News of Sunday, 17th August 2025
રાજકોટના લોકમેળામાં ભૂલા પડી ગયેલા નાના બાળકો માટે સુપરહિરોની ભૂમિકા ભજવતી રાજકોટ પોલીસ: “શૌર્યનું સિંદૂર” લોકમેળામાં અત્યાર સુધીમાં વિખૂટા પડેલાં ૬૦ બાળકો અને ૨૨ સિનિયર સિટીઝનનું પરિવાર સાથે પુન:મિલન કરાવાયું
ભુલકાંઓના આંસુ લૂછી માતા-પિતાને વ્હાલસોયા બાળકો હેમખેમ પરત અપાવ્યા: જિલ્લા વહીવટી તંત્રના સુદ્રઢ આયોજન, પોલીસની સતત ખડેપગે ફરજથી આનંદપૂર્વક મેળાની મોજ માણતા લોકો

રાજકોટ, તા. ૧૭: - ત્રણ-ચાર દાયકા અગાઉની ફિલ્મોમાં એવો ડાયલોગ ઘણીવાર સાંભળવા મળતો કે "બચપન મેં મેલે મેં બિછડ ગયે થે..." જોકે આ બાબત હવે ભૂતકાળ બની ગઈ છે. રાજકોટના "શૌર્યનું સિંદૂર" લોકમેળામાં ત્રણ દિવસમાં ૮૨ જેટલી વ્યક્તિઓ "પોતાના"ઓથી વિખુટી પડી ગઈ હતી. પરંતુ જિલ્લા વહીવટી તંત્રના સુદ્રઢ આયોજન અને પોલીસની સુચારુ કામગીરીના કારણે તેમનો તુરંત પરિવાર-સ્વજનો સાથે મેળાપ કરાવાયો હતો.
રાજકોટ જિલ્લા ક્લેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં ૧૮મી ઓગસ્ટ સુધી "શૌર્યનું સિંદૂર" લોકમેળો-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં વહીવટી તંત્રના ઝીણવટપૂર્વકના ચોક્કસ આયોજન અને પોલીસ વિભાગની સતત ખડેપગે ફરજના કારણે લાખો લોકો નિર્વિધ્ને મેળાનો આનંદ માણી રહ્યા છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે બાળકો કે કોઈ સ્વજન પોતાના પરિવારથી અલગ પડીને ખોવાઈ ન જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
મેળામાં માતા-પિતાથી વિખુટા પડી ગયેલાં નાના બાળકોનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવી કંટ્રોલ રૂમમાં કાર્યરત પોલીસ જવાનો બાળકો માટે સુપરહિરોની ભુમિકા ભજવી રહ્યા છે. લોકમેળામાં કંટ્રોલરૂમ ખાતે ફરજ પર કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભાર્ગવસિંહ ઝણકાટના જણાવ્યા અનુસાર, કંટ્રોલરૂમમાં બે શિફ્ટમાં કુલ દસ પોલીસ કર્મચારી આ ફરજ બજાવી રહ્યા છે. આ લોકમેળામાં કંટ્રોલરૂમ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં પરિવારથી વિખુટા પડી ગયેલા ૬૦ જેટલા બાળકો અને ૨૨ જેટલા સિનિયર સિટીઝનના પરિવારને ગોતીને તેમની સાથે મિલન કરાવવામાં આવ્યું છે. કોઈ નાનું બાળક મળી આવે તો માઈકમાં સતત તેની જાહેરાત તથા એલ.ઈ.ડી.સ્ક્રીન ઉપર બાળકનો ફોટો બતાવવામાં આવે છે.
વધુમાં કંટ્રોલરૂમ ખાતેથી લોકજાગૃતિ માટે પી.આઈ. ભાર્ગવસિંહ ઝણકાટ માઈક દ્વારા ખિસ્સાં કાતરુંથી સાવધાન, મોબાઈલ પાકીટ અને પર્સનું ધ્યાન રાખવું, બહેનોની કોઈ છેડતી કરે તો પોલીસનો સંપર્ક કરવો, નાના બાળકોનું ધ્યાન રાખવું અને બાળકોના ખિસ્સામાં મોબાઈલ નંબરની ચિઠ્ઠી રાખવી સહિતના તકેદારીના પગલા માટેની સતત જાહેરાત કરાઈ રહી છે.
લોકમેળામાં પોલીસ જનતાની મિત્ર બનીને, નાના બાળકો અને સિનિયર સિટીઝનોની વહારે આવીને તેમના પરિવાર સાથે પુનર્મિલન કરાવીને પોલીસ પ્રજાનો સાચો મિત્રનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે. પ્ર. નગર પીઆઇ વી.આર. વસાવા અને ટીમ પણ લોકમેળામાં સતત પેટ્રોલિંગ કરતાં રહે છે.
(8:19 PM IST)










