તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th August 2025
સુમિતને જસદણ રૂપિયા લેવા આવવાની જગદીશે ના કહી પોતે રાજકોટ દેવા આવે છે એવું કહ્યું પછી લૂંટનું તૂત રચ્યું
પોતાના શેઠ જસદણની પટેલ મહેન્દ્ર અરવિંદ આંગડિયાવાળા મેહુલ રાઠોડ પાસેથી રકમ લઇ તેના રાજકોટ રહેતાં મિત્ર સુમિત પટેલને આપવાના હતાં: સુમિતના આ રૂપિયા ખાઇ જવાનો જગદિશનો પહેલેથી જ પ્લાન હતો! : ત્રંબા પાસે થયેલી ૩૪.૪૪ લાખની લૂંટમાં ક્રાઇમ બ્રાંચે કલાકોમાં ભેદ ઉકેલ્યોઃ મુળ મહેસાણાનો અને હાલ ઢસા રહેતો જસદણનો આંગડિયા કર્મી જગદીશે રકમ ખાઇ જવા કાવત્રુ ઘડયું હતું: જગદીશ સાથે અન્ય કોઇની સંડોવણીની પણ શંકાએ તપાસનો ધમધમાટ : ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ અને ટીમે ભેદ ઉકેલ્યો

રાજકોટ તા. ૧૪: ત્રંબા-અણીયારા વચ્ચે ગઇકાલે બપોર બાદ જસદણથી રાજકોટ કાર લઇને આવી રહેલા આંગડીયા કર્મચારીની કારને કાળા રંગની નંબર વગરની કારમાં આવેલા બુકાનીધારી ત્રણ શખ્સોએ આંતરી બંદુક જેવુ હથીયાર બતાવી રૂા. ૩૭ લાખ લૂંટી ગયાની ઘટના જાહેર થતાં આજીડેમ પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૧ની ટીમોએ ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો. મોડી રાતે ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી નાંખ્યો હતો અને આંગડિયા કર્મચારીએ જ લૂંટનું તૂત રચ્યું હોવાનું ખુલ્યુ઼ હતું. પોલીસે રૂા. ૩૪,૫૫,૦૦૦ની રોકડ રીકવર કરવા તજવીજ કરી હતી. આ રકમ રાજકોટ રહેતાં આંગડિયા કર્મચારી સુમિત પટેલની હતી. તેણે જસદણની આંગડિયા પેઢીના સંચાલક મિત્ર પાસેથી મંગાવી હતી. પણ આંગડિયા કર્મચારીનો પહેલેથી જ આ રકમ ખાઇ જવાનો પ્લાન હોય તેમ રાજકોટના યુવાન જસદણ જાતે રકમ લેવા જતાં હોઇ આંગડિયા કર્મીએ પોતે ત્યાં આવીને આપી જશે તેમ કહી બાદમાં લૂંટનું તરકટ રચ્યું હતું.
આ બનાવમાં આજીડેમ પોલીસે મુળ મહેસાણાના બહુચરાજી તાબેના દેથલી (માતા) ગામના વતની અને હાલ રાજકોટમાં મોરબી રોડ રાધા મીરા સોસાયટી-૩ મકાન નં. ૬૩માં રહેતાં સુમિત અરવિંદભાઇ પટેલ (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી કાળી કારમાં આવેલા ૩૦ થી ૩૫ વર્ષના ત્રણ અજાણ્યા શખ્સો સામે બીએનએસની કલમ ૩૦૯ (૪), ૫૪ મુજબ સુમિત પટેલના મિત્ર મેહુલ રાઠોડના આંગડીયા કર્મચારી જગદીશને ત્રંબા પાસે આંતરી ૩૪,૫૫,૦૦૦ની રોકડ લૂંટી જવાનો ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી નાંખ્યો હતો અને આ લૂંટમાં આંગડીયા કર્મચારીએ જ નાટક રચ્યાનું ખુલ્યું હતું.
સુમિત પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને સોની બજાર પી. ઉમેશ આંગડીયા પેઢીમાં નોકરી કરુ છું. મારો મિત્ર મેહુલ રાઠોડ જસદણમાં હીરા બજારમાં પટેલ મહેન્દ્ર અરવિંદ નામે આંગડીયા પેઢી ચલાવે છે. મેહુલ પાસેથી મારે કોટન જીનના રૂા. ૩૪,૫૫,૦૦૦ લેવાના હતાં. આથી મેહુલે આ રૂપિયા તેની પેઢીના કર્મચારી જગદીશ ભરતસિંહ ચોૈહાણ (રહે. હાલ ઢસા)ને બુધવારે આપયા હતાં. આથી મેં બુધવારે સવારે અગીયારેક વાગ્યે જગદીશને ફોન કરી કહેલુ કે હું પેમેન્ટ લેવા તમારી પાસે જસદણ આવુ છું. જેથી જગદીશે કહેલું કે મારે આંગડીયા પેઢીમાં કામ ઓછુ છે આથી હું જ રાજકોટ આવીને તમને પેમેન્ટ આપી જાઉ છું. આથી મેં હા પાડી હતી.
ત્યારબાદ બપોરે સાડા બારેક વાગ્યે મેં ફરીથી જગદીશને ફોન કરી પેમેન્ટ બાબતે વાતક રતાં તેણે કહેલું કે હું રકમ લઇને હુન્ડાઇ એસેન્ટ કાર લઇને રાજકોટ આવવા નીકળુ જ છું. ત્યારબાદ બપોરે પોણા બે વાગ્યે મને જગદીશનો ફોન આવ્યો હતો. તેણે ગભરાયેલા અવાજે વાત કરી હતી કે ત્રંબા-અણીયારા વચ્ચે ભારત પેટ્રોલ પંપ નજીક હું પહોંચ્યો ત્યારે મારી પાસેથી તમારા પેમેન્ટની લૂંટ થઇ ગઇ છે, તમે જલ્દી આવો. આથી હું તુરત મારા પડોશી રૂષભભાઇને લઇ ત્રંબા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં જોતાં જગદીશ એસેન્ટ ગાડી સાથે ઉભો હતો. તેને શું થયું? પુછતાં કહેલુ કે-હું એકલો એસેન્ટ ગાડી લઇને જસદણથી રૂા. ૩૪,૫૫,૦૦૦ લઇને તમને રાજકોટ આપવા માટે નીકળ્યો હતો. આ રકમ મેં થેલામાં રાખી હતી. દરમિયાન આ સ્થળે એક કાળી ગાડી આવી હતી અને ચાલકે મારી કાર આડે ખાની મારી કાર ઉભી રખાવી હતી. પછી બંદૂક જેવુ હથીયાર બતાવી ડરાવીને રૂપિયાનો થેલો લૂંટી ભાગી ગયા હતાં.
ત્રણ જેટલા શખસો હતાં અને કાળા કલરની ગાડીમાં નંબર પ્લેટ નહોતી. જગદીશે પોલીસને પણ ૧૦૦ નંબર ઉપર ફોન કર્યો હતો. આ દરમિયાન પોલીસ આવી ગઇ હતી. લૂંટારાઓએ કાળા ટી-શર્ટ પહેરેલા હતાં અન મોઢે બુકાની-રૂમાલ બાંધેલા હતાં તેમણ જગદીશે કહ્યું હતું. સુમિત પટેલે વધુમાં જણાવ્યું હતું કે મારે મિત્ર મેહુલ રાઠોડ પાસેથી લેવાની રકમ તેણે તેના કર્મચારી જગદીશને આપી હતી. જે રકમ જગદીશ મને આપવા નીકળ્યો ત્યારે ત્રંબા પાસે તેને લૂંટી લેવાયો હતો. આ હકિકતને આધારે પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જનકસિંહ રાણા, લક્ષમણભાઇ મકવાણા, મેરૂભા ઝાલા સહિતે ગુનો નોંધ્યો હતો. ડી. સ્ટાફ ટીમને સાથે રાખી તપાસ શરૂ કરી હતી અને કેમેરા ચેક કરવાનું ચાલુ કર્યુ હતું.
ઘટનાની જાણ થતાં ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવ, ક્રાઇમ બ્રાંચ પીઆઇ, પીએસઆઇની ટીમો, એલસીબી ઝોન-૧ની ટીમો પણ પહોંચી હતી અને તપાસમાં સામેલ થયા હતાં. દરમિયાન ક્રાઇમ બ્રાંચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સીધી દેખરેખ હેઠળ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ અને તેમની ટીમોએ આંગડીયા કર્મચારીને જ શંકાના દાયરામાં રાખી તપાસ શરૂ કરતાં ભેદ ઉકેલાઇ ગયો હતો. આ અંગે વિશેષ વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે.
(2:29 PM IST)










