તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th August 2025
હું બપોરે સુઇ જાવ પછી તું સરસ નવા કપડા પહેરીને ક્યાંક જાય છે...શંકા કરી પતિનો પૂજાબેનને ત્રાસ
ગાંધીગ્રામમાં માવતર ધરાવતી પરિણીતાની આણંદપર રહેતાં પતિ, સાસુ, સસરા, જેઠ વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ : લગ્નના બે જ મહિનામાં ત્રાસ ચાલુ થઇ ગયોઃ સાસુ કહેતાં મારા દિકરાની તે જિંદગી બગાડી, જેઠ કહેતાં તારો બાપ ભિખારી છે, પતિ શંકા કુશંકા કરતોઃ સસરા કહેતાં-મારો દિકરો મનમાં આવશે તેમ કરશે ન પોષાય તો નીકળો ઘરમાંથી!: કાઢી મુકાતાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૧૩: શહેરના ગાંધીગ્રામમાં માવતર ધરાવતી અને કાલાવડના આણંદપર ગામે સાસરૂ ધરાવતી પરિણીતાને લગ્નના બે જ મહિના બાદ પતિ-સાસરિયાએ ત્રાસ આપવાનું ચાલુ કરી દેતાં અને ચારેક મહિના બાદ તેણીને કાઢી મુકતાં અને પતિને ફોન કે મેસેજ પણ નહિ કરતાં તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં મહિલા પોલીસ સ્ટેશન દ્વારા હાલ ગાંધીગ્રામ ૧-કષ્ટભંજન, ચિત્રકુટ હનુમાનજીવાળી શેરીમાં રહેતી પૂજાબેન અજયપરી ગોસ્વામી (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી કાલાવડના આણંદપર ગામે રહેતાં તેણીના પતિ અજયપરી જયસુખપરી ગોસ્વામી, સસરા જયસુખપરી મોહનપરી ગોસ્વામી, સાસુ તૃપ્તીબેન અને દિયર રવીપરી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
પૂજાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું એકાદ વર્ષથી મારા પિતાના રમેશગીરી ગોસ્વામીના ઘરે રહુ છું. મારા લગ્ન ૨૦૨૨૪માં અજયપરી સાથે થયા છે. મારે સંતાન થી. મારા પતિ પ્રાઇવેટ નોકરી કરે છે અને મારા સસરા જયસુખપરી તથા સાસુ તૃપ્તીબેને સન્યાસ લીધો છે. આ બંને કાલાવડના ચીભડા ગામે આશ્રમમાં રહે છે. મારા જેઠ રવિપરી પણ આણંદપરમાં રહે છે. લગ્ન બાદ અમે બધા સંયુક્ત કુટુંબમાં રહેતાં હતાં. બે મહિના સુધી બધુ બરાબર ચાલ્યું હતું. પણ બાદમાં ઝઘડાઓ ચાલુ થયા હતાં. સાસુ મને ઘરકામ બાબતે મેણા મારી કહેતાં કે તને કામ આવડતું નથી, તું અમારે જોઇતી નથી, તારા મા-બાપે શું જોઇને તને પરણાવી છે? તે મારા દિકરાની જિંદગી બગાડી નાંખી તેમ કહી મેણા મારતાં હતાં.
મારા જેઠ પણ કહેતાં કે તારા બાપમાં આટલુ જ આપવાની ત્રેવડ છે, તું આટલુ જ દહેજ લાવી, તારો બાપ ભિખારી છે તને કઇં આપ્યું નથી. આ પછી મારો પતિ પણ મારા પર શંકા કુશંકા કરતો હતો અને ઝઘડા કરતો હતો. તુ મને કહેતો કે અમારુ કુટુંબ બહુ માથાભારે છે, તું શાંતિથી રહી નહિ શકે, હું તને શાંતિથી રહેવા પણ નહિ દઉં, મેં પરાણે લન કર્યા છે. મારા પિતા અને ભાઇએ પરાણે મને પરણાવ્યો છે, મારે તો લગ્ન કરવા જ નહોતાં. મને ઘરની બહાર જેવા દેતા નહિ અને મારા પિયરમાં વાત કરુ તો પણ પતિ વાત કરવા દેતા નહિ. લગ્નના એકાદ મહિના બાદ હું પીયર ગઇ ત્યારે પતિ સાથે આવેલ અને કહેવા લાગેલા કે હું બપોરે જમીને સુઇ જાવ છું ત્યારે તું નવા સરસ કપડા પહેરીને બહાર જતી રહે છે, તું ક્યાં જાય છે તેની મને જાણ નથી તેમ કહી શંકા કરતા હતાં તેમજ ગાળો દઇ માર માર્યો હતો. એ પછી હું પિયર જવાનું કહું તો જવા દેતાં નહિ. મોબાઇલ ફોન હાથમાં લઉ તો પણ મોબાઇલ ખેંચી લેતાં હતાં. મારે ઘર ચલાવવું હોઇ હું ઘરમેળે સમાધાન કરી લેતી હતી.
આ પછી ત્રણેક મહિના બાદ મેં પતિના મોબાઇલમાં સ્ક્રીનશોટ જોયા હતાં. જેમાં તે અન્યસ્ત્રી સાથે વિડીયોકોલમાં વાત કરતાં અને મેસેજ કરતાં હોવાની જાણ થઇ હતી. આની જાણ મેં જેઠાણીને કરતાં તેણે સરખો જવાબ આપ્યો નહોતો. બાદમાં પતિને પુછતાં તેણે હું જે કરુ તે તારે જાણવાની જરૂર નથી. બાદમાં મારા સસરાને ખબર પડતાં તેણે કહેલુ કે તેને મનમાં આવશે એમ જ કરશે, તમને પોષાય તો રહો બાકી નીકળી જાવ ઘરમાંથી. ત્યારે પણ પતિએ ગાળો દઇ માર માર્યો હતો. લગ્નના ચાર મહિના બાદ ભીમ અગીયારસ આવતી હોઇ પિયર જવાનં થતાં માસીનો દિકરો કિશન તેડવા આવ્યો ત્યારે પણ મને ગાળ ોદીધી હતી. એ પછી મારા સસરા અને જેઠ મને મારા માવતરના આંગણે ઉતારી જતાં રહ્યા હતાં. આ પછી મારા માતાએ મારા પતિને ફોન કરતાં તેણે મને કોઇ ફોન કરવો નહિ તેમ કહી દીધુ હતું. એ પછી આજ સુધી મારા પતિએ ફોન કે મેસેજ કર્યો નથી. એક વર્ષથી હું માવતરે છું. અંતે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં પૂજાબેને કહેતાં પીઆઇ ભાટીની રાહબરીમાં પીએસઆઇ યુ. કે. બાંભણીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:58 PM IST)










