News of Tuesday, 19th August 2025
જન્માષ્ટમીની રજામાં બાપુનગરના કારખાનામાં ચોર બે વાર ત્રાટકી રૂા. ૧.ર૬ લાખની મત્તા ચોરી ગયા
ચાર દિવસ પહેલા રૂા. ૮૧ હજારનો અને બીજી વાર મશીનરી સહિત અંદાજે ૪પ હજારનો સામાન ઉઠાવી ગયાઃ કારખાનેદાર ઇમરાનભાઇની ભકિતનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૯: જન્માષ્ટમીની રજામાં તસ્કરોએ બાપુનગર મેઇન રોડ પર આવેલા બે કારખાનામાં બે વાર ત્રાટકી કોપર વાયર, કોપર રોડ તથા મશીનરી સહિત એક લાખથી વધુની માલમત્તા ચોરી જતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ રામનાથપરા શેરી નં. ૧રમાં રહેતા ઇમરાનભાઇ અબ્દુલભાઇ સોરઠીયા (ઉ.વ. ૪ર) એ ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઇમરાનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું બાપુનગર મેઇન રોડ પર પોપ્યુલર પિસ્ટન નામનું કારખાનું ચલાવું છું. રાંધણ છઠ્ઠ તથા જન્માષ્ટમીના તહેવારમાં કારખાનામાં રજા હોઇ જેથી બંધ કરીને કારખાનાના શેડને તાળુ મારી ઘરે ગયો હતો. બાદ ગઇકાલે સવારે હું ઘરે હતો ત્યારે મારા કારખાનાના માલીક જીવરાજભાઇ મોલીયાનો મને ફોન આવેલ કે કારખાનાની ઓફીસની બારી તુટેલી છે અને શટર ખુલ્લુ છે તેમ વાત કરતા હું કારખાને જતા શટર ખુલ્લુ હતું. બાદ અંદર જતા સામાન વેરવીખેર જોતા તપાસ કરતા રૂા. ૧પ૦૦૦ના ૬ કોપર રોડ તથા રૂા. ૮ હજારનો કોપર વાયર, રૂા. રર હજારના મોટા કોપર રોડ રૂા. ૧પ હજારની બે ઇલેકટ્રીક મોટર, મળી રૂા. ૬૦ હજારની માલમતા તથા જીવરાજભાઇ મોલીયાના કારખાનાની ઓફીસની બારીનો કાચ અને ગ્રીલ તુટેલી જોતા તેમાંથી પણ તસ્કરો રૂા. ૮૦૦૦ની કિંમતનું ડ્રીલ મશીન અને રૂા. ૧૩,પ૦૦ની કિંમતના ત્રણ કોપર રોડ મળી રૂા. ૮૧,પ૦૦ની માલમત્તાની ચોરી થઇ હોવાની ખબર પડતા ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાન હું આજે સવારે ૧૦:૩૦ વાગ્યા આસપાસ કારખાને આવતા અંદર જતા ચાર મશીન, કોપરના પાટા તથા બેરીંગનું બાચકુ મળી અંદાજે રૂા. ૪પ હજારનો સામાન જોવા ન મળતા તસ્કરો બીજી વાર કારખાનામાં પ્રવેશ કરી માલસામાન ચોરી ગયાની ખબર પડતા પોલીસ કંટ્રોલમાં જાણ કરતા ભકિતનગર પોલીસે સ્થળ પર પહોંચી સીસી ટીવી કેમેરા જોતા તેમાં બે શખ્સો કારખાના પાસે ત્રણ વ્હીલવાળી માલવાહક સાયકલમાં આવી ઝાડ પર ચઢીને કારખાનામાં પ્રવેશ કરતા જોવા મળતા એ.એસ.આઇ. શૈલેષભાઇ સહિતે તપાસ હાથ ધરી છે. (૭.ર૬)
(2:34 PM IST)










