તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th August 2025
રાજકોટઃ ગોંડલના બે મજૂરોના બેન્ક ખાતામાં ૧ કરોડ જમા થયા
પોલીસ તપાસમાં માસ્ટર માઈન્ડ કોઈ બીજું જ નીકળ્યું!:સાઇબર ફ્રોડના ગુનામાં ગોંડલના પરેશ મકવાણા તેમજ મોનેક દુધરેજીયા નામના વ્યક્તિઓની ધરપકડ કરાઈ

રાજકોટ, તા.૧૪
રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાઇબર ફ્રોડના ગુનામાં ગોંડલના ૩૪ વર્ષીય પરેશ મકવાણા તેમજ ૩૩ વર્ષીય મોનેક દુધરેજીયા નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે ગત ૭ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ ૩૯ વર્ષીય જય રાઠોડ નામના વ્યક્તિ દ્વારા જુદા જુદા બેક્ન એકાઉન્ટ ધારક વિરુદ્ધ બીએનએસની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) તેમજ આઇટી એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધાવામાં આવ્યો હતો. પ્રાઇવેટ કંપનીમાં મેન્ટેનન્સ મેનેજર તરીકે પ્રાઇવેટ નોકરી કરનારા જય રાઠોડ દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, ૨૯ મે ૨૦૨૫ ના રોજ facebokoમાં તેણે શેર માર્કેટમાં રોકાણ બાબતેની પોસ્ટ જોઈ હતી. તે પોસ્ટ ઉપર ક્લિક કરતા એક ફોર્મ ખૂલી હતું જેમાં તેણે પોતાની વિગતો ભરી હતી.
ફરિયાદી એ જેવું ફોર્મ ભરીને સબમિટ કર્યું તરત જ તેને એક whatsapp ગ્રુપમાં એડ પણ કરવામાં આવ્યું હતું, જેમાં શેર માર્કેટ રિલેટેડ ટીપ્સ આપવામાં આવતી હતી. ત્યારબાદ આરોપીઓ દ્વારા તેને એક લિંક મોકલવામાં આવી હતી. જે લિંક ઉપર ક્લિક કરતા ફીન વોલ્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ થઈ હતી. જેમાં તેનું એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. તેમજ રાઠોડ આરોપીઓના બેક્ન એકાઉન્ટમાં જે એમાઉન્ટ ટ્રાન્સફર કરતો હતો તે એમાઉન્ટ તેના વોલેટમાં જોવા મળતી હતી. ૩૦ જૂન ૨૦૨૫ થી લઈ ૨૪ જુલાઈ ૨૦૨૫ દરમિયાન તેણે અંદાજિત ૧૬ લાખ રૃપિયાનું રોકાણ કર્યું હતું. તેમજ પોતે રોકાણ કરેલ રકમ પ્રોફિટ સાથે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા બાબતે રીક્વેસ્ટ જનરેટ કરતા આરોપીઓ દ્વારા ૧૫% ટેક્સ ભરવો પડશે તો જ રકમ પરત મળશે તેવું જણાવવામાં આવતા રાઠોડને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાય આવ્યું હતું.
સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરના સિનિયર પીઆઇ જે.એમ કૈલા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, રાઠોડ દ્વારા જે બેક્ન એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે બાબતે સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી. જે અંતર્ગત ગોંડલ ખાતે રહેતા અને મજૂરી કામકાજ કરનારા બે વ્યક્તિઓના બેક્ન એકાઉન્ટનો ઉપયોગ થયો હોવાનું ખુલ્યું હતું. ત્યારે હાલ પોલીસ દ્વારા પરેશ મકવાણા તેમજ મોનેક દુધરેજીયાની ધરપકડ કરવામાં આવી છે. બંનેની પૂછપરછ કરતાં તેમણે ધર્મિષ્ઠા યાદવ નામની મહિલાને પોતાના બેંક એકાઉન્ટ ઓપન કર્યા બાદ તેની કીટ આપી હોવાનું જણાવ્યું છે. બેક્ન એકાઉન્ટ ખોલાવ્યા બાદ બેક્ન એકાઉન્ટની કીટ આપવા બદલ બંનેને દસ દસ હજાર રૃપિયા જેટલી રકમ મળી હોવાનું જણાવ્યું હતું. ત્યારે હાલ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર દ્વારા ધર્મિષ્ઠા યાદવની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરની પ્રાથમિક તપાસમાં પરેશ મકવાણાના બેન્ક એકાઉન્ટ વિરુદ્ધ અલગ અલગ ૧૭ જેટલી જગ્યાએથી ફરિયાદ દાખલ થઈ હોવાનું સામે આવ્યું છે. દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ તેમજ તેલંગાણા સહિતના રાજ્યોમાં ફરિયાદ દાખલ થઈ હોવાનું સામે આવ્યું છે. તેમજ મોનેક દુધરેજીયા નામના વ્યક્તિના એકાઉન્ટ વિરુદ્ધ ભારત મહાન જુદી-જુદી ત્રણ જેટલી જગ્યાએથી ફરિયાદ દાખલ થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓના એકાઉન્ટમાં ભારતભરમાંથી અંદાજિત ૧ કરોડ ૧૬ લાખ જેટલી રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે.
બંને આરોપીઓના એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જેવી જમા થતી ત્યારબાદ તે રકમ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવામાં આવતી હતી. ત્યારે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર દ્વારા ધર્મિષ્ઠા નામની મહિલા તેમજ અન્ય મુખ્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ દ્વારા જે એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે એપ્લિકેશન કોના દ્વારા બનાવવામાં આવી હતી. એપ્લિકેશનનો ઉપયોગ કોણ કોણ અને કઈ કઈ જગ્યાએથી કરતું હતું તે સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે.
(9:37 PM IST)










