તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th August 2025
બૂટલેગર યાકુબના દિકરા કોનેન મોટાણીની પોલીસ ફરજમાં રૂકાવટ બદલ ધરપકડ બાદ ઘરમાંથી પિસ્તોલ-કાર્ટીસ મળ્યા
ભોમેશ્વર ફાટક પાસે રિક્ષા લઇને નીકળેલા વાંકાનેર સોસાયટીના કોનેને ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને ‘બેરીકેટ કેમ આડુ રાખ્યું છે, મને આખા શહેરની પોલીસ ઓળખે છે, તારા પટ્ટા ટોપી ઉતરાવી નાંખીશ' ધમકાવી ફરજમાં રૂકાવટ કરી હતી કોનેનની માતા બિલ્કીશ મોટાણી અને સાસુ રોશન ફુલાણી સામે પણ આર્મ્સ એક્ટનો ગુનોઃ બિલ્કીશ સામે હદપાર ભંગનો અલગથી ગુનોઃ પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ એમ. વી. જાડેજા અને ડી. સ્ટાફ ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૯: શહેરના બજરંગવાડી વિસ્તારમાં રહેતાં નામચીન બુટલેગર યાકુબ મોટાણીના દિકરા કોનેન મોટાણીએ ભોમેશ્વર ફાટક પાસે ટ્રાફિક પોલીસ કર્મચારીને તેઓ ફરજ પર હોઇ બેરીકેટ કેમ વચ્ચે રાખ્યું છે, હટાવી લે, મને આખા શહેરની પોલીસ ઓળખે છે, તારા પટ્ટા ટોપી ઉતરાવી નાંખીશ કહી ધમકી દઇ મારી નાખવાની ધમકી પણ આપતાં ગાંધીગ્રામ પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કોનેનની ધરપકડ કરી હતી. વિશેષ પુછતાછ બાદ તેના ઘરમાં ગેરકાયદેસર હથીયાર હોવાની માહિતી મળતાં પોલીસે દરોડો પાડી ઘરમાંથી પિસ્તોલ, કાર્ટીસ શોધી કાઢી આ હથીયાર કોનેનની માતા અને સાસુએ છુપાવ્યું આ બંને સામે પણ ગુનો નોંધ્યો હતો. તેમજ કોનેનની માતા હદપાર હોવા છતાં ઘરે મળી આવી હોઇ અલગથી ગુનો નોંધ્યો હતો.
ભોમેશ્વર ફાટક પાસે શેરી નં. ૭ના ખુણે પરમાર પેલેસ મકાન પાસે નોમની સાંજે કોનેન મોટાણી નામના શખ્સે ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલને બેરીકેટ ખસેડી લેવાનું કહી તુકારો દઇ પટ્ટા ટોપી ઉતરાવી નાખવાની ધમકી દઇ તેમજ મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ હતી. આ બારામાં ગાંધીગ્રામ પોલીસે ટ્રાફિક શાખાના કોન્સ. પ્રદિપસિંહ કરણસિંહ રાણાવતની ફરિયાદ પરથી બજરંગવાડી પાસે વાંકાનેર સોસાયટી-૧માં રહેતાં કોનેન યાકુબ મોટાણી વિરૂધ્ધ બીએનએસની કલમ ૨૨૧, ૩૫૧ (૩)મુજબ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે. પ્રદિપસિંહ રાણાવત પોતાની ફરજ પર હતાં ત્યારે શેરીમાંથી એક રિક્ષા આવી હતી તેના ચાલકે પ્રદિપસિંહને બેરીકેટ હટાવી લેવાનું કહેતાં પ્રદિપસિંહે ખુબ વધુ ટ્રાફિક હોવાથી બેરીકેટ લગાવ્યું છે તેમ કહેતાં આ શખ્સે તું મને ઓળખતો નથી? આખા રાજકોટની પોલીસ મને ઓળખે છે, હું કોનેન યાકુબ મોટાણી છું, હવે તું અહિ કેમ નોકરી કરે છે એ જોઇ લઇશ, તારા પટ્ટા ટોપી ઉતરાવી નાંખીશ કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. ગાંધીગ્રામ પીઆઇ આર. એસ. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. પટેલે ગુનો નોંધી કોનેનની ધરપકડ કરી હતી.
ડી. સ્ટાફના પીએસઆઇ એમ. વી. જાડેજા, મશરીભાઇ ભેટારીયા, શબ્બીરભાઇ, રવિભાઇ, સહિતની ટીમે કોનેન મોટાણીની વિશેષ પુછતાછ કરતાં તેણે પોતાના ઘરમાં ગેરકાયદે હથીયાર હોવાની કબુલાત આપી હતી. તેમજ હથીયાર બાબતે પોતાની માતા બિલ્કીશબેન મોટાણી અને સાસુ રોશનબેન ફુલાણીને હથીયાર અંગે ખબર હોવાનું કબુલતાં તેના આધારે પોલીસે બજરંગવાડી વાંકાનેર સોસાયટી-૧માં સમ્સ સ્કૂલ સામે આવેલા મકાનમાં દરોડો પાડી તલાસી લેતાં રૂમમાં લોખંડના કબાટ નીચેથી ગેરકાયદે પિસ્તોલ મળી આવી હતી. જે પ્લાસ્ટીકની કોથળી અંદર રૂમાલમાં વીંટાળીને છુપાવેલી હતી. દેશી પિસ્તથોલની સાથે સાથે એક કાર્ટીસ પણ હતું. આ હથીયાર કાર્ટીસની કિમત રૂા. ૧૦૧૦૦ ગણી કબ્જે કરી કોનેન મોટાણી તેમજ તેની માતા બિલ્કીશબેન યાકુબ મોટાણી (ઉ.વ.૪૦) તથા કોનેનની સાસુ મોમીન સોસાયટી-૧માં રહેતી રોશનબેન ઇકબાલભાઇ ફુલાણી (ઉ.વ.૬૫) એમ ત્રણેય વિરૂધ્ધ આર્મ્સ એક્ટનો અલગથી ગુનો નોંધી ધરપકડ કરી હતી. બિલ્કીશ હદપાર હોવા છતાં ઘરે મળી આવી હોઇ હદપારીનો અલગથી કેસ કરાયો હતો. હથીયાર ક્યાંથી લાવ્યો? તેની વિગતો ઓકાવવા રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.
(2:32 PM IST)










