હેલ્મેટના કાયદાનું પાલન કરે તે જરૂરી છે. શહેરી વિસ્તારમાં ટુવ્હીલર વાહનચાલકો દ્વારા હેલ્મેટ નહિ પહેરવાને કારણે અવાર-નવાર જીવલેણ વાહન અકસ્માત સર્જાતા રહે છે. વર્ષ ૨૦૨૫માં ટુવ્હીલર વાહન ચલાવતા સમયે હેલ્મેટ નહિ પહેરવાને કારણે ૨૦ ફેટલ અકસ્માત એટલે કે જીવલેણ અકસ્માત સર્જાયા છે. તેમજ અન્ય ૯ ગંભીર અઅકસ્માતમાં ૧૦ લોકોને ઇજાઓ થઇ હતી.
ડીસીપીએ વધુમાં જણાવ્યું છે કે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા. જેસીપી મહેન્દ્ર્ બગડીયા દ્વારા શહેરી વિસ્તારના તમામ નાગરિકોની માર્ગ સલામતી અંગેની સુરક્ષા સુનિヘીત કરવા સુચના અપાઇ હોઇ આ માટે શહેર ટ્રાફિક શાખા દ્વારા તમામ ટુવ્હીલર વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે આગામી ૮ સપ્ટેમ્બરથી શહેરી વિસ્તારમાં તમામ ટુવ્હીલરચાલકોને હેલ્મેટ પહેરીને જ નીકળે. આજે યોજાયેલી મેગા હેલ્મેટ રેલીનો પોલીસ હેડક્વાર્ટરથી લીલી ઝંડી આપી આરંભ કરાવાયો હતો. આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી ટ્રાફિક ચીરાગ પટેલ, એસીપી હેડક્વાર્ટર એમ.આઇ. પઠાણ ઉપસ્થિત રહ્યા હતાં.
ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે જણાવ્યું હતું કે જીવલેણ અકસ્માત અટકે એ માટે ટુવ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટ ખુબ જ જરૂરીગણાય છે. ભારતભરમાં હેલ્મેટના કાયદાનો ફરજીયાતપણે લોકો અમલ કરી રહ્યા છે. રાજકોટ દરેક ક્ષેત્રમાં આગળ છે અને નિયમોનું પાલન કરવામાં પણ રાજકોટવાસીઓ આગળ રહે છે. હેલ્મેટ એ સીધુ જ વાહનચાલકોની જિંદગી સાથે કનેક્ટ થાય છે. અમને વિશ્વાસ છે કે ફરજીયાત હેલ્મેટના કાયદાને પણ રાજકોટવાસીઓ અપનાવી લેશે તેવો અમને વિશ્વાસ છે. ૮મી સપ્ટેમ્બરથી રાજકોટમાં ફરજીયાત હેલ્મેટનો અમલ શરૂ થશે ત્યારે અમને વિશ્વાસ છે કે ટ્રાફિક પોલીસને હેલ્મેટના કાયદાનો ભંગ કરવા બદલ એકપણ કેસ કરવાની તક રાજકોટવાસીઓ આપશે નહિ.
આજની મેગા હેલ્મેટ રેલીમાં ૬૦૦ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ટીઆરબી જવાનો, તેમજ એનજીઓની ટીમો અને શહેરીજનો મળી ૮૦૦ લોકો હેલ્મેટ સાથે સામેલ થયા હતાં. આ મેગા હેલ્મેટ રેલી પોલીસ હેડક્વાર્ટરથી નીકળી હતી જે એનસીસી ચોક, કિસાનપરા ચોક, કોટેચા ચોક, યુનિવર્સિટી રોડ, ઇન્દિરા સર્કલ, રૈયા ચોકડી, હનુમાન મઢી, આમ્રપાલી અન્ડર બ્રીજ, કિસાનપરા, જીલ્લા પંચાયત-અકિલા ચોક, બહુમાળી ભવન થઇ પરત હેડક્વાર્ટર પહોચી હતી. (૧૪.૧૦)
શહેરી વિસ્તારમાં હેલ્મેટની જરૂર નથી...એ મુદ્દે વિરોધ થવાની પુરી શક્યતા
ઞ્જ રાજકોટ શહેરમાં વર્ષોથી હેલ્મેટના કાયદા મામલે વાહનચાલકો અને આ નિયમનું પાલન કરાવતી ટ્રાફિક પોલીસ વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. જ્યારે જ્યારે પોલીસે આ કાયદાને ફરજીયાત બનાવવા પ્રયાસ કર્યો છે ત્યારે ત્યારે આ કાયદાને કાળો કાયદો ગણીને તેનો વિરોધ અલગ અલગ આગેવાનો, સંસ્થાઓ, વિરોધ પક્ષો અને બીજા નાગરીકો દ્વારા થયો છે. આ વખતે પણ આગામી૮મી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજીયાત થવાનું છે તેનો વિરોધ કરવા તૈયારીઓ થઇ ચુકી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ આ મામલે રાજકીય આગેવાનો મિડીયામાં નિવેદનો પણ આપી ચુક્યા છે. ત્યારે હવે આગામી આઠમીએ હેલ્મેટના કાયદાનો કડક અમલ કરાવવા પોલીસ શું કરે છે અને આ કાયદાનો વિરોધ કરવા વિરોધીઓ શું કરશે તે તરફ સોૈની નજર રહેશે. વિરોધ કરનારાઓ હરવખતે એ મુદ્દો આગળ ધરે છે કે શહેરી વિસ્તારમાં હેલ્મેટ જરૂરી નથી, હાઇવે પર હેલ્મેટ ફરજીયાત રાખો. આ મુદ્દે હવે વિરોધીઓ કેવુ જોમ બતાવશે તે જોવું રહ્યું. જો કે પોલીસ આ વખતે ટુવ્હીલરચાલકો ફરજીયાત હેલ્મેટના કાયદાનું કડક પાલન કરતાં થાય તે માટે મક્કમ હોવાનું પણ જણાઇ રહ્યું છે. (૧૪.૧૦)
(2:32 PM IST)










