<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

રૈયા વિસ્તારમાં આવતા ૮ ધાર્મિક દબાણો અંગે પ્રથમ સૂનાવણી પૂરીઃ ૧પ દિ' અપાતો ટાઇમ

બાલાજી હનુમાન મંદિર-સિધ્ધનાથ-સૂર્યનારાયણ-રાધેશ્યામ ગૌશાળા-ખોડીયાર માતાજી-રાજ રાજેશ્વરી મંદિરનો સમાવેશ પશ્ચિમ મામલતદાર અજીતકુમાર દ્વારા કાર્યવાહીઃ કાં તો દબાણ ખસેડી લો અથવા નિયમીત કરવા અરજી કરો...

રાજકોટ તા. ૮ : રૈયા વિસ્તારમાં વિવિધ ટીપીની જમીનો તથા યુએલસી, ફાજલ, અને સરકારી ફાજલ જમીન ઉપર ૭ થી ૮ જેટલા ધાર્મિક દબાણો ઉભા થઇ ગયા હતા, આ તમામને પશ્ચિમ વિસ્તારના મામલતદાર શ્રી અજીતકુમાર જોષીએ નોટીસો ફટકારી આજે તમામને સૂનાવણી અર્થે મામલતદાર કચેરીએ રૃબરૃ બોલાવ્યા હતા, તમામની પ્રથમ સૂનાવણી પૂર્ણ થઇ છે.

સાધનોના ઉમેર્યા પ્રમાણે મામલતદારે તમામ ધાર્મિક દબાણ કરનાર મંદિરના ટ્રસ્ટીઓ-સંચાલકો તથા જે કોઇ સંસ્થા હોય તેને સૂચના આપી હતી કે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ધાર્મિક દબાણ છે, એટલે કાં તો સ્વયંભૂ જાતે દબાણ ખસેડી લો અથવા તો દબાણને નિયમીત કરવા અરજી કરો, ૧પ દિ'નો તમામને સમય અપાયો છે.

આ મંદિરો રૈયા વિસ્તારમાં જુદા જુદા સ્થળે આવેલા છે, જેમાં બાલાજી હનુમાન મંદિર, સિધ્ધનાથ મહાદેવ, સૂર્યનારાયણ મંદિર, રાધેશ્યામ ગૌશાળા, ખોડીયાર માતાજી મંદિર, શ્રી રાજ રાજેશ્વરી મંદિરનો સમાવેશ થાય છે.

જો દબાણ કર્તાઓ દ્વારા નિયમીત માટે અરજી થાય તો જે તે જેટલી જગ્યા છે તેનું પ્રિમીયમ ભરવાનું થશે, મામલતદાર આખો રીપોર્ટ તૈયાર કરી પ્રાંતને મોકલશે, પ્રાંત દ્વારા આ રીપોર્ટ કલેકટરને મોકલાશે અને કલેકટર ધાર્મિક દબાણ અંગે ફાઇનલ નિર્ણય લેશે, જો કે આ બધી કાર્યવાહી ઓગષ્ટના એન્ડમાં થશે તે પણ હકિકત છે. 

(3:19 PM IST)