<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

કડક અધિકારીની નામના ધરાવતા આઇપીએસ વિજયસિંહ ગુર્જરે રાજકોટ જીલ્લા પોલીસ વડાનો ચાર્જ સંભાળ્‍યો

રાજસ્‍થાનના વતની અને ર૦૧૮ની બેચના આઇપીએસ વિજયસિંહે એએસપી તરીકે ભાવનગર, જાલોદ અને ડીસીપી તરીકે સુરત ઝોન-૪ માં પ્રશંસનીય ફરજ બજાવી'તી

રાજકોટ, તા., ૨૧ : તાજેતરમાં રાજય સરકાર દ્વારા રાજયના ૧૦પ આઇપીએસ ઓફીસરોની કરાયેલ સામુહીક બદલીઓમાં   સુરત- ઝોન-૪ ના ડીસીપી અને કડક અધિકારીની નામના ધરાવતા આઇપીએસ અધિકારી વિજયસિંહ ગુર્જરની રાજકોટ જીલ્લાના પોલીસ વડા તરીકે નિયુકતી થતા તેઓએ આજે બપોરે  વિધિવત ચાર્જ સંભાળ્‍યો હતો.

રાજકોટ જીલ્લાના ૩પ માં પોલીસ વડા તરીકે નિમાયેલ આઇપીએસ વિજયસિંહ ગુર્જર મૂળ રાજસ્‍થાનના વતની છે. ર૦૧૮ માં પોલીસ ખાતામાં એએસપી તરીકે પસંદગી પામ્‍યા બાદ પ્રોબેશ્નલ એએસપી તરીકે ભાવનગર અને જાલોદ એએસપી તરીકે નિમણુંક થઇ હતી. ત્‍યાર બાદ ડીસીપીનું પ્રમોશન મળતા સુરત ઝોન-૪ માં ડેપ્‍યુટી કમિશ્રર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવી હતી. સુરત ઝોન-૪ થી રાજકોટ જીલ્લા પોલીસ વડા તરીકે નિયુકતી થતા આજે તેઓએ ચાર્જ સંભાળી લીધો હતો.

રાજકોટ જીલ્લા પોલીસ વડા તરીકે નિમાયેલ આઇપીએસ વિજયસિંહ ગુર્જર ગુન્‍હેગારો સામે કડક કાર્યવાહી માટે અને પોલીસ કર્મચારીઓ માટે શિસ્‍તના આગ્રહી માટે જાણીતા છે. તેઓએ સુરત, જાલોદ તથા ભાવનગરમાં ફરજ દરમિયાન ગુન્‍હેગારો ખો ભુલી જાય તેવી કડક કાર્યવાહી કરી હતી.

જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર  એસપી કચેરીએ ચાર્જ સંભાળ્‍યો ત્‍યારે રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ વી.વી.ઓડેદરા, તથા રૂરલ એસઓજીના પીઆઇ એફ.એમ.પારગી સહિતના અધિકારીઓએ સ્‍વાગત કર્યુ હતું.

(3:36 PM IST)