News of Tuesday, 19th August 2025
લોકમેળામાંથી ૩૦૦ કિલો બરફ સહિત ૭૪૭ કિલો અખાદ્ય ચીજોનો નાશ
મેળાના વિવિધ સ્ટોલ-ફેરીયા પાસેની વાસી બાફેલા બટેટા, ચટણી, કાપેલા શાકભાજી, મકાઇનો લોટ, પાણીપુરીનું પાણી સહિત અખાદ્ય ખોરાક ઝડપાયો : શહેરના હનુમાન મઢીથી રૈયા ચોકડી સુધીના ર૦ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ : ૪ ને લાઇસન્સ અંગે સુચના

રાજકોટ, તા., ૧૯: સાતમ-આઠમના તહેવાર નિમિતે રાજકોટમાં યોજાતો સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોના સ્ટોલમાં ચેકીંગ કરવામાં આવતા ૩૦૦ કિલો બરફ સહિત મીઠા મસાલા પાન, ફ્રુટ ડીસ તથા ઢોકળા, સમોસા, લીંબુ સહિત કુલ ૭૪૭ કિલો અખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો. જયારે ૪૭ ધંધાર્થીઓને લાઇસન્સ આપવામાં આવ્યા હતા.
હનુમાન મઢીથી રૈયા રોડ પર ના આ ઉપરાંત પાણી પુરીના ધંધાર્થીને ત્યાં ચેકીંગ કરી અને લાઇસન્સની સુચના આપવામાં આવી હતી.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફૂડ શાખા દ્વારા કરાવમાં આવેલ કામગીરી આ મુજબ છે.
શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટમાં યોજવામાં આવેલ શૌર્યનું સિંદુર લોકમેળા- ૨૦૨૫માં રાજકોટ મહાનગરપાલિકા- આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતાના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી ઓફિસરોની અલગ-અલગ ટીમ દ્વારા તા.૧૪થી તા.૧૮ ઓગસ્ટ સુધી ખાદ્યચીજોનું વેચાણ કરતાં વિક્રેતાઓને તથા ફેરિયાઓનું સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવેલ. તેમજ સ્થળ પર ફૂડ સેફટી ઓન વ્હીલ્સ વાન ના સ્ટાફ દ્વારા અવેરનેશ તથા ચકાસણી હાથ ધરવામાં આવેલ. જે અંગે કુલ ૪૯ ધંધાર્થિઓને ટેમ્પ. લાઇસન્સ આપવામાં આવેલ તથા દરેક સ્ટોલ અને ફેરિયાઓ દ્વારા વેચાણ થતી પેક્ડ/ લુઝ તથા પ્રિપેર્ડ ખાદ્યચીજોની તપાસ કરવામાં આવેલ, સ્ટોલ તથા ખાદ્યચીજોના સ્ટોરેજની હાઇજેનિક કન્ડિશન તપાસવામાં કરવામાં આવેલ. જે દરમિયાન ખાદ્યચીજોને ફ્રાય કરવા માટે વપરાશમાં લેવાતું ખાદ્યતેલ પેક્ડ ખાદ્યચીજોની એક્સપાયરી/ઉત્પાદન તારીખ ચકાસવામાં આવેલ.
૭૪૭ કિલો અખાદ્ય
ચીજોનો નાશ
ચકાસણી દરમિયાન ખાદ્યચીજોના સ્ટોલ અને ફેરિયાઓ દ્વારા વેંચાણ થતા બિન આરોગ્યપ્રદ રીતે ધૂળમાં જમીન પર રાખેલ બરફ ૩૦૦ કિ.ગ્રા., વપરાશમાં લેવાતું દાઝીયુ ખાદ્યતેલ ૭૦ કિ.ગ્રા., વાસી સડેલા બટેટા ૪૪ કિ.ગ્રા., વાસી બાફેલા બટેટા ૫૭ કિ.ગ્રા., મસાલાવાળા બટેટા ૧૩ કિ.ગ્રા., પડતર મરચું પાવડર તથા એકપાયરી થયેલ ચાટ મસાલો ૦૯ કિ.ગ્રા., તીખી ચટણી ૧૪ કિ.ગ્રા., મીઠી ચટણી ૫૨ કિ.ગ્રા., કોટિંગ લિક્વિડ ૧૦ કિ.ગ્રા., વાસી ટોપરાનો મસાલો ૦૫ કિ.ગ્રા., વાસી ઘુઘરા ૦૮ કિ.ગ્રા., વાસી બ્રેડ પકોડા ૩૭ કિ.ગ્રા., વાસી ખાટિયા ઢોકળા ૦૮ કિ.ગ્રા., વાસી સડેલા -કાપેલા શાકભાજી ૧૫ કિ.ગ્રા., વાસી ફ્રુટ ૪૭ કિ.ગ્રા., ફરાળી ચીપ્સ માટે વપરાતો મકાઇનો લોટ ૩૪ કિ.ગ્રા. ફરાળી ચટણી ૧૫ કિ.ગ્રા., પાણિપુરીનું પાણી ૦૮ લિટર, વાસી મીઠો પાન મસાલો ૦૧ કિ.ગ્રા. મળીને અંદાજીત કુલ ૭૪૭ કિ.ગ્રા. વાસી અખાધ્ય તથા એકપયાયરી થયેલ મળી આવેલ ખાદ્યાચીજોના લોકમેળામાં સ્થળ પર નાશ કરવામાં આવેલ.
ર૦ ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ
ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે હનુમાન મઢી થી રૈયા ચોકડી વિસ્તારમાં ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. આ ચેકીંગ દરમ્યાન (૧)મહાદેવ એજન્સી, (૨)એન બી બ્રધર્સ સ્ટોર, (૩) જલારામ ખમણ હાઉસ, (૪)લક્ષ્મી નારાયણ સેલ્સ એજન્સી સહિત ૪ ને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
(3:31 PM IST)










