<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

કનૈયા ચોકમાં ખાડાને કારણે અકસ્‍માતઃ વૃધ્‍ધનો ભોગ લેવાયો

સોપાન લક્‍ઝુરીયામાં રહેતાં એબીઆઇના નિવૃત ઓફિસર ૭૦ વર્ષિય ચીમનભાઇ માવાણી સદર બજારમાં જતા'તા ત્‍યારે ટુવ્‍હીલર સહિત ઉલળી ગયા : બ્રહ્મસમાજ ચોક પાસે કનૈયા ચોકમાં ખાડાને કારણે અવાર-નવાર ટુવ્‍હીલર ગોથા ખાઇજાય છેઃ આસપાસના રહેવાસીઓ, દુકાનદારોમાં આક્રોશઃ વયોવૃધ્‍ધ સ્‍વજનને ગુમાવનારા માવાણી-લોહાણા પરિવારમાં ગમગીની

રૈયા રોડ કનૈયા ચોકમાં જ્‍યાં અકસ્‍માત સર્જાયો તે સ્‍થળે રોડ પરના ખાડા, ચીમનભાઇ માવાણીનો નિષ્‍પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો અને પોસ્‍ટમોર્ટમ રૂમ ખાતે શોકમય સ્‍વજનો જોઇ શકાય છે (ફોટોઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૧૨: શહેરમાં અનેક રસ્‍તાઓ પર ખાડા પડી ગયા છે આ કારણે વાહનચાલકોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. રસ્‍તા પરના આવા નાના મોટા ખાડાઓને કારણે ઘણીવાર અકસ્‍માત સર્જા છે અને ભોગ પણ લેવાય છે. દરમિયાન આજે રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક નજીક કનૈયા ચોકમાં આવા જ એક બનાવમાં ખાડાને કારણે એક વૃધ્‍ધ ટુવ્‍હીલર સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં તેમનું મૃત્‍યુ થયું હતું. સોપાન લક્‍ઝુરીયામાં રહેતાં એસબીઆઇના આ નિવૃત અધિકારી સદર બજારમાં કોઇ કામ માટે જવા નીકળ્‍યા ત્‍યારે ખાડાને કારણે તેમનું મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ રૈયા રોડ જલારામ ચોક શાંતિનગર પાસે સોપાન લક્‍ઝુરીયા એપાર્ટમેન્‍ટમાં રહેતાં ચીમનભાઇ જીવનદાસ માવાણી-લોહાણા (ઉ.વ.૭૦) સવારે પોતાનું ટુવ્‍હીલર ચલાવી ઘરેથી સદર બજારમાં કોઇ કામ માટે જવા નીકળ્‍યા હતાં. આ વખતે રૈયા ચોકડીથી હનુમાન મઢી તરફના રસ્‍તે બ્રહ્મસમાજ ચોક પહેલા આવતાં કનૈયા ચોકમાં તેઓ પહોંચ્‍યા ત્‍યારે રસ્‍તા પરના ખાડાને કારણે તેમણે બેલેન્‍સ ગુમાવ્‍યું હતું અને તેમનું ટુવ્‍હીલર ફંગોળાઇ જતાં તેઓ રોડ પર પટકાતાં ગંભીર ઇજા સાથે લોહીલુહાણ થઇ ગયા હતાં.

બનાવને પગલે મોટી સંખ્‍યામાં લોકો એકઠા થઇ ગયા હતાં અને ૧૦૮ બોલાવી હતી. થોડીવાર માટે ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. અજાણ્‍યા દર્દી તરીકે આ વૃધ્‍ધને સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં. માથામાં ગંભીર ઇજા થઇ હોઇ ઇમર્જન્‍સી વોર્ડમાં સારવાર ચાલુ કરવામાં આવી હતી. જો કે તેમનું મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ ચાવડા, પ્રશાંતભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્‍થળે અને હોસ્‍પિટલે પહોંચી તપાસ શરૂ કરી હતી.

મૃત્‍યુ પામનાર વૃધ્‍ધની ઓળખ મેળવવા તેમની પાસેના મોબાઇલ ફોન તથા બીજા કાગળોને આધારે તપાસ થતાં તેઓ રૈયા રોડ શાંતિનગર પાસે સોપાના લક્‍ઝુરીયામાં રહેતાં ચીમનભાઇ જીવનદાસ માવાણી-લોહાણા (ઉ.વ.૭૦) હોવાનું ખુલતાં તેમના સગા સ્‍વજનોને જાણ કરતાં તેઓ હોસ્‍પિટલે દોડી આવ્‍યા હતાં. વડીલ સ્‍વજનના મૃત્‍યુને કારણે પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

વધુ માહિતી મુજબ મૃત્‍યુ પામનાર ચીમનભાઇ માવાણી એસબીઆઇના નિવૃત અધિકારી હતાં. તેમને સંતાનમાં એક દિકરી છે. પોતે ત્રણ બહેન અને બે ભાઇમાં મોટા હતાં. સવારે પોતાના ઘરેથી સદર બજારમાં કોઇ કામ માટે જવા નીકળ્‍યા ત્‍યારે કનૈયા ચોકમાં આ બનાવ બન્‍યો હતો. અહિ આસપાસમાં દૂકાનો ધરાવતાં વેપારીઓ તેમજ આ વિસ્‍તારમાં રહેતાં લોકોએ રોષ પુર્વક જણાવ્‍યું હતું કે કનૈયા ચોકમાં ચારેક મહિનાથી ખાડા પડી ગયા છે. આને કારણે આ રસ્‍તા પરથી નીકળતાં એનક ટુવ્‍હીલર ચાલકો અવાર-નવાર સ્‍લીપ થઇજાય છે, પડી જાય છે. આજે આ ખાડા એક મૃત્‍યુનું કારણ બની ગયા છે. લોકોએ જવાબદાર તંત્રવાહકો સામે પણ રોષ ઠાલવ્‍યો હતો.

 

(3:45 PM IST)