<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

રાજકોટમાં ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાનો શાનદાર પ્રારંભ : પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન

જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રૂ. 21 લાખનો ચેક અર્પણ કર્યો : મંત્રી ભાનુબહેન બાબરીયાએ મેળો સામાજિક સમરસતાનું પ્રતીક હોવાનું જણાવ્યું

રાજકોટ: રાજકોટની લોકપ્રિય પરંપરા મુજબ, જન્માષ્ટમી નિમિત્તે યોજાતા પાંચ દિવસીય લોકમેળા 'શૌર્યનું સિંદૂર-2025'નો આજે પ્રારંભ થયો છે. રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રેસકોર્સ ખાતે વિધિવત રીતે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહની શરૂઆત થતાં જ મોટી સંખ્યામાં જનમેદની મેળામાં ઉમટી પડી હતી.
આ અવસરે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જિલ્લા વહીવટી તંત્ર વતી રૂ. 21 લાખનો ચેક મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આપવા માટે મંત્રીને અર્પણ કર્યો હતો. આ લોકમેળો તા. 14 થી 18 ઓગસ્ટ સુધી ચાલશે, જેનું આયોજન લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.
'શૌર્યનું સિંદૂર' નામની પ્રશંસા:
ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતાં પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે 'શૌર્યનું સિંદૂર' નામની પસંદગીને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, "આ નામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દેશદાઝ અને સૈન્યના અપ્રતિમ સાહસ અને જવાનોની જવાંમર્દીને સાર્થક કરે છે." તેમણે વધુમાં જણાવ્યું કે, "આ લોકમેળો સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકોને આકર્ષે છે અને અનેક લોકોને રોજગારી પણ પૂરી પાડે છે."
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું કે, "લોકમેળો એ ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર છે અને સામાજિક સમરસતા, એકતા અને બંધુતાનું પ્રતીક છે." તેમણે કહ્યું કે, "લોકમેળો માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ અર્થવ્યવસ્થાને પણ ગતિ આપે છે." તેમણે સખીમંડળની બહેનોને વિનામૂલ્યે સ્ટોલ આપીને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસને પણ બિરદાવ્યો હતો.
આ પ્રસંગે રાજકોટના મેયર નયનાબહેન પેઢડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટની ઉત્સવપ્રિય જનતા માટે લોકમેળા વગર જન્માષ્ટમી અધૂરી છે. કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, મેળાના આયોજનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને વિશાળ જગ્યા ખાલી રાખવામાં આવી છે, જેથી લોકો સરળતાથી મહાલી શકે.
ઉદ્ઘાટન બાદ મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રદર્શન સહ વેચાણ મેળા અને શહેર પોલીસના સ્ટોલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ચકડોળમાં બેસીને મેળાનો આનંદ માણ્યો અને અમદાવાદના અઘોરી ગ્રૂપની સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ નિહાળી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને ઉદયભાઈ કાનગડ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

(10:08 PM IST)