તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવની સોમવારે વર્ણાંગી
શોડષોપચાર પૂજન બાદ નીજ મંદિરેથી પ્રસ્થાન : બેન્ડની શુરાવલી અને રાસગરબાની રમઝટ સાથે નિયત માર્ગો પર ફરશે

રાજકોટ તા. ૧૩ : રાજકોટની ધરતી પર આજી નદીની વચ્ચે બિરાજતા ગ્રામ્ય દેવતા સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવની વર્ણાંગીનો મહામુલો અવસર તા. ૧૮ ના સોમવારે આયોજીત કરાયો છે. બેન્ડવાજાની સુરાવલી અને રાસની રમઝટ સાથે હર હર મહાદેવના નાદ ગજાવતા ૧૦૨મી વર્ણાંગી તા. ૧૮ ના સોમવારે બપોરે ૩.૩૦ વાગ્યે આજી નદી કાંઠે રામનાથપરા નિજ મંદિર ખાતેથી પ્રસ્થાન પામશે. આ પુર્વે બપોરે ર વાગ્યે શોડષોપચાર પૂજન કરાશે.
વાજતે ગાજતે મહાદેવજીની વર્ણાંગી બપોરે ૩.૩૦ વાગ્યે શ્રી રામનાથ મહાદેવ મંદિરેથી પ્રારંભ થઇ કોઠારીયાનાકા, પેલેસ રોડ, આશાપુરા મંદિર પાછળનો માર્ગ, કરણપરા ચોક, કિશોરસિંહજી રોડ, જયરાજ પ્લોટ, હાથીખાના થઇ રામનાથ મહાદેવ મંદિરે પરત ફરશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટના રાજવી સ્વ. લાખાજીરાજ બાપુ તથા કૈ.વા. મહંતશ્રી હરીગીર બાપુએ શ્રી રામનાથ દાદાના ફુલેકા (વર્ણાંગી)ની પ્રેરણા આપેલ. ત્યારથી દર વર્ષે મહાદેવની વર્ણાંગી યોજવામાં આવે છે. આ વર્ષે ૧૦૨મી વર્ણાંગી નિકળશે.
ધર્મપ્રેમીજનોએ સ્વયંભુ શ્રીરામનાથ મહાદેવની વર્ણાંગી (ફુલેકુ)માં પધારવા મહંતશ્રી અરવિંદગીરી ગોસ્વામી, મહંતશ્રી હરસુખગીરી ગોસ્વામી, મહંતશ્રી નલીનગીરી ગોસ્વામી, મહંતશ્રી શાંતિગીરી ગોસ્વામી, મહંતશ્રી કપીલગીરી ગોસ્વામી, મહંતશ્રી પંકજગીરી ગોસ્વામી, મહંતશ્રી નિશાંતગીરી ગોસ્વામીએ જાહેર અનુરોધ કર્યો છે. (૧૬.૫)
વર્ણાંગીનું મહાત્મ્ય
રાજકોટ : એક સો વર્ષ પહેલા એ સમયના પ્રજાવત્સલ રાજવી લાખાજીરાજ બાપુના રાજમાં રાજકોટની રૈયત પર પ્લેગ (મહામારી)એ ભરડો લીધો હતો. માણસોસ ટપોટપ મૃત્યુ પામી રહ્યા હતા. આ સમયે રાજા શ્રી લાખાજીરાજ બાપુએ આજી નદીના કાંઠે બિરાજતા સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવને આ રોગમાંથી રાજકોટને મુકત કરવા પ્રાર્થના કરી. જાણે ચમત્કાર થયો હોય તેમ મહાદેવની કૃપા વર્ષી અને રાજકોટ ઉપરથી રોગચાળાની આફત ટળી ગઇ. ત્યારથી મહાદેવજીની વર્ણાંગી વાજતે ગાજતે યોજવામાં આવે છે. જેને આ વર્ષે ૧૦૨મું વર્ષ છે.

સર્વપિતૃ અમાસ નિમિતે તા. ૨૩મીના શનિવારે મહાદેવ આરાધના : દેવ ભટ્ટ
રાજકોટ તા. ૧૩ : શ્રાવણ વદ અમાસ (સર્વપિતૃ અમાસ)ના તા. ૨૩ ઓગષ્ટના શનિવારે રાત્રે ૯ વાગ્યે ગ્રામ્યદેવતા સ્વયંભુ શ્રી રામનાથ દાદાના સાનિધ્યમાં શિવની ઉપાસના સાથે મહાદેવ આરાધનાનો કાર્યક્રમ આયોજીત કરાયો છે. જેમાં સંગીતજ્ઞ શ્રી દેવ ભટ્ટ અને સાથી કલાકારો અમૃતવાણીનું રસપાન કરાવશે. શિવધારાનો સર્વે ભાવિકજનોએ લાભ લેવા શ્રી રામનાથ મહાદેવ મંદિરના મહંત દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
(3:45 PM IST)










