<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

બાલાજી હોલ પાછળ રહેતાં વિરાજભાઇ જેસાણીએ યાર્ડ પાસે ઝેર પીધું: મોત

પિતા ફેક્‍ટરી સંભાળતા હતાં: કારણ અકળ રહેતાં તપાસ યથાવત

રાજકોટ તા. ૧૨: શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાછળ રહેતાં વિરાજભાઇ જેન્‍તીભાઇ જસાણી (ઉ.વ.૨૫) નામના યુવાને ગઇકાલે માર્કેટ યાર્ડ પાસે ઝેરી દવા પી લેતાં સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેનું મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ ખાનગી હોસ્‍પિટલ મારફત થતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર વિરાજભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. થોડા મહિના પહેલા જ તેના લગ્ન થયા હતાં. તે પિતા સાથે ફેક્‍ટરી ચલાવતાં હતાં. બેંકમાં જવાનું કહીને નીકળ્‍યા બાદ આ બનાવ બન્‍યો હતો. પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી હતી.

ત્રંબાના વૃધ્‍ધ રણછોડભાઇ રૈયાણીનું બેભાન હાલતમાં મોત

બીજા બનાવમાં કસ્‍તુરબાધામ ત્રંબા ખાતે રહેતાં રણછોડભાઈ રામજીભાઈ રૈયાણી (ઉ.વ.૭૯ ) સવારે ઘરે બેભાન થઇજતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ પીડબલ્‍યુડીના નિવૃત કર્મચારી હતાં. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે.

અવધના ઢાળ પાસે રાહુલભાઇ ધમ્‍મરે એસિડ પી લીધું

કાલાવડ રોડ અવધના ઢાળ પાસે એકલવ્‍ય આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં રાહુલભાઇ જેરામભાઇ ધમ્‍મર (ઉ.વ.૪૦)એ એસિડ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. રાહુલભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. સંતાનમાં ત્રણ દિકરી છે. ગૃહકલેશને કારણે પગલુ ભર્યાનું જણાવાયું હતું.

(4:02 PM IST)