તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 17th August 2025
દવા વિના તંદુરસ્ત રહેવું હોય તો ખોરાકને જ દવા બનાવો, મંગળવારથી કરો વર્ધમાન તપનો પ્રારંભ: પંન્યાસ પ્રવર જગતશેખરજી
જૈન ધર્મમાં વર્ધમાન તપનું અનેરું મહત્વ છે. આ તપનું ધાર્મિક મહત્વ અનેકગણું

રાજકોટઃ વર્તમાન સમયમાં લોકો જાત જાતની આરોગ્યની સમસ્યાઓથી પીડાતા હોય છે, મોટાભાગની બિમારીનું મૂળ પેટ છે. ત્યારે વિવિધ પ્રકારના તપ તેમાં અત્યંત અસરકારક નીવડે છે. જૈન ધર્મમાં વર્ધમાન તપનું અનેરું મહત્વ છે. આ તપનું ધાર્મિક મહત્વ અનેકગણું છે, સાથોસાથ આરોગ્યની દ્રષ્ટિએ પણ અત્યંત લાભપ્રદ છે.ત્યારે જાગનાથ શ્વે. મૂર્તિપૂજક સંઘમાં આગામી તારીખ ૧૯મી ઓગસ્ટ મંગળવારના સવારે પ.પૂ.પંન્યાસપ્રવર જગતશેખરવિજયજી વર્ધમાન તપનો પાયો નંખાવશે. જેમાં એકસોથી વધુ તપસ્વીઓ જોડાશે. આમ પણ પર્યુષણમાં નાની મોટી તપસ્યા કરવા માટે આપણું મન તૈયાર રહેતું હોય છે. ત્યારે આ વર્ષના પર્યુષણને જો જીવનભર માટે યાદગાર બનાવવું હોય તો વર્ધમાન તપનો પ્રારંભ કરી લેવો જોઈએ.નાના, મોટા, જૈન-અજૈન બધા જ કરી શકે.
આ તપ અંગે વધુ વિગતો આપતાં પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે, વર્ધમાન એટલે વધવું. જેમ-જેમ સમય જાય તેમ-તેમ તપ વધતું જાય, એવું તપ એ વર્ધમાન તપ! આ તપમાં મુખ્ય આયંબિલ અને સાથે ઉપવાસ હોય છે.જેમાં એક આયંબિલની ઓળીથી શરુ કરી ક્રમે-ક્રમે વધતાં સો આયંબિલની ઓળી સુધી પહોંચવાનું છે. આ તપ કરનારે પ્રથમ પાંચ ઓળી એકસાથે કરવાની હોય છે. એક આયંબિલ અને એક ઉપવાસ, પછી બે આયંબિલ ને એક ઉપવાસ, ત્રણ આયંબિલ ને એક ઉપવાસ, ચાર આયંબિલ ને એક ઉપવાસ અને પાંચ આયંબિલ ને એક ઉપવાસ. એ રીતે સળંગ વીસ દિવસ સુધીમાં કુલ પંદર આયંબિલ અને પાંચ ઉપવાસ કરવાના હોય છે. જેને વર્ધમાન તપનો પાયો નાખવો કે થડું બાંધવું કહેવાય છે.
આયંબિલમાં દિવસમાં એક જ વખત , એક જ જગ્યાએ બેસીને ભોજન લેવાનું હોય.એમાં વિગઈ રહિતનું એટલે તેલ, ઘી, દૂધ, દહીં, ગોળ અને સાકર વિનાનું, રસ અને સ્વાદ વિનાનું ભોજન લેવાનું હોય.જેમ સર્પ એના દરમાં સડસડાટ ચાલ્યો જાય એમ ખોરાક સ્વાદ માટે વાગોળ્યા વિના આપણા પેટમાં સડસડાટ ચાલ્યો જવો જોઈએ. ઘઉં, ચોખા, બાજરી આદિ અનાજ તથા દરેક જાતના કઠોળ ખવાય.બાફેલાં કઠોળ, સૂકી રોટલી, રોટલા અને ચણા મમરા ખવાય.મસાલામાં હીંગ, મરી અને મીઠું ખાઈ શકાય છે.ઘી, તેલ, મીઠાઈ, મસાલા, ફ્રૂટ, શાકભાજી, દહીં, છાશ દૂધ, ડ્રાયફ્રૂટસ્ જેવા પદાર્થ, જેમાં જીભને સ્વાદ આવે તે ન ખવાય. આયંબિલ કે વર્ધમાન તપ કરતા તપસ્વીઓ માટે આ પ્રકારના આયંબિલના ભોજનની વ્યવસ્થા સંઘમાં ઉપલબ્ધ હોય છે.
આયંબિલમાં સાકર અને તેલ-ઘી રહિતનો આહાર વાપરવાનો હોવાથી જઠરને થોડો આરામ મળે છે, અને ઓછું કાર્ય કરવું પડે છે. ચયાપચયની ક્રિયા (મેટાબોલીઝમ પ્રોસેસ) ધીમી થવાથી લીવર આદિ અવયવોને સક્ષમ બનવા માટેનો સમય મળી રહે છે.લીવરને લગતાં ઘણા બધાં પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જાય છે. આયંબિલ કરવાથી લોહી શુદ્ધ થાય છે.ડાયજેસ્ટિવ સિસ્ટમ પ્રોપર રહે છે.રેઝીસ્ટન્સ પાવર વધે છે.શરીરને ડિટોક્સિફાય કરે છે.શ્રદ્ધાથી આયંબિલ કરનારના ચામડીના કોઢ જેવા રોગો પણ દૂર થઈ શકે છે.ઑઈલ અને સુગર વિના પણ શરીરને પૂરતું પોષણ મળી રહે છે.સ્વાદ ગ્રંથીને કંટ્રોલ કરે છે.મનની ચંચળતા શાંત થાય છે, તેથી આવેગ, ઉદ્વેગ અને આક્રોશ પણ ઘટે છે.મનને રીલેકસ કરે છે. સ્ટ્રેસ લેવલ ઘટે છે, જેથી બ્લડપ્રેશર અને હાર્ટએટેકના ચાન્સીસ ઘટી જાય છે શરીર અને મન બંને સ્વસ્થ રહે છે, પ્રસન્ન રહે છે, જે સાધનામાં સહાયક બને છે. વર્ધમાન તપની ઓળીની આરાધના જો શુદ્ધ અને શુભ ભાવથી કરવામાં આવી હોય તો એથી ઐહિક જીવનમાં શુભ કાર્યોમાં વિઘ્નો કે અંતરાયો દૂર થાય છે. એથી પણ વધુ મોટામાં મોટો લાભ તો એ છે કે આ આરાધનાથી ર્તીથંકર નામકર્મ બંધાય છે.
વર્ધમાન તપનો પાયો નાખ્યા બાદ પોતાની અનુકુળતા એ ગમે ત્યારે શક્તિ, રુચિ અને અનુકૂળતા પ્રમાણે તરત જ અથવા થોડા દિવસ પછી છ આયંબિલ અને એક ઉપવાસ કરવાના હોય છે. એમ કરતાં અનુકૂળતા પ્રમાણે અનુક્રમે સો આયંબિલ અને એક ઉપવાસ સુધી પહોંચવાનું હોય છે. આમ વર્ધમાન તપની આયંબિલની ઓળીમાં કુલ ૫૦૫૦ આયંબિલ અને ૧૦૦ ઉપવાસ કરવાના હોય છે. જોકે આવી ર્દીઘકાલીન તપશ્ચર્યા કરનારા માણસો આજે પણ વિદ્યમાન છે. કેટલાકે તો પોતાના જીવનમાં એકસો કે એથી વધુ વર્ધમાન તપની ઓળી કરી હોય એવા ઘણા દાખલા જૈન ઇતિહાસના પાને નોંધાયા છે. રાજકોટના આંગણે જયારે એકસોથી વધુ તપસ્વીઓ આ તપમાં જોડાઈ રહ્યા છે ત્યારે હજુ પણ રસ ધરાવતાં જૈન-અજૈન કોઈપણ આ તપમાં જોડાઈ શકે છે. આ માટે જાગનાથ સંઘની ઓફીસ /૧૧ જાગનાથ પ્લોટ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે
(8:41 PM IST)










