તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th August 2025
પાંચ વર્ષની બાળકી પર ૧૭ વર્ષના સગીરનો બળાત્કાર, તેના શેઠ જસવંત સિંગે બાળાના પિતાને ધમકી દીધી!
રાજકોટના અયોધ્યા ચોક નજીકના એપાર્ટમેન્ટમાં ચોંકાવનારી ઘટનાઃ એપાર્ટમેન્ટના રહેવાસીઓ-આગેવાનોએ બાળકીના પિતાને કહ્યું-જો તું ફરિયાદ કરીશ તો આપણા એપાર્ટમેન્ટનું નામ છાપે ચડશે, બદનામી થશે! : સગીરના શેઠે બાળાના પિતાને દવાખાનાના ખર્ચ પેટે ઓનલાઇન પાંચ હજાર આપી ફરિયાદ નહિ કરવા ધમકાવ્યોઃ યુનિવર્સિટી પોલીસે બંનેની ધરપકડ કરીઃ બાળાને ગુપ્તભાગે, પેટમાં દુઃખાવો ઉપડતાં સારવાર અપાવવી પડી : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે કડક કાર્યવાહી કરીઃ એપાર્ટમેન્ટના રહેવાસીઓની માનસિકતા સામે સર્વત્ર રોષ

રાજકોટ તા. ૧૨: શહેરમાં નવા દોઢસો ફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં રહી મજૂરી કરતાં મુળ બિહારના સત્તર વર્ષના સગીર શખ્સે એક ચોકીદાર પરિવારની પાંચ વર્ષની દિકરીને ઉઠાવી પોતાના મકાનમાં લઇ જઇ બળાત્કાર ગુજારી લેતાં અને આ હવસખોર સગીરના શેઠ એવા મુળ ઝારખંડના શખ્સને તથા એપાર્ટમેન્ટના રહેવાસીઓ, આગેવાનોને ઘટનાની જાણ થતાં આ બધાએ ઘટનાને દબાવી દેવા પ્રયાસ કર્યો હતો. સગીર હવસખોરના શેઠે ભોગ બનનાર બાળાના પિતાને તું કોઇને કહીશ કે ફરિયાદ કરીશ તો નોકરીમાંથી કઢાવી મુકીશ કહી દવાખાના ખર્ચના પ૦૦૦ ઓનલાઇન આપી દીધા હતાં. યુનિવર્સિટી પોલીસે સગીર હવસખોર અને તેના શેઠ વિરૂધ્ધ ગુનો નોંધી બંનેને પકડી લીધા છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર પાંચ વર્ષની બાળાના ચોકીદાર પિતાની ફરિયાદ પરથી બિહારી સગીર અને તેના શેઠ ઝારખંડના જસવંતકુમાર રાજકુમાર સીંગ નામના ટ્રાન્સપોર્ટનું કામ કરતાં શખસ વિરૂધ્ધ દૂષ્કર્મ સહિતની ગુનો દાખલ કર્યો છે. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે બંને આરોપીને સકંજામાં લઇ લીધા છે.
ફરિયાદીએ જણાવ્યું છે કે હું રાજકોટના એક બિલ્ડીંગમાં બનાવાયેલા મજૂરોના રૂમમાં રહુ છું અને ચોકીદારી કરી ગુજરાન ચલાવુ છું. મારા પત્નિ બિલ્ડીંગમાં કચરાપોતા, સાફસફાઇનું કામ કરે છે. મારે ત્રણ સંતાન છે જેમાં એક દિકરી પાંચ વર્ષની છે. તા. ૯ના રક્ષાબંધનના દિવસે રાતે સાડા દસેક વાગ્યે હું કુટુંબી બહેનના ઘરે રાખડી બંધાવવા ગયો હતો. આ વખતે મારા પત્નિએ મને ફોન કરી કહેલુ કે તમે જલ્દી આવો આપણી પાંચ વર્ષની દિકરી મળતી નથી. આથી હું તુરત ઘરે આવ્યો હતો અને પત્નિ સાથે મળી દિકરીની શોધખોળ શરૂ કરી હતી.
આ વખતે એક સગીર મારી દિકરીને લઇને આવ્યો હતો અને કહ્યું હતું કે હું મારા શેઠના ઘરે જમવા માટે તમારી કિદરીને લઇ ગયો હતો. આ વખતે મારી દિકરી ગભરાયેલી હતી અને રડતી હતી. અમે ઘરે લઇ જઇ પુછતાછ કરતાં તેણે કાલીઘેલી ભાષામાં કહ્યું હતું કે-હું એકલી હતી ત્યારે એ (આરોપી) મને રૂમમાં લઇ ગયો હતો, મારા કપડા ઉતરાવી શરીરે હાથ ફેરવ્યા હતાં. મારી સાથે બળજબરી થતાં હું રડવા માંડતા આ શખ્સે મને વધુ ડરાવી હતી. જેથી હું વધુ દેકારો કરવા માડતા મને કપડા પહેરાવી પરત ઘરે લાવ્યો હતો.
એપાર્ટમેન્ટ નજીક જ આ સગીર આરોપી તેના શેઠ ભેગો રહે છે. આથી અમે આ સગીર આરોપીના શેઠ પાસે ગયા હતાં. આ વખતે એપાર્ટમેન્ટના રહેવાસીઓ, આગેવાનો પણ આવ્યા હતાં અને અમને કહેલુ કે પોલીસ ફરિયાદ કરશો તો આપણા એપાર્ટમેન્ટનું નામ છાપે ચડશે અને નામ ખરાબ થશે. તેમજ સગીર આરોપીના શેઠે પણ તું કોઇ પોલીસ ફરિયાદ કરીશ નહિ, જો પોલીસ ફરિયાદ કરીશ તો એપાર્ટમેન્ટના સંચાલકોને કહીને હું તને કામ ઉપરથી કઢાવી મુકીશ તેવી ધમકી આપી હતી. તેમજ તેણે મને કહેલુ કે હું તને દવાખાનાના ખર્ચના રૂા. ૫૦૦૦ આપીશ, તું કોઇને આ વાત કરતો નહિ. આમ કહી તેણે મારા પડોશીને ઓનલાઇન ૫૦૦૦નું પેમેન્ટ પણ કરી દીધુ હતું.
મને કામ પરથી કઢાવી મુકેશે તેવો ભય લાગ્યો હોઇ મેં કોઇ પોલીસ ફરિયાદ કરી નહોતી. બાદમાં સોમવારે મારી દિકરીને પેટના ભાગે અને પેશાબ કરવાના ભાગે ખુબ દુઃખાવો થતાં ૧૦૮ બોલાવી સારવાર માટે ખસેડી હતી. ત્યાં તબિબે સારવાર ચાલુ કરી હતી. મારી પાંચ વર્ષની દિકરી સાથે સગીર નેપાળી શખ્સે બળાત્કાર ગુજાર્યો હોઇ અને તેના શેઠે પણ આ વાત કોઇને નહિ કરવા અને મને પાંચ હજાર દવા ખર્ચના આપી નોકરીમાંથી કઢાવી મુકવાની ધમકી આપતાં અંતે મારે ફરિયાદ કરીવી પડી હતી. પીએસઆઇ સી. પી. રાઠોડે ગુનો નોંધતા પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે ડીસીપી જગદીશ ભારાઇ, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં કાર્યવાહી કરી બંને આરોપીને ઝડપી લીધા છે. એપાર્ટમેન્ટના રહેવાસીઓ, આગેવાનોએ પણ આ ઘટનાને દબાવી દેવા પ્રયાસ કર્યો હતો. પાંચ વર્ષની બાળકી સાથે બળાત્કાર ગુજારાયો હોવાનું જાણવા છતાં આ બધાએ બાળકીના પિતાને ‘જો પોલીસને કહેશો તો આપણા એપાર્ટમેન્ટનું નામ ખરાબ થશે અને છાપામાં આપણા એપાર્ટમેન્ટનું નામ ચડશે' એવુ કહ્યું હતું. કહેવાતા સારા કામ કરીને ‘પુરષ્કાર' મેળવવા દોડી જતા એપાર્ટમેન્ટના સંચાલકોએ જો આ જગ્યાએ પોતાની માસુમ દિકરી હવસખોરીનો ભોગ બની હોય તો? એ સવાલ પોતાની જાતને પુછવાનું યોગ્ય સમજ્યું નહોતું. પોલીસ અધિકારીઓએ પણે એપાર્ટમેન્ટના રહેવાસીઓ, આગેવાનોની આવી માનસિકતા પ્રત્યે રોષ દાખવ્યો હતો. (૧૪.૬)
(10:54 AM IST)










